ખેડૂતોને વીજબીલમાં રાહત માટે અપાતી સબસીડીમાં છેલ્લા બે દાયકામાં લગભગ પાંચ ગણો વધારો
છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વીજ બીલમાં રાહત પેટે કુલ રૂ. ૪,૫૦૪ કરોડ કરતા વધુ સબસિડી અપાઈ
(જી.એન.એસ) તા. 25
ગાંધીનગર/બનાસકાંઠા,
વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને વીજબીલમાં રાહત માટે વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૮,૨૩૩ કરોડ અને વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૯,૭૭૧ કરોડ એમ બે વર્ષમાં રૂ. ૧૮,૦૦૪ કરોડની સબસીડી આપવામાં આવી છે. રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વીજ બીલમાં રાહત પેટે કુલ રૂ. ૪૫૦૪.૧૫ કરોડ સબસિડી આપી છે.
ઊર્જા મંત્રીશ્રીએ વિવિધ વીજદર વિશે માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં ખેડૂતો માટે હોર્સ પાવર અને મીટર આધારિત એમ બે પ્રકારના વીજદર અમલી છે. જે અંતર્ગત હોર્સ પાવર આધારિત વીજ બીલ ભરતા ખેડૂતોએ ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા વીજ દર રૂ. ૨,૪૦૦ પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષની જગ્યાએ રૂ. ૬૬૫ પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષના દરથી વીજ બીલ ભરપાઈ કરવાનું રહે છે. આ તફાવતની રકમ રૂ. ૧,૭૩૫ પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષ ખેડૂતો વતી રાજ્ય સરકાર સબસીડી સ્વરૂપે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડને ચૂકવે છે. આ ઉપરાંત રાજ્યના ખેડૂતોને ફયુઅલ સરચાર્જ અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ભરપાઈમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં ખેડૂતોને ૧૪ લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવ્યા છે અને હાલમાં આ જોડાણની સંખ્યા ૨૦ લાખથી વધુ છે. વીજબીલમાં રાહત માટે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૯,૭૭૧ કરોડ રૂપિયાની સબસીડી આપવામાં આવી છે. આમ ખેડૂતોને વીજબીલમાં રાહત માટે અપાતી સબસીડીમાં છેલ્લા બે દાયકામાં લગભગ પાંચ ગણો વધારો થયો છે. તદુપરાંત છેલ્લા બે દાયકામાં ખેડૂતોના વીજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
મીટર આધારિત વીજ બીલ વિશે મંત્રીશ્રીએ જણાવ્યું કે ખેડૂતોને વીજ બીલમાં ભરવાના થતા ફિક્સ ચાર્જનો દર અગાઉ હોર્સ પાવર દીઠ માસિક રૂ. ૨૦ હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. ૭.૫ હોર્સ પાવર સુધીના વીજ ભાર માટે પ્રતિ હોર્સ પાવર માસિક ફીક્ષ ચાર્જ રૂ. ૧૦ તેમજ ૭.૫ હોર્સ પાવરથી વધુના વીજ ભાર માટે રૂ. ૫ પ્રતિ હોર્સ પાવર માસિક ફિક્સ ચાર્જ કરવામાં આવ્યો છે. આમ, મીટર આધારિત વીજ બીલ ભરતા ખેડૂતોને વીજબીલમાં ભરવાના થતાં ફીક્ષ ચાર્જમાં ૫૦ થી ૭૫ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં મીટર ધરાવતા કુલ ૧,૦૭,૨૭૩ કૃષિ વીજ ગ્રાહકોને ભરવાના થતાં ફિક્સ ચાર્જમાં રૂપિયા રૂ. ૬૫.૩૦ કરોડની રાહત આપવામાં આવી છે, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.