(G.N.S) Dt. 31
આપણે ભાષા, સંપ્રદાય અને ધર્મના ભેદને ત્યાગીને માનવ બનીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
ગીત, સંગીત અને નૃત્યમાં જેટલી મધુરતા અને પોતાપણું હોય છે, એ પરસ્પરના વ્યવહારમાં આવી જાય તો આપણો દેશ વધુ સુંદર બને
આપણે ભારતવાસીઓ ભાષા, સંપ્રદાય અને ધર્મના ભેદને ત્યાગીને માનવ બનીએ. એક પરિવારની જેમ ભાઈચારાથી જોડાઈએ. એકમેકના સહયોગી બનીએ. એકતામાં જ આનંદ છે અનેકતામાં આફત છે, દિલને જોડવામાં આનંદ છે, તોડવામાં તકલીફ છે. યુદ્ધમાં પીડા છે, પ્રેમમાં જ પ્રસન્નતા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજભવનમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ દિવસની ઉજવણીમાં ભાગ લેતાં કહ્યું હતું કે, આપણે મનુષ્ય છીએ, માનવ બનીએ.
‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ અભિયાન અંતર્ગત રાજભવનમાં તમામ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તા. ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ ના દિવસે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ; બે કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત થયા હતા. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ દિવસની ઉજવણીમાં ભાગ લેવા લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના યુવાન કલાકાર ભાઈ-બહેનો રાજભવન પધાર્યા હતા, સાથે ગુજરાતના યુવાનોએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ગુજરાતના યુવાનોએ સાથે મળીને પોતપોતાની કલાની પ્રસ્તુતિ કરી ત્યારે સાચા અર્થમાં ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના તાદ્રશ્ય થઈ હતી.
આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી ભારતમાં તમામ રાજભવનોમાં તમામ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. આ પહેલથી રાષ્ટ્રીય એકતાની ભાવના સાચા અર્થમાં સુદ્રઢ થાય છે. તેમણે કહ્યું કે, ગીત, સંગીત અને નૃત્યમાં જેટલી મધુરતા, સાદગી, એક્ય, સ્નેહ અને પોતાપણું હોય છે એ પરસ્પરના વ્યવહારમાં આવી જાય તો આપણો દેશ વધુ સુંદર બને. સંસ્કૃતિ અને વિચારોનું આદાન-પ્રદાન કરીને પરસ્પર તારતમ્ય બેસાડી શકીએ તો ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની કલ્પના ફલિત થશે.
જમ્મુ-કાશ્મીર ‘ધરતી પરનું સ્વર્ગ’ છે. કાશ્મીરિયત અને કાશ્મીરની કલા-કારીગરી, કુદરત, ખાનપાન, સંસ્કૃતિ બેજોડ છે. આ પ્રદેશ ભારતનો મુગટ છે, અને મુગટ હંમેશા શોભા વધારે છે. એકતા અને અખંડતાથી જમ્મુ-કાશ્મીરે ભારતને વધુ ઉન્નત બનાવ્યું છે એમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાત એવો પ્રદેશ છે કે જે અહીં આવીને વસે છે તે અહીંનો જ થઈ જાય છે. ગુજરાતીઓને અન્યોને પોતાના કરતાં આવડે છે અને ગુજરાતીઓને અન્યનાં થતાં પણ આવડે છે. જીવન જીવવાનો આ જ સાચો રસ્તો છે. તેમણે જમ્મુ-કશ્મીર અને લદ્દાખના નાગરિકોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા.
જમ્મુ-કશ્મીર અને લદ્દાખ દિવસની ઉજવણીમાં લેહ- લદ્દાખના કલાકારોએ લદ્દાખી લોકગીત અને ‘જબરો’ લોકનૃત્યની પ્રસ્તુતિ કરી હતી. જ્યારે જમ્મુ-કાશ્મીરથી આવેલા કલાકારોએ ‘રૌફ નૃત્ય’ ની રસપ્રદ પ્રસ્તુતિ કરી હતી. ગુજરાતી કલાકારોએ રાસ-ગરબાની પ્રસ્તુતિ કરી હતી. ગુજરાતમાં સ્થાયી થયેલા જમ્મુ-કશ્મીરના નાગરિકો, ભારતીય વાયુસેના અને અન્ય સુરક્ષા દળોમાં ફરજ બજાવતા લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના અધિકારીઓ અને પરિવારજનોએ રાજભવનમાં જમ્મુ-કશ્મીર અને લદ્દાખ દિવસની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.