(જી.એન.એસ.,પ્રશાંત દયાળ) તા.19
આપણે પોતે પણ બોલીએ છીએ અને આપણે પોતે પણ અનેક વખત સાંભળ્યુ છે કે આ દેશમાં તો બધુ જ આવું જ ચાલવાનું અથવા આ માણસ ક્યારેય સુધરશે નહીં, પણ મારો અનુભવ કંઈક જુદો છે. કંઈક બદલાશે નહીં અથવા આ માણસ બદલાશે નહીં તેવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે મને લાગે છે કે આપણી પાસે ધીરજનો અભાવ હોવાને કારણે આપણામાં બદલાવ સુધી રાહ જોવાની તૈયાર નથી. દરેક માણસમાં નાની મોટી સારપ તો પડેલી જ હોય છે. પણ તેના સારપ ઉપર ચઢેલી ઘુળને કારણે આપણને તો ઠીક પણ ખુદ તે માણસને પણ તેની અંદરની સારપની ખબર હોતી નથી. હજી આપણે ત્યાં ધોધમાર વરસાદ શરૂ થયો નથી. આપણે ઉનાળાની કાળઝાળ ગરમીનો અનુભવ તો કર્યો છે. પણ અમદાવાદમાં 45 ડિગ્રી ગરમીમાં પણ બીજાની ચિંતા કરતા માણસોને જોઈ એસી કરતા પણ વધુ ઠંડકનો અનુભવ કર્યો છે.
ઉનાળાની ગરમીમાં અનેક વિસ્તારમાં મેં કલાક-બે કલાક માટે છાશ વિતરણ કેન્દ્ર લોકોને જોયા છે. આવું માત્ર અમદાવાદમાં જ નહીં રાજ્યના અનેક શહેરોમાં થયુ છે. મોટા શહેરમાં જ્યાં પાણીની પરબનો કન્સેપ્ટ જતો રહ્યો છે. પાણી પણ પૈસા આપી પીવું પડે તેવા શહેરમાં ઉનાળામાં તમે તમારા ટુ વ્હીલર ઉપર પસાર થતાં હોવ ત્યારે તમે લગભગ રસ્તાની વચ્ચે આવી કોઈક માણસ રોકે અને તેના હાથમાં રહેલો છાસનો ગ્લાસ આગળ કરી કહે દોસ્ત છાશ પીતો જા ગરમી લાગશે નહીં, અરે આ તો કેવું શહેર જે માણસને તમે ઓળખતા નથી, ક્યારેય મળવાના નથી, તેને તમારૂ અને તમને તેનું કોઈ કામ નથી છતાં તમને સનસ્ટ્રોક લાગે નહીં તે માટે તે ખુદ તવા જેવા ગરમ થઈ ગયેલા રસ્તા ઉપર આવી તમને સ્કૂટર ઉપર જ છાશ આપી જાય. મને લાગે છે કે છાશની અસર પછી થશે પણ માણસમાં રહેલી સારપ ચોક્કસ સનસ્ટ્રોકને રોકી લેશે.
