Home ગુજરાત વડોદરાના ફતેગંજમાં બેંક ઓફ બરોડાના ડિજિટલ બેંકિંગ યુનિટનું વડાપ્રધાને વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું

વડોદરાના ફતેગંજમાં બેંક ઓફ બરોડાના ડિજિટલ બેંકિંગ યુનિટનું વડાપ્રધાને વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું

54
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આઠ સહિત દેશમાં કુલ ૭૫ ડિજિટલ બેંકિંગ યુનિટનો પ્રારંભ કરાવ્યો છે. આઝાદીના અમૃતકાળમાં નાણાંકીય સેવાઓ અને સાક્ષરતાને વધુ મજબૂત કરવા સાથે ડિજિટાઇઝેશન કરવા માટે આ મહત્વપૂર્ણ કદમ છે. ડીબીયુનું જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવી હતી. વડોદરા શહેર ખાતે બેંક ઓફ બરોડા દ્વારા ફતેગંજમાં બીએસએનએલ પાસે ડીબીયુનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે દેશની બેંકિંગ સિસ્ટમ મજબૂત હોય, તે દેશનું અર્થતંત્ર પણ ધબકતું હોય છે. ભારતમાં બેંકિંગ વ્યવસ્થાની કામગીરી પ્રશંસનીય રહી છે.

ખાસ કરીને, યુપીઆઇ દ્વારા નાણાંની લેવડદેવડમાં ભારત વિશ્વમાં સર્વ પ્રથમ છે. પ્રતિ એક લાખની પુખ્તવયની આબાદીમાં બેંકના વ્યાયમાં ભારત જર્મની, સાઉથ આફ્રિકા અને ચીનથી પણ આગળ છે. બેંકિંગ સિસ્ટમ ગૂડ ગવર્નન્સ અને સેવાપ્રદાનનું ઉત્તમ માધ્યમ છે. વડોદરા શહેરમાં ફતેગંજ ખાતે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુર રોકડીયા, કલેકટર અતુલ ગોર, બેંક ઓફ બરોડાના કાર્યપાલક નિર્દેશક જયદીપ દત્તા રાવની ઉપસ્થિતિમાં ડિજિટલ બેન્કિંગ એકમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભારતના રૂપે કાર્ડને આંતરરાષ્ટ્રીયસ્તરે માન્યતા મળી છે. અત્યાર સુધીમાં ૧૭ કરોડ રૂપે કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. ભારતમાં દર પાંચ કિલોમિટરના અંતરે બેંકમિત્ર, પોસ્ટ બેંક સહિતની બેંકિંગ સુવિધા મળી રહે છે. ભારતની રૂપે કાર્ડ, યુપીઆઇ ફિનટેક્ટમાં સિમાચિહ્ન સમાન છે. ભારતમાં ડિજિટલ ઇકોનોમી અને ઇકોમર્સનો વ્યાપ વધી રહ્યો છે, એમ કહેતા વડાપ્રધાને કહ્યું કે, ગવર્નમેન્ટ ઇમાર્કેટ (જેમ)માં રૂ. ૨.૫૦ લાખ કરોડના ઓર્ડર અપાયા છે. આ વાત સરકારના વોકલ ફોર લોકલ માટે પ્રોત્સાહક છે. આ ઉપરાંત સરકાર દ્વારા ૨૫ લાખ કરોડ જેટલી માતબર રકમ ડીબીટી થકી યોજનાઓના લાભાર્થીઓના ખાતામાં સીધી જમા કરાવી છે.

