નર્મદા કેનાલ અને સતત વીજ પુરવઠાથી ખેતી અને પશુપાલન ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ આવ્યો:- મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
(G.N.S) Dt. 18
પાલનપુર,
રાજ્ય સરકારનું વિકાસ મોડેલ: વાવ- થરાદ જિલ્લામાં દર મહિને વિકાસ કાર્યનું લોકાર્પણ થઈ રહ્યું છે:- રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર
વાવ – થરાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરની ગરિમામય ઉપસ્થિતિમાં ઢીમા ખાતે ૬૬ કેવી ઢીમા, રાણપુર (આ.વાસ) તથા ભડથ સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા વાવ થરાદ જિલ્લાના ઢીમા, રાણપુર (આ.વાસ) તથા ભડથ ખાતે રૂ. ૩૦ કરોડના ખર્ચે નિર્મિત ૬૬ કેવી સબ સ્ટેશન ઊભું કરાયું છે. આ સબ સ્ટેશન થકી સરહદી વિસ્તારના ૧૬થી વધુ ગામડાઓને અવિરત વીજળી પુરવઠો મળી રહેશે.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વાવ-થરાદ વિસ્તારના ખેડૂતો ખેતી માટે પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યા છે. આ તેમની સમજણ અને જાગૃતિનો ઉત્તમ દાખલો છે. પાણી સંરક્ષણ પ્રત્યેની સભાનતા સાથે ખેડૂતો જળ સંચયનું કાર્ય કરી રહ્યા છે.
આજથી આશરે ૨૦ વર્ષ પહેલાં સમગ્ર ગુજરાતમાં એક જ માંગ હતી કે ગામડાઓને પૂરતી વીજળી મળે. શહેરોમાં ૨૪ કલાક વીજળી મળતી હોય તો ગામડાઓમાં કેમ નહીં અને નર્મદાના પાણીનો લાભ આ વિસ્તારોને કેમ ન મળે, તે પ્રશ્નો લોકો ઉઠાવતા હતા. પરંતુ આજે આ પરિસ્થિતિમાં મોટુ પરિવર્તન આવ્યું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, સરકારશ્રીએ ગામડાઓમાં ૨૪ કલાક વીજળીનો પુરવઠો આપ્યો છે. ખેડૂતોને ખેતી પાક માટે દિવસે વીજળી આપી છે. તેમણે કહ્યું કે, વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરી, જેની સ્થાપનાશ્રી ગલબાભાઈએ કરી હતી, તેને આજે વિશ્વ સ્તર પર પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે, જેનો સીધા લાભ આજે પશુપાલકોને મળી રહ્યો છે.
પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કુદરતી આફતો, વાવાઝોડાં કે પૂર જેવી પરિસ્થિતિમાં પણ વીજળી વિભાગના કર્મચારીઓ ૨૪×૭ સેવા આપી વીજ પુરવઠો ચાલુ રાખે છે, તે ગર્વની બાબત છે. તેમણે ખેડૂતોને પાણીની સાથે વીજળીનો પણ સંયમપૂર્વક અને કાળજીપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું. વાવ-થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યને સતત વેગ આપવામાં આવી રહ્યો છે.
નવનિર્મિત સબ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે, રાજ્ય સરકારે વિકાસલક્ષી કાર્યોને સતત પ્રાધાન્ય આપ્યું છે. રાજ્ય સરકારના વિકાસ મોડલ હેઠળ વાવ – થરાદ જિલ્લામાં દર મહિને નવા વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ સબ સ્ટેશનના લોકાર્પણથી અંદાજે ૯ કિલોમીટર વિસ્તારમાં આવેલા ગામડાઓને ગુણવત્તાપૂર્ણ વીજ પુરવઠો મળશે, જેનાથી ખેતી ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થશે. ભૂતકાળમાં આ વિસ્તારમાં પૂરતો વીજ પુરવઠો મળતો નહોતો, પરંતુ રાજ્ય સરકારના વિકાસ પ્રત્યેના દ્રઢ સંકલ્પના પરિણામે હવે સતત અને વિશ્વસનીય વીજળી ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, જેટકોના MDશ્રી ઉપેન્દ્ર પાંડે, ચીફ એન્જિનિયરશ્રી કે.એસ.રાઠોડ, સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

