ગાંધીનગરમાં મ્યુલ એકાઉન્ટ સંબંધિત સૌપ્રથમ ગુનો નોંધાયો
દેશભરમાંથી 25 ફરિયાદો નોંધાયેલા કેટરિંગ પેઢીના એકાઉન્ટમાંથી 74 લાખના વ્યવહારો મળ્યા
(જી.એન.એસ),તા.૧૬
ગાંધીનગર
ગાંધીનગરમાં સાયબર ક્રાઇમ સેલે ઓનલાઈન છેતરપિંડીના નાણાંને સગેવગે કરવા માટે વપરાતા મ્યુલ એકાઉન્ટ સંબંધિત કૌભાંડમાં ડીવાઇન કેટરર્સ નામની પેઢીના રૂપાલ ગામના ડિરેક્ટર વિરુદ્ધ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે પેથાપુર પોલીસ મથકમાં ગાંધીનગર જિલ્લાનો પ્રથમ ગુનો દાખલ કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પેઢીના નામના એકાઉન્ટમાં રૂ. 74.27 લાખની રકમના અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન થયાના પુરાવા સાથે દેશભરમાંથી કુલ 25 ફરિયાદો નોંધાયેલી હોવાનો પર્દાફાશ થયો છે.
ભારતમાં ઓનલાઇન મની ફ્રોડનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને મોટા ભાગે આવા દરેક ફ્રોડમાં મ્યૂલ એકાઉન્ટનો ઉપયોગ થતો હોય છે.
ત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરોળિયાની જાળની માફક ફેલાયેલા ફ્રોડના મૂળ સુધી પહોંચવા મ્યૂલ એકાઉન્ટ્સની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી રહી છે. જે અન્વયે ગાંધીનગરમાં સૌપ્રથમ ગુનો પેથાપુર પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. સાયબર ક્રાઈમે IDFC FIRST BANKના એક એકાઉન્ટના સ્ટેટમેન્ટનું એનાલિસિસ કર્યું. સાયબર ક્રાઇમને વેગ આપતા મ્યુલ એકાઉન્ટ્સની તપાસમાં ભારત સરકારના NCCRP અને SAMANVAYA પોર્ટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસે IDFC FIRST BANKના એક એકાઉન્ટ નંબરના સ્ટેટમેન્ટનું એનાલિસિસ કર્યું હતું. આ એનાલિસિસમાં 30 ઓક્ટોબર, 2024થી 16 એપ્રિલ, 2025 દરમિયાન કુલ રૂ. 74,27,508 જેટલી મોટી રકમના શંકાસ્પદ અને અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા.
જેમાં આ એકાઉન્ટ વિરુદ્ધ NCCRP પોર્ટલ પર દેશભરમાંથી કુલ 25 જેટલી ફરિયાદો નોંધાયેલી અને આ ખાતું મોટા નેટવર્કના ભાગરૂપે કાર્યરત હોવાનું બહાર આવ્યું છે. વધુમાં તપાસમાં બહાર આવ્યું છે કે આ ખાતુ ડીવાઇન કેટરર્સ નામે ખોલવામાં આવ્યું હતું, જેના ડિરેક્ટર તરીકે ભાવેશ રાધેશ્યામભાઈ પટેલ (રહે. સોનીપુર, રૂપાલ, ગાંધીનગર) છે. આરોપી ભાવેશ પટેલે અન્ય મળતિયાઓ સાથે મળીને ગુનાહિત કાવતરું રચી ઓનલાઇન ઠગાઇથી મેળવેલા નાણાં પોતાના એકાઉન્ટમાં જમા કરાવીને ગેરકાયદેસર આર્થિક લાભ મેળવ્યો હતો. જેના પગલે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકમાં મ્યુલ એકાઉન્ટ ફ્રોડ અન્વયે સૌ પ્રથમ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે.

