(જી.એન.એસ.) અમદાવાદ. તા.6
અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમના સ્ટાફ સાથે સોસાયટીમાં જાહેરમાં ગરબાની રમઝટ બોલાવતા જોવા મળ્યા હતા. એક તરફ પોલીસ લોકડાઉનના પાલન માટે ધોમધકતા તાપમાં ફરજ બજાવે છે, લોકોને દંડા ફટકારે છે, ડ્રોન સહિત વિવિધ તરકીબોથી પાલન ન કરનારાઓની સાન ઠેકાણે લાવે છે. આવા સમયે પોલીસની જ ધીંગા મસ્તી જોઈ લોકોની વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. સાથે જ આ ઘટના ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા તુરંત તે બાબતને ગંભીરતાથી લઈ પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ગઈકાલે ગુજરાતમાં ઘણા સ્થાનો પર કલમ 144 અને લોકડાઉન કોરાણે મુકાઈ ગયા હતા. જોકે ઘણા એવા પણ હતા જેમણે લોકડાઉન અને કાયદાકાનુનમાં રહ્યા હતા. રવિવારે જ્યારે સાંજે દીવા થયા તે પછી બોપલની એક સોસાયટીમાં પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના સ્ટાફ સાથે ગરબા ગાવા લાગ્યા હતા. સોસાયટીના લોકોએ આ વખતે મનોરંજન માટે એક ગાયક કલાકારને પણ બોલાવ્યા હતા. ગાર્ડનમાં જ લાઉડ સ્પીકર સાથે નવરાત્રીની જેમ ગરબા રમ્યા હતા. હાલ સોશ્યલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે. લોકો પોલીસને જ જાહેરનામા, લોકડાઉનનું પાલન કરવાની સલાહો આપી રહ્યા છે. આ ઘટનાને પગલે પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ સામે સસ્પેન્શનના પગલા લેવાયા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.