ગુજરાતમાં ટી.બી.ના નવા દર્દીઓની સંખ્યામાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકા ઘટાડો : ‘સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ’ શ્રેણીમાં પ્રથમ સ્થાન
(જી.એન.એસ) તા. 11
ગાંધીનગર,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વર્ષ 2025 સુધીમાં ટી.બી. મુક્ત બનાવવાનો નિર્ધાર કર્યો છે. જે અન્વયે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અત્યંત ગંભીરતાપૂર્વક કાર્ય કરવામાં આવી રહ્યું છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ટી.બી.ના નવા દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને ગુજરાતમાં ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત થઈ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતને સંપૂર્ણ ટી.બી. મુક્ત બનાવવા અધિકારીઓને આંદોલન સ્વરૂપે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ અધિકારીઓને ક્ષય નિયંત્રણના કામમાં જરા પણ ઢીલાશ ન મુકવાનું સૂચવીને લક્ષ્ય પ્રાપ્તિ માટે ગંભીરતાથી કાર્ય કરવા તથા ટી.બી. અંગે લોકોમાં વધુમાં વધુ જાગૃતતા ફેલાવવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓને ક્ષય નિર્મૂલન માટે આયોજનબધ્ધ કામ કરવાનું જણાવ્યું હતું. તેમણે ટી.બી.ના તમામ દર્દીઓ સુધી પોષણ કીટ પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવા પણ સૂચવ્યું હતું.
ગુજરાતમાં વર્ષ 2015ની તુલનામાં વર્ષ 2023માં ટી.બી.ના નવા દર્દીઓની સંખ્યામાં 34 ટકા અને મૃત્યુમાં 37 ટકા ઘટાડો આવ્યો છે, જેના માટે ભારત સરકાર દ્વારા ગુજરાતને ‘સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ’ શ્રેણીમાં પ્રથમ સ્થાન આપ્યું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ટી.બી.ના 65,471 દર્દીઓ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ટી.બી.ના દર્દીઓની નિયમિતપણે સારવાર અને ફોલોઅપ કરવામાં આવે છે. દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તેની પણ ચિંતા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચાલુ વર્ષે 10,910 નિક્ષય મિત્રો દ્વારા 60,199 જેટલી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજભવનમાં યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, શહેરી આરોગ્ય નિયામકશ્રી ડૉ. હર્ષદ પટેલ, ગ્રામ્ય આરોગ્ય નિયામક શ્રી ડૉ. રતનકંવર ગઢવીચારણ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


