Home ગુજરાત ઉત્તર ગુજરાત શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

14
0

૫૧ શક્તિપીઠના દર્શન-પૂજન એક જ સ્થળે માઁ અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રીનું વિઝન થયું સાકાર: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

(જી.એન.એસ) તા. 9

બનાસકાંઠા,

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫નો પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની સુખાકારી માટે જગત જનની માં અંબાના દર્શન કરીને પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની સુખાકારી માટે જગતજનની મા અંબાના દર્શન કર્યા

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ રાજ્યની સુખાકારી માટે જગત જનની આદ્યશક્તિ માઁ અંબાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. તેમણે ભટ્ટજી મહારાજના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કર્યુ

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ અંબાજી ખાતે અંદાજિત ૧૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું લોકાર્પણ કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરાયા હતા. આ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું બિલ્ડીંગ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવી છે. આ નવીન બિલ્ડિંગમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસનો સમાવેશ કરાયો છે.

નવીન બિલ્ડીંગમાં પાર્કિંગ, મલ્ટી પર્પજ હોલ, ૧૦ વર્ગખંડો, છાત્રાલય માટે ૪૯ જેટલી રૂમ, લાઇબ્રેરી, પ્રાર્થના હોલ, ભોજન કક્ષ, કોમ્પ્યુટર હોલ, યજ્ઞ શાળા સહિતની અદ્યતન સુવિધાઓ ઉભી કરાઈ છે. અહી નોંધનીય છે કે, શ્રી સંસ્કૃત મહાવિદ્યાલયનું વર્ષ ૧૯૬૨થી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે. આ વિદ્યાલયમાં કર્મકાંડ, જ્યોતિષ, વેદ, પુરાણ,ધર્મશાસ્ત્ર અને ઉપનિષદ વગેરેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સંસ્કૃત મહાવિદ્યાલયના ગ્રંથાલયમાં સંસ્કૃત સાહિત્યના ૫,૧૦૭ જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રીશ્રીની ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વિશેષ ઉપસ્થિતિ

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ આજથી ત્રણ દિવસીય ચાલનાર ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ શક્તિપીઠ પરિસર સંકુલના મંદિરમાં પૂજા અર્ચના કરીને પરિક્રમા મહોત્સવમાં સહભાગી બન્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એકતરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે, જ્યારે બીજી તરફ જગત જનની માઁ આંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે. જગદંબાના પરમ ઉપાસક વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ વિરાટ ધર્મોત્સવ વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ૫૧ શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરૂ સ્થાન ધરાવે છે. દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધી જ શક્તિપીઠના દર્શન-પૂજન એક જ સ્થળે માઁ અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રીનું વિઝન સાકાર થયું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત તથા વડાપ્રધાનશ્રીની સંકલ્પના અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન ૫૧ શકિતપીઠ દર્શનનો લાભ ના લઈ શકે તો તે વ્યક્તિ અંબાજી ખાતે નિર્માણ પામેલ ૫૧ શક્તિપીઠના દર્શન કરીને પોતાની શ્રદ્ધા પૂરી કરી શકે છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અંબાજી સુધી પહોંચવા માટે કનેક્ટિવિટીમાં પણ વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ અંબાજી-તારંગા રેલ પ્રોજેક્ટને કાર્યરત કરાવ્યો છે. અંબાજી વિસ્તારના બહુમૂલ્ય વિકાસ માટે સરકારે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની રચના કરી છે. યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન થાય તથા પ્રવાસન ક્ષેત્રે અંબાજીનો વિકાસ થાય તે માટે ૧૨૦૦ કરોડના ખર્ચે બે તબક્કામાં અંબાજી કોરિડોરનો પણ વિકાસ કરાશે. સનાતન સંસ્કૃતિની જાળવણી માટે પ્રાચીન ભાષા સંસ્કૃતના શિક્ષણનું અંબાજીમાં જતન થઈ રહ્યું છે. ૧૯૬૨થી ચાલતી સંસ્કૃત મહાવિદ્યાલયમાં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે દિવ્યાંગ સાધન સહાય વિતરણ

