Home ગુજરાત “હું છુ વિકાસ અને હુ છુ ગુજરાત” ભૂલી “હું નીચ છું” માટે...

“હું છુ વિકાસ અને હુ છુ ગુજરાત” ભૂલી “હું નીચ છું” માટે તમે મને મત આપો..!! આ રીતે મત મંગાય?

930
0

(જી.એન.એસ, પ્રશાંત દયાળ), તા.11
હું છુ વિકાસ અને હુ છુ ગુજરાતના બોર્ડ અને જાહેરખબર ભલે ઠેર ઠેર લાગી હોય પણ કયાં વિકાસ અને ગુજરાતની વાત કર્યા વગર દેશનો વડાપ્રધાન મને નીચ કહ્યો, માટે તમે મને મત આપો તેવી માગણી કરી રહ્યા છે. રાજકારણમાં સામાન્ય ખબર પડતી હોય તેવા નાગરિકોને કદાચ કોંગ્રેસમાં મણીશંકર ઐયર નામનું કોઈ પ્રાણી છે તેના ભાગ્યે જ ખબર હશે,, ઐયરે જે પ્રકારનું નિવેદન કર્યું તે હરગીજ ચલાવી શકાય નહીં, તેના કારણે કોંગ્રેસે તેને કોંગ્રેસમાંથી હાંકી કાઢયા છે પણ ઐયરનું નિવેદન નરેન્દ્ર મોદી અને અમિત શાહને દોડવા માટે ઢાળ મળી ગયો તે પ્રકારનું છે.
ચુંટણી ગુજરાતની છે. જેમાં ગુજરાતના પ્રશ્નો અને ભાજપે 22 વર્ષ દરમિયાન ગુજરાતમાં કરેલા કામોની ચર્ચા થવી જોઈ , પણ તેના બદલે નાના છોકરા શેરીમાં લડતા હોય અને કોઈ છોકરો બીજી છોકરાને ગાળ આપે ત્યારે ગાળ ખાનાર છોકરો જે પ્રકારે મમ્મીને કહી  દઈશ અને રીસાઈ મમ્મી પાસે ફરિયાદ કરવા જાય તે પ્રકારે નરેન્દ્ર મોદી સાવ બાલીશ વ્યવહાર કરી રહ્યા છે, તેઓ શેરી નેતા નથી અને નાનો છોકરો નથી, મણીશંકર ઐયરે નરેન્દ્ર મોદીને નીચ કહ્યા, તે તેમનો જન્મ કઈ જાતીમાં થયો હતો તેના સંદર્ભમાં ન્હોતો, પણ નરેન્દ્ર મોદીના કામ માટે હતો, આપણે તો કર્મના સિધ્ધાંતની દુહાઈ આપનાર લોકો છીએ માણસ જન્મથી નહીં પણ કર્મથી મહાન અને નીચ બને છે.
ઐયર બોલ્યા અને નરેન્દ્ર મોદી પ્રજા પાસે દોડી આવ્યા બોલો બોલો મને ઐયરે નીચ કહ્યો, ઐયર એક વખત નીચ બોલ્યા, કદાચ તેની દેશના બે ટકા લોકોને પણ ખબર ન્હોતી, પણ નરેન્દ્ર મોદી એક હજાર વખત બોલ્યા કે મને નીચ કહ્યો. નરેન્દ્ર મોદીને ઐયરના નિવેદનનું માઠુ લાગતુ હોય તો તેમની પાર્ટી અને તેમણે મનમોહનસિંગ વડાપ્રધાન હતા ત્યારે નહીં બોલવાના તમામ શબ્દોનો પ્રયોગ કર્યો હતો, તેમણે મનમોહનની મુંગી ઢીગલી કહી હતી, સુબ્રમણ્યમ સ્વામીએ તેમને નપુંસક કહ્યા હતા આમ અનેક નેતાઓ દેશના વડાપ્રધાન માટે જે શબ્દનો પ્રયોગ કરી ચુકયા છે તે નીચતાથી ઓછા ન્હોતા.
