(જી.એન.એસ) તા. 13
ગાંધીનગર,
ગુજરાતના યુવક-યુવતીઓ રાજ્યના જુદા-જુદા વિસ્તારો, દરિયાઈ સંપત્તિ, ઉદ્યોગો તથા સાગરકાંઠે વસવાટ કરતા નાગરિકોનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની કલા અને સંસ્કૃતિનો પ્રત્યક્ષ અનુભવ કરી શકશે. યુવક-યુવતીઓ સાગરલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરાય તેવા ઉમદા આશયથી રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓ માટે ૧૦ દિવસના સાહસિક “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આગામી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન અનુસૂચિત જાતિના ૧૦૦ યુવાનો માટે અમરેલી, અનુસૂચિત જનજાતિના ૧૦૦ યુવાનો માટે આણંદ, જ્યારે બાકીના ૧૦૦ યુવક-યુવતીઓ માટે જામનગર જિલ્લા ખાતે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે.
આ પ્રવાસમાં જોડાવા ઇચ્છતા યુવક-યુવતીઓની ઉંમર તા. ૩૧/૧૨/૨૦૨૪ની સ્થિતિએ ૧૫ થી ૩૫ વર્ષની હોવી અનિવાર્ય છે. આ કાર્યક્રમમાં જોડવા ઈચ્છુક યુવક-યુવતીઓ પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી નિયત નમૂનાનું ફોર્મ મેળવી તેમાં દર્શાવેલી તમામ વિગતો ભરીને, તેની સાથે શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, વાલીની સંમતિ, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓળખ કાર્ડ વગેરે માહિતી રજૂ કરવાની રહેશે.
અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓએ પોતાની અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-અમરેલી, અનુસૂચિત જનજાતિના યુવક-યુવતીઓએ પોતાની અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-આણંદ તેમજ અન્ય યુવક-યુવતીઓએ પોતાની અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-જામનગરને આગામી તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ સુધીમાં મોકલી આપવાની રહેશે.
પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા અનુસૂચિત જાતિના ૧૦૦, અનુસૂચિત જનજાતિના ૧૦૦ અને અન્ય ૧૦૦ યુવક-યુવતિઓની આ કાર્યક્રમમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ યુવક-યુવતિઓને તેઓની પસંદગી અંગે ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતિઓને નિવાસ, ભોજન તથા કાર્યક્રમ સ્થળે આવવા જવાનું ભાડું તથા કાર્યક્રમમાં ભાગ લેવા બદલ રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.