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડી.કે.ત્રિવેદી ભવન, અંબાજી ખાતે દિવ્યાંગોના લાભાર્થે વિવિધ સહાય વિતરણ કરાયું હતું. જેમાં દિવ્યાંગ લોકોને મોટરાઇઝડ ટ્રાઇસિકલ, વ્હીલ ચેર, સ્માર્ટફોન, હીયરિંગ એઈડ, દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ, એસ.ટી બસમાં મફત મુસાફરી યોજના હેઠળ દિવ્યાંગ ઓળખકાર્ડ, સંત સૂરદાસ યોજનાના મંજૂરી હુકમ, બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓને સહાય યોજના અને દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ કરાયા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારી યોજનાઓનો લાભ દરેક લાભાર્થીને ઘરે બેઠાં મળે એવું આયોજન કર્યું છે. દરેક યોજનાનું સો ટકા અમલીકરણ થાય એ માટે સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીશ્રીએ સૌનો સાથ સૌનો વિકાસમંત્ર આપી જરૂરિયાતમંદ કોઈપણ લાભાર્થી લાભથી વંચિત ન રહી જાય એની ચિંતા કરી છે. દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારે યુનિક ઓળખ કાર્ડ, મેડિકલ ચેકઅપ, એસ.ટી.બસમાં મફત મુસાફરી માટે પાસ જેવી અનેક યોજનાઓ અમલી બનાવી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ અને અપંગ જેવા શબ્દો દૂર કરી દિવ્યાંગજન નામ આપી દિવ્યાંગજનોને આત્મસન્માન આપ્યું છે. તેમજ દિવ્યાંગ કૌશલ્ય રોજગાર સેવાસેતુ જેવા કાર્યક્રમો થકી દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવ્યા છે.

દિવ્યાંગજનોની આત્મનિર્ભરતા માટે સરકાર ૫૦ હજાર થી ૫૦ લાખ સુધીની લોન આપે છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે,  બનાસકાંઠામાં અત્યાર સુધીમાં ૬૧૮ દિવ્યાંગ લાભાર્થીઓને ૬ કરોડથી વધુના લાભ આપી આત્મનિર્ભરતા તરફ વાળ્યા છે.

તેમણે બનાસકાંઠા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.વહીવટી તંત્રની આ કામગીરી અન્ય જીલ્લાઓ માટે પ્રેરણાદાયી પથદર્શક બની રહેશે એમ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરતા જણાવ્યું કે, હું માં અંબાને પ્રાર્થના કરું છું કે કોઈપણ વ્યક્તિ દિવ્યાંગ ન રહે અને આત્મ નિર્ભર બને .વધુમાં તેમણે તમામ માઈ ભક્તોને 51 શક્તિપીઠ મહોત્સવના દર્શન અને પરિક્રમાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

અહીં નોંધનિય છે કે, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ખાસ “દિવ્યાંગ સેવા સેતુ” કાર્યક્રમો યોજીને દિવ્યાંગ લોકોને સ્થળ પર જ વિવિધ લાભ એનાયત કરાયા હતા.

ભારત સરકારશ્રીની એડિપ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૧૬૭ લાભાર્થીઓને ૨૬૧ લાખ રૂપિયાના વિવિધ ૨૦૫૨ સાધનો તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના ૭૦૫ લાભાર્થીઓને વિવિધ સહાય મંજુરી આદેશ/ચેક/બસપાસ તેમજ ૬૨૮ લાભાર્થીઓને દિવ્યાંગતા સર્ટીફિકેટ વિતરણ એમ કુલ મળીને ૨૫૦૦ જેટલા લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવશે. જિલ્લાના કુલ ૧૮,૭૧૨ લાભાર્થીઓ બસમાં વિનામુલ્યે મુસાફરી માટે બસ પાસ યોજનાનો લાભ મેળવી રહ્યા છે.

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળી રહે તે હેતુથી વિશેષ આયોજન કરવા માં આવે છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રીઓ શ્રી અનિકેત ભાઇ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી કેશાજી ચૌહાણ, પૂર્વ સાંસદશ્રી પરબતભાઇ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, સચિવશ્રી રાજેન્દ્ર કુમાર, સભ્ય સચિવશ્રી રમેશ મેરજા, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે દવે, જિલ્લા પોલીસ વડાશ્રી અક્ષયરાજ મકવાણા સહિત સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય શ્રી હિંમતલાલ દવે, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field