ઐયર બોલ્યા તેને કોઈ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં, છતાં ઐયરના નિવેદનને નરેન્દ્ર મોદીએ સાચુ ઠેરવવાની બાધા લીધી હોય તેવુ લાગે છે. ગુજરાતના વિકાસની  અને ચુંટણી જીતશે તો કઈ રીતે ગુજરાતનો વધુ સારો વિકાસ થશે તેના બદલે કોંગ્રેસ અને પાકિસ્તાને અહમદ પટેલને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવાની  તૈયારી કરી છે તેવુ નિવેદન કરી પોતાની ક્ષીણ થઈ રહેલી માનસીકતાનું પ્રદર્શન કર્યુ છે. નરેન્દ્ર મોદી કોંગ્રેસ સામે કોઈ આરોપ કરે તેની સામે કોઈને વાંધો હોઈ શકે નહીં, પણ અમારા વડાપ્રધાનનું આટલી હિનકક્ષાએ અધપતન થાય તે અમને હરગીજ મંજુર નથી, જો કોંગ્રેસને પાકિસ્તાન સાથે ગોઠવણ કરી અહમદ પટેલને ગોઠવવમાં હોય તો ગુજરાતના મુખ્યમંત્રી શુ કામ બનાવે, દેશના વડાપ્રધાન જ બનાવી દેને
બે મહિના પહેલા ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ સાથે અહમદ પટેલનું નામ જોડી દેવાનો પ્રયાસ થયો પણ લોકોના ગળે તે વાત ઉતરી નહીં, પણ મને નીચ કહ્યોનો મુદ્દો ઉઠાળી ગુજરાતનું અપમાન થયુ તેવા રોદણા રડયા, અરે ભાઈ નરેન્દ્ર મોદી એટલે ગુજરાત નથી અને નરેન્દ્ર મોદી દેશ નથી. અરે મારા મોટા ભાઈ છ કરોડ લોકો ભેગા થઈ ત્યારે ગુજરાત બને અને સવાસો કરોડ લોકો ભેગા થાય ત્યારે ભારત બને છે. પણ સતત હું જ બ્રહ્મ છુના મોડમાં રહેતા નરેન્દ્ર મોદી પાસે મુદ્દા ખલાસ થઈ જાય અને જયારે લાગે હવે શહેરોમાં ચુંટણી થઈ રહી છે, અને હિન્દુઓ ડરશે નહીં ત્યારે કાયમ હિન્દુ મુસ્લિમનો મુદ્દો લઈ આવે છે. નરેન્દ્ર મોદી તો ઠીક પણ તેમના હનુમાન સ્વરૂપ અમીત શાહ પણ હવે છટકી ગયુ છે, તેઓ ગુજરાતના ગૃહમંત્રી હતા અને જેલમાં પણ જઈ આવ્યા છે તેમનુ કાયદાનું જ્ઞાન આપણા કરતા વધારે છે.
તેમણે એક નાનકડા છોકરા જીજ્ઞેશ મેવાણી ઉપર આરોપ મુકયો કે તેણે ચુંટણીમાં ત્રાસવાદી સંગઠન સાથે સંકળાયેલા લોકો પાસેથી ફંડ લીધુ છે. તેવો જ બીજો આરોપ નરેન્દ્ર મોદીએ મુકયો કે ત્રાસવાદીની તરફેણ કરનાર નીઝામી નામનો યુવકો કોંગ્રેસમાં છે. અરે આ બંન્ને મહાનુભાવોને કહેવુ છે કે દેશની જનતાએ દેશ તમારા હવાલે સોંપ્યો છે. જો નીઝામી અને જીજ્ઞેશ મેવાણી ત્રાસવાદી સાથે સંકળાયેલા હોય તો તેમને મરે ત્યાં સુધી જેલમાં ઠોંસી રાખો, પણ તમે તેવુ કરતા નથી કારણ તમારા માટે આ બધી વાતો માત્ર ચુંટણીમાં ગાળો બોલવા માટેની જ છે. રાજકારણ રમો, અને કોંગ્રેસને સાફ કરી નાખો, પણ એક ગુજરાતી રાજકારણી થઈ આ પ્રકારની હલકી રાજનિતી કરી ગુજરાતનું અપમાન કરશો નહીં.
 લવ જેહાદ, આઈએસ, પાકિસ્તાન, રામ મંદિર, મુસ્લિમ તુષ્ટીકરણ અને મને નીચ કહ્યો જેવા મુદ્દા બાજુ ઉપર રાખો, કારણ આ મુદ્દાને કારણે ગુજરાતના યુવાનને નોકરી મળતી નથી, ખેડુતના ખેતરમાં પાણી આવતુ નથી, બીમાર દર્દીઓને સારી સારવાર મળતી નથી, અમારે પણ વિકાસ જોઈએ છીએ, જેમાં તમામ જાતી અને ધર્મ અને વર્ગનો વિકાસ થતો હોય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field