મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરાયો, કપાસિયા તેલના સ્થાને સીંગતેલનો ઉપયોગ કરવાનું પણ આયોજન: શિક્ષણમંત્રીશ્રી
(જી.એન.એસ) તા. 12
ગાંધીનગર,
વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે કરવામાં આવેલા ખર્ચ અંગેની વિગતો આપતાં શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૩થી તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં રૂ. ૧૧૪૬.૧૨ કરોડ અને તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૪થી તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં રૂ. ૧૦૭૩.૫૬ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત, બાળકદીઠ ખર્ચની માહિતી આપતાં શિક્ષણમંત્રીશ્રીએ કહ્યું કે તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૩થી તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં (ઘઉં ચોખા) ઉપરાંત, બાલવાટિકાથી ધોરણ ૫ના બાળક માટે પ્રતિ માસ રૂ.૧૫૬.૭૮ અને ધોરણ ૬થી ૮ના બાળક માટે પ્રતિ માસ રૂ.૨૨૦.૨૨નો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ જ પ્રકારે, તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૪થી તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીના એક વર્ષમાં અનાજ (ઘઉં-ચોખા) ઉપરાંત, બાલવાટિકાથી ધોરણ ૫ના બાળક માટે પ્રતિમાસ રૂ.૧૯૧.૬૨ અને ધોરણ-૬ થી ૮ના બાળક માટે પ્રતિ માસ રૂ.૨૭૩નો ખર્ચ કરવામાં આવ્યો છે.
મંત્રીશ્રી ડિંડોરે કહ્યું કે મધ્યાહન ભોજન માટેની મટિરિયલ કોસ્ટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો હિસ્સો અનુક્રમે ૬૦ ટકા અને ૪૦ ટકાનો હોય છે. આ ખર્ચમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વધારા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ના ઠરાવથી રાજ્ય સરકાર દ્વારા પણ મટિરિઅલ કોસ્ટમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે.
જે મુજબ, નવા દર અનુસાર બાલવાટિકાથી ધોરણ ૫ સુધીના પ્રતિ વિદ્યાર્થી રૂ. ૬.૧૯ અને ધોરણ ૬થી ૮ના પ્રતિ વિદ્યાર્થી રૂ. ૯.૨૯ દૈનિક મટિરિઅલ કોસ્ટ નિયત કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા વધારાનાં ખાધતેલ અને સુપોષિત ગુજરાત મિશન હેઠળ બાલવાટિકાથી ધોરણ ૫ માટે રૂ. ૨ અને ધોરણ ૬ થી ૮ માટે રૂ. ૨.૩૭ દૈનિક મટિરિઅલ કોસ્ટ નિયત કરવામાં આવેલ છે.
આમ, હાલ બાલવાટિકાથી ધોરણ ૫ સુધીના પ્રતિ વિદ્યાર્થી માટે કુલ રૂ. ૮.૧૯ અને ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીદીઠ કુલ રૂ. ૧૧.૬૬ દૈનિક મટિરિઅલ કોસ્ટ નિયત કરવામાં આવી છે. આ નવા દર મુજબ મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે તેમજ કપાસિયા તેલના સ્થાને સીંગતેલનો ઉપયોગ કરવાનું આયોજન છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.