અમદાવાદ જિલ્લાના સાત શિક્ષકો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કરાયા
(જી.એન.એસ)તા.13
અમદાવાદ,
ગુજરાત સરકાર દ્વારા દેશની ભાવિ પેઢીને ઘડનારા શિક્ષકોને બિરદાવવા માટે દર વર્ષે તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે શિક્ષક દિન નિમિત્તે અમદાવાદ જિલ્લાના મળીને કુલ સાત શિક્ષકોનું ‘શ્રેષ્ઠ શિક્ષક’ તરીકે સન્માન કરવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે પોતાની નિષ્ઠા અને દૃષ્ટિથી ઉમદા કામગીરી કરનારા અમદાવાદ જિલ્લાના બે શિક્ષકોને રાજ્ય કક્ષાનો, ત્રણ શિક્ષકોને જિલ્લા કક્ષાનો અને બે શિક્ષકોને તાલુકા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કરવામાં આવ્યો છે.
રાજ્ય કક્ષાનો સન્માન સમારંભ અમદાવાદમાં ટાગોર હોલ ખાતે યોજાયો હતો, જેમાં અમદાવાદની કુબેરનગર હિન્દી શાળા નં. 1ના શિક્ષક ડૉ. પ્રેમસિંહ ક્ષત્રિય અને નિર્માણ ગર્લ્સ હાઇસ્કૂલ, નવા વાડજની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાનાં આચાર્ય શ્રીમતી લીલાબહેન ચૌધરીનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તથા શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ જિલ્લા કક્ષાનો શિક્ષક સન્માન સમારંભ ડીપીએસ સ્કૂલ, બોપાલ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી કંચનબા વાઘેલાના હસ્તે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાબરમતી શાળા નં. 7ના ઉચ્ચ પ્રાથમિક શિક્ષક ડૉ. કેતન ઠાકોર, શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ, મણિપુરના આચાર્ય શ્રી મહેશભાઈ દેસાઈ તથા દસ્ક્રોઈ તાલુકાની મિરોલી પે સેન્ટર શાળાનાં મુખ્ય શિક્ષક સુશ્રી આરતી શર્માને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાયો હતો, તો તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ બહેરામપુરા શાળા નંબર-13ના ઉચ્ચ પ્રાથમિક શિક્ષક સુશ્રી કાજલબહેન સેવક તથા ગુજરાત હાઉસિંગ બોર્ડ, ચાંદખેડા શાળાનાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષક સુશ્રી પ્રીતિ સિસોદિયાને એનાયત કરીને સન્માનિત કરાયા હતા.
જિલ્લા કક્ષાના પારિતોષિક વિતરણ સમારંભમાં ધારાસભ્ય શ્રી હર્ષદ પટેલ, ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે સહિતના અધિકારીશ્રીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણ એ વિકાસનો પાયો છે અને એ પાયાનો પાયો એટલે શિક્ષક. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, તેને સાકાર કરવામાં દેશના શિક્ષકોની ભૂમિકા પાયા રૂપ બની રહેવાની છે. દેશની આવતી કાલ સમા બાળકોની કારકિર્દી તેમજ જીવન ઘડતરનું કામ શિક્ષકોના હાથમાં રહેલું છે. નિષ્ઠાવાન અને દૃષ્ટિવંત શિક્ષકોના યોગદાનને બિરદાવવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવે છે.
શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળનારા શિક્ષકો તેમના વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.