(G.N.S) Dt. 24
ભાવનગર,
ભાવનગરના અલંગ ખાતે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SRIA) દ્વારા આયોજિત સન્માન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પમાં પોર્ટ લેડ ડેવલોપમેન્ટ અને શિપ રિસાયક્લીંગ ઉદ્યોગોના વિકાસથી વિકસિત ગુજરાત બનાવવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાતે કાર્ગો પોર્ટ સંચાલન, સી-ફૂડ ઉત્પાદન અને શિપ રિસાઇક્લીંગ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે. આવનારા સમયમાં અલંગ ખાતે ગ્રીન શિપ રિસાયકલીંગને પ્રોત્સાહન આપીને કાર્બન ફૂટપ્રિન્ટમાં લગભગ ૯૦% ઘટાડો કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. એમ તેમણે ઉમેર્યું હતું.
વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે, ૨૦૦૩માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટને પરિણામે દુનિયાભરની ટોચની ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં કાર્યરત છે. અલંગનું શીપ બ્રેકીંગ યાર્ડ પણ વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ બને તે માટે અહીંના ઉદ્યોગકારોને નડતી નાની-મોટી સમસ્યાઓ નિવારવા અને અલંગની પ્રગતિને ગતિ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત પોર્ટનો વિસ્તાર વધારવા માટે સરકારે તલસ્પર્શી આયોજન કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ગરીબો અને વંચિતોના વિકાસને સરકારનો ધ્યેય ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના દરેક નાગરિક માટે ભોજન, આવાસ અને આરોગ્યની ચિંતા કરી છે. જેના પરિણામે ગુજરાત વિકાસના રોલ મોડલ અને ગ્રોથ એન્જીન તરીકે આગળ વધી રહ્યું છે. તમામ નાગરિકોને પડતી મુશ્કેલીઓનું યોગ્ય અને ત્વરિત નિરાકરણ લાવવા મુખ્યમંત્રીશ્રીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સેમિકન્ડકરના ઉત્પાદનમાં ભારતના પદાર્પણનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આપી તેમણે ઉમેર્યું કે, દેશમાં સેમિકન્ડકર ચીપના ઉત્પાદન માટે ભૂતકાળમાં અનેક વડાપ્રધાનોએ પ્રયાસ કર્યા. પરંતુ સફળતા માત્ર શ્રી નરેન્દ્રભાઇને મળી. તેમના દિશાદર્શનમાં ધોલેરા અને સાણંદ ખાતે પ્લાન્ટ નિર્માણ ચાલી રહ્યું છે. જે આવનારા સમયમાં ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિનું માધ્યમ બનશે. એમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતિ નિમુબહેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, શીપ બ્રેકીંગ અને રિસાયકલિંગ માટે અનુકૂળ અલંગનો દરિયાકિનારો એ કુદરતની અમૂલ્ય ભેટ છે. અહીંના તમામ ઉદ્યોગને વેગવાન બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અસરકારક પ્રયાસ કરી રહી છે. જેના માટે ભાવનગરના જનપ્રતિનિધિ તરીકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો તેમણે આભાર માન્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘણીએ અલંગ શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીના ઉજ્જવળ ભાવિને અનુરૂપ પોલિસીના પારદર્શક અને ઝડપી નિર્માણ અને અસરકાર અમલ બદલ ઉપસ્થિત સહુ વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા નિર્મિત GPOFMS પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી ગૌતમભાઈ ચૌહાણ, શ્રી ભીખાભાઈ બારૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મીયાણી, પૂર્વ મંત્રીશ્રી આર.સી.મકવાણા, GMBના VC CEO શ્રી રાજકુમાર બેનીવાલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઈન્ચાર્જ કલેકટર શ્રી જી.એચ.સોલંકી, શીપ રીસાકલીગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો, શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઈન્ડીયા તેમજ ગુજરાત શીપ બ્રેકર્સ એસોસિએટ્સ અર્થક્વેક રીલીફ ટ્રસ્ટના સભ્યશ્રીઓ સહિત શિપ રિસાયકલિંગના ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.