રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૧૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૭૫૦.૬૦ સામે ૬૧૮૫૮.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૩૩૭.૪૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૯૨.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૭.૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૬૬૩.૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૭૮.૪૦ સામે ૧૮૩૯૬.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૨૫૬.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૦.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૩૪૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાને બ્રેક નહીં લાગવાના અને તીવ્ર વધારો થવાના સંકેત પાછળ આજે સપ્તાહના અંતિમ દિવસે ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોનું સાવચેતીમાં ઓફલોડિંગ થતાં બજાર ઈન્ડેક્સ બેઝડ નરમાઈ જોવાઈ હતી. અમેરિકા-ચાઈના વચ્ચે સંબંધો સુધરવાના સંકેત સાથે હવે ચાઈના ઝીરો કોવિડમાંથી બહાર આવી રી-ઓપનીંગ થઈ રહ્યાના પોઝિટીવ અહેવાલ સામે યુ.એસ. ફેડરલ દ્વારા ફુગાવામાં ઘટાડા છતાં વ્યાજ દરમાં તીવ્ર વધારો નહીં અટકવાના સંકેત આપતાં અમેરિકી બજારોમાં નરમાઈ પાછળ આજે ભારતીય શેરબજારમાં પણ શેરોમાં ઉછાળે વેચવાલી નીકળી હતી. આરંભમાં બે-તરફી અફડાતફડી બાદ ફંડોએ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. આ સાથે ક્રુડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્ષમાં વધારો કર્યા સામે ડિઝલની નિકાસ પરની લેવીમાં ઘટાડો કર્યાની મિશ્ર અસર જોવાઈ હતી.
અમેરિકી ડોલર સામે રૂપિયાની મજબૂતી તેમજ ઓપેક દ્વારા ઓઈલની માંગ વૃદ્વિનો અંદાજ ઘટાડીને મૂકાતાં ક્રુડના ભાવમાં ઘટાડા સહિતના પોઝિટીવ પરિબળોએસ સામે યુક્રેન મામલે રશિયાના હજુ અનિશ્ચિત વલણ અને યુક્રેનનું મિસાઈલ પોલેન્ડમાં પડતાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાના સંજોગોમાં ફંડો દ્વારા ઉછાળે સાવચેતી નોંધાતા અને ઓટો, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૮૭ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૩ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૮૮ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૨.૩૨ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી અને બેન્કેક્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૫૪ અને વધનારની સંખ્યા ૧૭૯૯ રહી હતી, ૧૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, કોર્પોરેટ માંગમાં સુધારો અને ધિરાણકર્તાઓની મજબૂત બેલેન્સશીટને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ભારતમાં બેન્ક ક્રેડિટ ૧૫% વધવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં અંદાજીત ૭% વૃદ્ધિની સાથે સરકારના માળખાકીય સુવિધાઓને કારણે ધિરાણ વૃદ્ધિને વેગ મળવાની અપેક્ષા છે તેમ ક્રિસિલ રેટિંગ્સે જણાવ્યુ હતું. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે આ ઉચ્ચ ફુગાવાના વાતાવરણમાં ઉચ્ચ કાર્યકારી મૂડીની માંગને સમજાવે છે અને ડેટ કેપિટલ માર્કેટ બોરોઈંગના કેટલાક અવેજીને ધ્યાનમાં લે છે. મજબૂત બેલેન્સ શીટ ધિરાણકર્તાઓને ધિરાણ વધારવાની છૂટ આપે છે.
ધિરાણ વૃદ્ધિના આ ઊંચા વાતાવરણમાં, ડિપોઝીટ વૃદ્ધિની ગતિ ટકાવી શકાય કે કેમ તેના પર મુખ્ય નજર રહેશે. થાપણ વૃદ્ધિ ઉપરાંત, છેલ્લા કેટલાક મહિનામાં ધિરાણ વૃદ્ધિના વલણમાં ઉલટું જોવા મળ્યું છે. બેંકિંગ સિસ્ટમમાં સરપ્લસ લિક્વિડિટી સામાન્ય થઈ રહી છે. તેથી બેંકોએ હવે આપણે પહેલાથી જોઈ રહ્યા છીએ તેના કરતા વધુ ઝડપી દરે ડિપોઝીટ રેટ વધારવો પડશે. વાસ્તવમાં, થાપણો માટેની સ્પર્ધા પણ તીવ્ર બનવા જઈ રહી છે, કેટલીક બેંકોએ ઊંચી કિંમતની બલ્ક ડિપોઝિટનો આશરો લેવો પડી શકે છે, જે તેમના માર્જિનને અસર કરી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.