વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિનું આ વર્ષ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે
(જી.એન.એસ) તા. 9
અમદાવાદ,
અમદાવાદ ખાતે સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા 27માં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવદંપતિઓને આશીર્વાદ અને શુભકામના પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમસ્ત આદિવાસી ભીલ સમાજના 27માં સમૂહ લગ્ન પ્રસંગે તમામ નવદંપતિઓને સુખી દાંપત્યજીવનની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, આપ સૌ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા 26 વર્ષથી આવા આયોજન બદલ સમસ્ત આદિવાસી ભીલ સમાજને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી સમાજને સમયની માંગ સાથે ચાલનારો સમાજ ગણાવ્યો હતો.
તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, અમદાવાદ આજથી 600 વર્ષ પહેલાં આશાભીલના નગર તરીકે ઓળખાતું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે, અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં વસેલા આદિવાસી ભીલ સમાજ પ્રાચીન રામાયણ, મહાભારતની સંસ્કૃતિની ઓળખ ધરાવતો સમાજ છે. શબરીથી લઈ એકલવ્ય સુધી આદિવાસી ભીલ સમાજનો પૌરાણિક ઇતિહાસ રહ્યો છે તેવું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ભીલ સમાજની ખમીરી અને દેશભક્તિએ મહારાણા પ્રતાપનું પણ દિલ જીતી લીધું હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આદિજાતિના આરાધ્ય દેવ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિનું આ વર્ષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે તેવી યોજનાઓ અને વ્યવસ્થા વડાપ્રધાનશ્રી દ્વારા કરાઇ છે.
સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવાનું અને તેમની પડખે ઊભા રહેવું એ વર્તમાન સરકારનું દાયિત્વ રહ્યું છે તેવું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે રેરાના સભ્ય અને નિવૃત્ત આઈ.એ.એસ અધિકારી શ્રી એમ.ડી.મોડિયાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.
આ પ્રસંગે અમદાવાદ પશ્રિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી ડો. હર્ષદભાઈ પટેલ, શ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી ડો.પાયલબેન કુકરાણી, પૂર્વ મંત્રી શ્રી પ્રદીપ પરમાર, સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજના પ્રમુખ શ્રી કે.એમ.રાણા તથા સમાજના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.