આમ, બેંકિંગ પારદર્શક્તા માટે ઉદ્દીપક છે. ‘જેમ’ (જનધન, આધાર, મોબાઇલ)નો ઉપયોગ કરી યોજનાકીય લાભોના વિતરણમાં સંપૂર્ણ પારદર્શક્તા લાવવામાં આવી છે. સરકારના કદમ અને ફાયનાન્સીયલ ટેક્નોલોજીના વિનિયોગની વર્લ્ડ બેંક ઉપરાંત આ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા સરાહના કરવામાં આવે છે. સરકાર દ્વારા બેંકિંગ સેવાઓ છેવાડના માનવીના ઘર સુધી પહોંચાડવામાં આવી છે. જનધન યોજનાને સાકાર કરવામાં બેંકકર્મીઓનું યોગદાન મહત્વનું રહ્યું છે. ગરીબોને બેંક સુવિધા આપી તેમને નાણાંકીય સાક્ષરતા આપવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

તેના કારણે મોટા શોપિંગ મોલ્સ હોય કે નાના વેપારી, સૌ યુપીઆઇનો ઉપયોગ કરતા થઇ ગયા છે. બેંકની દરેક શાખા પોતાના લઘુત્તમ એક સો વેપારીઓને સો ટકા ડિઝીટલ બેંકિંગ તરફ વાળે એવો આગ્રહ મોદીએ સેવ્યો હતો. પહેલા ફોન બેંકિંગ ચાલતું હતું, તેમ કહેતા મોદીએ કહ્યું કે, ઉપરથી ફોન આવે તેને જ બેંક દ્વારા લોન આપવામાં આવતી હતી. તેના કારણે બેંકોમાં અનેક ગોટાળા થયા હતા. જેના કારણે બેંકો સહિત અર્થતંત્ર પણ અસુરક્ષિત બની ગયું હતું. પણ અમે બેંકિંગ ક્ષેત્રે વિવિધ પ્રકારના સુધારાઓ કરી તેની સિસ્ટમને વધુ મજબૂત કરી પારદર્શક્તા લાવવામાં આવી છે.

ડિજિટલ બેન્કિંગ એકમનો ઉદ્દેશ દેશના ખૂણે-ખૂણે ડિજિટલ બેંકિંગનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. જે વિવિધ પ્રકારની બેન્કિંગ સેવાઓ બચત ખાતા ખોલવા, બેલેન્સ-ચેક, પ્રિન્ટ પાસબુક, ભંડોળનું હસ્તાંતરણ, ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ, લોન અરજીઓ, જારી કરવામાં આવેલા ચેક માટે સ્ટોપ-પેમેન્ટ સૂચનાઓ, ક્રેડિટ / ડેબિટ કાર્ડ માટે અરજી કરવી, એકાઉન્ટનું સ્ટેટમેન્ટ જાેવું, ટેક્સ ભરવો, પે બિલ ભરવું, નામાંકન કરવું જેવી ડિજિટલ બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વષ્ટિવંત નેતૃત્વમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના ૭૫ જિલ્લાઓમાં ૭૫ ડિજિટલ બેન્કિંગ એકમ શરૂ થઈ રહ્યા છે.જેમાં વડોદરાનો પણ સમાવેશ થયો છે. સમગ્ર વિશ્વમાં ભારતમાં સૌથી વધુ ડિજિટલ વ્યવહારો થઈ રહ્યા છે. ઈ – બેન્કિંગ, ઈ- ગવર્નન્સ, ઈ -બિઝનેસ દ્વારા સામાન્યમાં સામાન્ય માનવી સુધી બેંકોની સુવિધાઓ પહોંચી છે.

ડિજિટલ બેન્કિંગ એકમ થકી પેપરલેસ વ્યવહારો થશે જેથી પર્યાવરણની પણ સુરક્ષા થશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જીતુ સુખડીયા, સીમાબેન મોહીલે, સ્થાયી સમિતિના ચેરમેન હિતેન્દ્ર પટેલ, ડી.સી.પી. જે. સી. કોઠીયા, બેંકના વિભાગીય મેનેજર લલિતકુમાર સહિત બેંકની વિવિધ શાખાઓના મેનેજર, કર્મીઓ અને ગ્રાહકો હાજર રહ્યા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઠગ અપૂર્વ પટેલે મહિલા સહિત ૩ જણને રૂા.૯ લાખનો ચૂનો ચોપડ્યો
Next articleગાંધીનગરમાં ગુજરાત પોલીસ અકાદમીનો દીક્ષાંત-પાસિંગ આઉટ પરેડ સમારોહ યોજાયો