(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૧૨
હાલીસા મુકામે યોજાયેલ ગૂજરાત વિદ્યાપીઠ, મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ, સાદરાની એન.એસ.એસ.શિબિર અંતર્ગત આજરોજ હાલીસા ગામામાં વિદ્યાર્થીઓએ પ્રભાતફેરી કરી હતી.ત્યારબાદ રોજીંદી નિયમિત પ્રવૃતિઓ પછી ગ્રામસફાઈનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ ગ્રામસફાઈમાં હાલીસા પેટા આરોગ્યકેન્દ્ર પરિસર, ગામના મુખ્ય રસ્તાઓ, ગામની શેરીઓ તથા આ સફાઈ દરમ્યાન એકઠો થયેલ કચરો સરપંચ શ્રી ભરતભાઈ રબારી તરફથી ટ્રેકટરની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમા ભરવામાં આવ્યો હતો. અને તેનો નિકાલ કરીને ગામને સ્વચ્છ બનાવ્યું હતું. ‘સ્વચ્છ ગામ, સુંદર ગામ’ સંક્લ્પ દ્વારા ગામના લોકોમાં સ્વચ્છતા વિષે જાગૃતિ આવે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આજના શિબિરના વિશેષ કાર્યક્રમમાં ‘સર્વરોગ નિદાન કેમ્પ’ યોજવામાં આવ્યો હતો. તેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગૂજરાત વિદ્યાપીઠના તબીબી અધિકારી ડૉ.નયનેશભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આ સર્વરોગ નિદાનમાં ગામના મોટાભાગના લોકોએ નિદાન કરાવ્યું હતું. ગામની અંદર રોગોમાં ખાસ કરીને ‘વા’ અને ‘આંખની ની બીમારી’ વધુ પ્રમાણમાં જોવા મળી હતી. વિદ્યાપીઠના ડૉ.નયનેશભાઈ વસાવાએ જે લોકો કેમ્પ સ્થળ પર પહોચી શકાય તેમ નહોતા તેમના ઘરે જઈને પણ નિદાન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગામમાં સ્વચ્છતા રાખશો તો અને ગંભીરતા પૂર્વક સમયસર આરોગ્યની તપાસ કરાવશો તો આવનાર સમયમાં રોગોમાંથી મુક્તિ મેળવી શકાશે. આ આરોગ્ય કેમ્પમાં સરપંચ શ્રી ભરતભાઈ રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આજના બૌધિક સત્રમાં શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટ અને ભારતીબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા, તેમાં ઋતુઓ પ્રત્યે મિત્રતા કેળવવી અને તેની સાથે અનુકુળતા સાધી શકાય તે રીતે શરીરની કેળવણી કરવી. તેવા ગ્રામોદ્યોગ હોવા જોઈએ જે સ્વપોષી, પરપોષી, પરભક્ષી અને મૃતભક્ષીને પોષી શકે. દરેકનું ભલું થાય તેવી પંચાયત હોવી જોઈએ. ગાંધીના વિચારોમાં ગાંધી એટલે સત્યના ઉપાસક, ન્યાય સામે અહિંસા લડે, ચોકસાઈ પાળે અને પડાવે, પ્રયોગવીર વગેરે મુદાઓને આવરી લઇ ચર્ચા કરવામાં આવી હતી. ભારતીબેન ભટ્ટએ પાયાની કેળવણી વિષે ચર્ચા કરવામાં આવી હતી.
એન.એસ.એસ.ના વિદ્યાર્થી રાણા વાઘેલાએ જણાવ્યું હતું કે ગાંધીજી લિખિત ગ્રામસ્વરાજ પુસ્તકના અધ્યયન દ્વારા અમારા જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. તેમાં આત્મબળ, ગામને ક્યાં સાચા દૃષ્ટિકોણ મુજબ જોઈ શકાય. ગામની મુખ્ય સમસ્યાઓ એ વ્યક્તિની માનસિકતા છે. જો વ્યક્તિની માનસિકતા દુર કરવામાં આવે તો ગામની મોટાભાગની સમસ્યાઓ દુર કરી શકાય અને તેનો ઉકેલ શોધી શકાય.
બૌદ્ધિક સત્રમાં ડૉ.પ્રવીણ દુલેરાએ શિબિરાર્થીઓને બૌદ્ધિક રમત દ્વારા ગાંધી વિચાર અને લોકોના મુદ્દાઓને આવરી લઇ ચર્ચા કરવામાં આવી હતી. તા-૧૨/૧૨/૨૦૧૯ના રોજ હાલીસા ગામમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમાં સાક્ષરતા, વ્યસન મુક્તિ, સ્વચ્છતા, અંધશ્રદ્ધા નિવારણ, આધુનિકતાના કારણે થતી મુશ્કેલીઓ વગેરે વિષયોને આવરી લઇ કાર્યક્રમ કરવામાં આવશે.
આ શિબિરમાં અધ્યાપકો ડૉ. રાજેન્દ્ર જોષી, ડૉ. મોતી દેવું, ડૉ. કનું વસાવા, ડૉ. ધ્વનિલ પારેખ, ડૉ. અમરેન્દ્ર પાંડે, ડૉ.વિક્રમસિંહ અમરાવત, ડૉ.ગાયત્રીદત્ત મહેતા તથા ડૉ. દિવ્યેશ ભટ્ટ તથા ગૃહપતિ શ્રી જયેશભાઈ રાવલ સતત માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. હાલીસા ગામના યુવા સરપંચ ભરતભાઈ રબારી અને ગામલોકોનો સતત સાથ સહકાર મળી રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.