(જી.એન.એસ) તા.૭
ચણાનું ૮.૩૯ લાખ હેક્ટરમાં વાવેતર; ગત વર્ષની સરખામણીએ ૧૩૩.૩૮ ટકા જીરાનું ૪.૭૪ લાખ હેક્ટર તેમજ રાઈનું ૨.૫૭ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ડુંગળી અને બટાકાનું ગત વર્ષની સરખામણીએ વાવેતર ક્રમશ: ૧૩૩% અને ૧૧૫% ગુજરાતના ખેડૂતોએ ચાલુ સિઝનમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર કર્યું છે. સિઝનના સારા વરસાદ અને ગત વર્ષે ખેડૂતોને રવિ પાકના મળેલા રેકોર્ડ બ્રેક ભાવના પરિણામે આ વર્ષે વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં ગત ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ ૪૬.૦૭ લાખ હેક્ટર રહ્યો છે. જેની સામે ચાલુ વર્ષે માત્ર અત્યાર સુધીમાં જ ગુજરાતના ખેડૂતોએ ૪૭.૫૫ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રવિ પાકોનું વાવેતર ચાલુ હોવાથી વાવેતરનો આંકડો વધવાની સંપૂર્ણ સંભાવના છે, તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષ પણ ખૂબ જ લાભદાયી નીવડશે, તેમ જણાવી કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ભારતના કુલ ઘઉં ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો મહત્વપૂર્ણ છે. રાજ્યમાં દર વર્ષે રવિ ઋતુ દરમિયાન ઘઉંનું સૌથી વધારે વાવેતર થાય છે. એ જ અનુક્રમને જાળવી રાખતા આ વર્ષે પણ ગુજરાતમાં ઘઉં પાકનું સૌથી વધુ વાવેતર થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૩.૪૨ લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું રેકોર્ડબ્રેક વાવેતર નોંધાયું છે. જે ગત વર્ષની સરખામણીએ ૧૦૯ ટકા જેટલું છે. આ ઉપરાંત ધાન્ય પાકમાં મકાઈનું પણ આ વર્ષે કુલ ૧.૩૨ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે, જે ગત વર્ષની સરખામણીએ ૧૧૮.૯૨ ટકા જેટલું છે.મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યમાં કઠોળ પાકમાં ચણાનું પણ મબલખ વાવેતર નોંધાયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યના આશરે ૬.૨૯ લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૮.૩૯ લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે. એટલે કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ચણાનું વાવેતર ૧૩૩.૩૮ ટકા જેટલુ થયું છે. તેવી જ રીતે, અત્યાર સુધીમાં રાજ્યમાં જીરા પાકનું ૪.૭૪ લાખ હેક્ટર વિસ્તારમાં તેમજ તેલીબીયા પાકોમાં રાઈનું કુલ ૨.૫૭ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.ગુજરાતમાં ચાલુ રવિ સિઝન દરમિયાન બટેકા અને ડુંગળીનું પણ મબલખ વાવેતર જોવા મળ્યું છે. ગત વર્ષે ડુંગળીનું આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ૬૯ હજાર હેકટરમાં વાવેતર નોંધાયુ હતું. જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૯૨ હજાર હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે, જે ગત વર્ષની સરખામણીએ ૧૩૩.૩૩ ટકા જેટલુ છે. આટલું જ નહિ, બટાટા પાકનું ગત વર્ષે આ સમયગાળા દરમિયાન આશરે ૧.૩૫ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયુ હતું. જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૧.૫૬ લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીએ ૧૧૫.૫૫ ટકા જેટલું છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. રવિ ઋતુમાં હાલની સ્થિતીએ કૃષિ પાકોનું વાવેતર સંતોષકારક રીતે થયું છે, તેમજ સમગ્ર રાજ્યમાં પાકની પરિસ્થિતિ પણ એકંદરે સારી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં કુલ ૧૯.૮૮ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેમાં ચણા પાકનું ૬.૧૭ લાખ હેક્ટરમાં વાવેતર મહત્તમ નોંધાયું છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં ૧.૯૩ લાખ હેકટર, ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં ૧૨.૯૬ લાખ હેક્ટરમાં, મધ્ય ગુજરાત ઝોનના જિલ્લાઓમાં ૯.૧૬ લાખ હેક્ટરમાં અને દક્ષિણ ગુજરાત ઝોનના જિલ્લાઓમાં ૩.૬૧ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર નોંધાયેલ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.