દેશની આઝાદીમાં અનેક લડવૈયા હતા, તમામે પોતાનું યોગદાન આપ્યું અને તેઓ પોતાની લડાઈ શ્રેષ્ઠ રીતે લડ્યા પણ મહાત્મા ગાંધીની લડાઈ પરિણામ સુધી પહોંચી તેનું કારણ તેમણે પોતાના ગમા-અણગમા બાજુ ઉપર મુકી લડાઈમાં સામેલ તમામ સાથીઓની મર્યાદા સાથે તેમને સ્વીકાર્યા અને તેમનો સહયોગ લીધો. ગાંધીના આ ગુણ વિશે કાકાસાહેબ કાલેલકર લખે છે કે ગાંધી પાસે સામેની વ્યક્તિમાં રહેલી સારપ ઓળખવાની શક્તિ હતી અને તે સારપનો તેઓ બહાર લાવતા હતા. મને લાગે છે કે આપણે કહીએ છીએ કે આ માણસ બદલાશે નહીં, તો આપણે કોઈને જ બદલવાની જરૂર નથી, આપણે ખુદ પણ જેવા છીએ તેવા જ રહી છીએ. આપણે પણ બદલતા નથી તો કોઈ માણસ શું કામ બદલાય? આપણે કોઈને બદલવાનો નથી, સૌથી પહેલા આપણે જ આપણામાં રહેલી સારપથી પરિચીત થઈએ અને આપણી અંદર રહેલા સારા માણસને બહાર આવવાની તક આપીએ.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક પેટ્રોલ પંપ છે. આ પંપ ઉપર તમે કાર લઈ પેટ્રોલ ભરાવવા માટે જાવ એટલે એક વૃદ્ધ વ્યક્તિ ત્યાં આવશે. કારની ચારે તરફ ફરી કાર જોશે અને પછી કહેશે સાહેબ હેડલાઈટ ઉપર પીળો પટ્ટો નથી, પાછળ રેડીયમ પટ્ટી નથી, લગાવી આપુ? કદાચ તમને તે વાત પસંદ પડશે નહીં. તમે તેને કહેશો કંઈ જરૂર નથી. તે તરત કહેશે સાહેબ પૈસા આપવાના નથી, તમારી જીદંગી કિંમતી છે. લગાવી લોને, તેના અવાજમાં એક ભીનાશ સાથેની વિનંતી હોય છે. પહેલા તો એવુ લાગે કે આ માણસ પૈસા માટે આ કામ કરતો હશે, પણ તે સાચુ નથી ખરેખર તે પૈસા માટે કારની હેડલાઈટ ઉપર પીળી પટ્ટી અને પાછળ તરફ લાલ રેડીયમ પટ્ટી લગાવતો નથી. તે પૈસા પણ માંગતો નથી અને તમે કદાચ પૈસા આપો તો તે પૈસામાંથી તે રેડીયમ પટ્ટી લાવી કોઈ બીજાની કાર ઉપર રેડીયમ મફતમાં લગાવી આપે છે. પણ કડવી વાસ્તવીકતા અને તેની અંદર રહેલી સારપનું કારણ એવુ છે કે આ વૃધ્ધનો જુવાન પુત્ર રોડ અકસ્માતમાં મરી ગયો હતો.
કોઈપણ પિતાને પોતાના પુત્રને કાંધ આપવી પડી તેના કરતા વધુ મોટી પીડા કોઈ હોતી નથી, પણ પોતાની પીડા હળવી કરવા અને હવે કોઈ પિતાને પોતાના પુત્રને કાંધ આપવે પડે નહીં તે માટે રોડ અકસ્માત રોકવા આ પિતા બીજાના પુત્રની કાર ઉપર રેડીયમ પટ્ટી લગાવે છે. આ કામ રામ સેતુ બાંધતી વાનર સેનાને મદદ કરતી નાની ખીસકોલી જેવુ છે. આવી તો અનેક ખીસકોલીઓ આપણા સમાજમાં છે જે પોતાની હેસીયત અને સમજ પ્રમાણે સમાજને જીવાડે છે. આપણે આપણી આસપાસ રહેલા લોકોમાં આવી સારપ શોધવાની છે. આપણા પરિવારમાં જ આવા સારા માણસો છે આપણી સોસાયટીમાં પણ આવા સારા માણસો છે, આપણી ઓફિસમાં પણ આવા સારા માણસો છે. આપણી સાથે રસ્તા પર ચાલતા આપણા માટે સાવ અપરિચીત લોકોમાં પણ સારા માણસો છે. આપણે બધાએ સાથે ભેગા થઈ આપણી અંદર રહેલી સારપ વિરાટ બનાવવાની છે, એટલે જ કહું છું આ માણસ બદલાશે નહીં તેવુ કહેવાને બદલે તેની સારપ ઉપર ચઢેલી ઘુળ ખેંખરવામાં તેને મદદ કરજો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.