Home ગુજરાત ગાંધીનગર હસ્તકલા ક્ષેત્રે ગુજરાતનો આ 23મો જીઆઈ ટેગ, ગુજરાતને મળેલ જીઆઈ ટેગની સંખ્યા...

હસ્તકલા ક્ષેત્રે ગુજરાતનો આ 23મો જીઆઈ ટેગ, ગુજરાતને મળેલ જીઆઈ ટેગની સંખ્યા 27 પર પહોંચી

8
0

(જી.એન.એસ) તા.૨૯

ગાંધીનગર,

ગુજરાત તેની વૈવિધ્યસભર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે જાણીતું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યને કુલ 26 GI ટેગ પ્રાપ્ત થયા છે, જે પૈકી 22 GI ટેગ હસ્તકલા ક્ષેત્ર માટે પ્રાપ્ત થયા છે. હવે ભારત સરકારે ગુજરાતની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને જીઆઈ ટેગ આપ્યો છે, અને આ સાથે ગુજરાતને મળેલા કુલ જીઆઈ ટેગની સંખ્યા 27 પર પહોંચી ગઈ છે, જ્યારે હસ્તકલા ક્ષેત્રે આ 23મો જીઆઈ ટેગ મળ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા છે. તાજેતરમાં ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડલૂમ્સ ડેવલપમેન્ટ કમિશનર દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત “જીઆઈ એન્ડ બિયોન્ડ– વિરાસત સે વિકાસ તક” કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ગૌરવ સમાન “ઘરચોળા હસ્તકલા” ને પ્રતિષ્ઠિત જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ એનાયત કરવામાં આવ્યો છે. ગરવી ગુર્જરીના પ્રયાસો થકી શક્ય બનેલ છે. ઘરચોળા માટે જીઆઇની માન્યતા, પોતાના કલા વારસાને સુરક્ષિત રાખવાના ગુજરાતના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. આ જીઆઇ ટેગ ગુજરાતની ઘરચોળા હસ્તકલાના સમૃદ્ધ વારસા અને જટિલ કારીગરીને વ્યાખ્યાયિત કરે છે અને તેનાથી ઘરચોળા કલાના અનન્ય સાંસ્કૃતિક ખજાનાનું સ્થાન વૈશ્વિક ફલક પર મજબૂત થશે.  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલી વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ (ઓડીઓપી) યોજનાને કારણે જીઆઈ ઉત્પાદનોનો બહોળો પ્રચાર-પ્રસાર થયો છે. મુખ્યમંત્રીશ્રીના આ વિઝનને આગળ ધપાવતા કુટીર અને ગ્રામોદ્યોગ કમિશનરની કચેરી દ્વારા આ જીઆઈ ટૅગ્સ મેળવવા માટે પ્રસંશનીય કામગીરી કરવામાં આવે છે. ગુજરાતના ઘરચોળા હિંદુ અને જૈન સમાજમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગોએ પહેરવામાં આવે છે.  પરંપરાગત રીતે, ઘરચોળા લાલ અથવા મરૂન અને લીલા અથવા પીળા જેવા રંગોમાં બનાવવામાં આવતા હતા, જેને હિંદુ પરંપરામાં શુભ રંગો માનવામાં આવે છે. આજે ગુજરાતના વણકરો આધુનિક સમયને અનરૂપ ઘરચોળા સાડીની બનાવટમાં તેમની ડિઝાઇન્સ અને ટેકનીક્સને અપડેટ કરી રહ્યા છે. તેઓ વધુ આકર્ષક સાડીઓ બનાવવા માટે કૌશલ્ય વિકસિત કરી રહ્યા છે, જેના કારણે બજારમાં ઘરચોળા સાડીઓની માંગમાં પણ ઘણો સુધારો થયો છે. નિગમના ગરવી ગુર્જરી વેચાણ કેન્દ્રો ખાતે ઘરચોળા સાડીઓનું વિપુલ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. જીઆઈ ટેગ માત્ર હસ્તકલાની પ્રામાણિકતા અને વિશિષ્ટતાને જ રેખાંકિત નથી કરતું, પરંતુ વૈશ્વિક સ્તરે તેનો પ્રચાર કરવા માટે એક મૂલ્યવાન માર્કેટિંગ સાધન પણ પૂરું પાડે છે. જીઆઇ ટેગ ગ્રાહકોને સંબંધિત પ્રોડક્ટના મૂળની ખાતરી આપે છે અને તેમને વિશ્વાસ અપાવે છે કે તેઓ અસ્સલ અને જિલ્લા-વિશિષ્ટ હસ્તકલા ખરીદી રહ્યા છે. તે સ્થાનિક કારીગરોની કુશળતા અને પરંપરાઓને મૂર્તિમંત કરે છે. ઘરચોળા સાડી ઉપરાંત, હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ગત વર્ષે સુરતની લુપ્ત થતી કલા “સાડેલી”, બનાસકાંઠાની “સુફ” એમ્બ્રોઇડરી, ભરૂચ જિલ્લાની “સુજની” હસ્તકલા તેમજ અમદાવાદની “સૌદાગીરી પ્રિન્ટ” અને “માતાની પછેડી” હસ્તકલાને જીઆઈ ટેગ્સ આપવામાં આવ્યા છે. આ હસ્તકલાઓની સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખવામાં કુટીર અને ગ્રામોદ્યોગની કચેરીના કમિશનરના અવિરત પ્રયાસો મહત્વપૂર્ણ બન્યા છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી દ્વારા આ જીઆઈ ટેગ્સ પ્રાપ્ત ઉત્પાદનોને G-20 અને વાયબ્રન્ટ ગુજરાત જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં પધારેલા મહાનુભાવોને ભેટ-સોગાદરૂપે આપીને, આ ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ આપવામાં આવી છે. જીઆઈ ટેગ્સ પ્રાપ્ત કરવા ઉપરાંત, ગરવી ગુર્જરી જીઆઈ-પ્રમાણિત ઉત્પાદનોને મહત્તમ માર્કેટ એક્સપોઝર પ્રદાન કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. બજારની તકોનું વિસ્તરણ કરીને, નિગમનો હેતુ કારીગરોની આર્થિક તકોને વધારવાનો અને સમકાલીન જીવનશૈલીમાં ગુજરાતની પરંપરાગત હસ્તકલાના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિકાસ પ્રોજેક્ટ્સમાં સંપાદિત થયેલી જમીનના જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રોનાં વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરતા મુખ્યમંત્રીશ્રી
Next articleગુજરાત વિધાનસભા ખાતે શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર-“ઠક્કરબાપા”ની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