Home ગુજરાત ઉત્તર ગુજરાત યોજનાઓના પ્રચારને લગતી માહિતી ખાતાની કામગીરીને વધુ વેગવંતી બનાવવા ૮૦થી વધુ માહિતી...

યોજનાઓના પ્રચારને લગતી માહિતી ખાતાની કામગીરીને વધુ વેગવંતી બનાવવા ૮૦થી વધુ માહિતી અધિકારીઓ ચિંતન કરશેb

4
0

(જી.એન.એસ) તા.૧૦

આણંદ,

ચિંતન શિબિર થકી ઉર્જાવાન અને પ્રો -એક્ટિવ થઈને માહિતી ખાતાની કાર્યપદ્ધતિને સુદ્રઢ કરીએ- માહિતી નિયામક શ્રી કે.એલ.બચાણી સેવા એ જ સાધના- શબ્દોની આરાધના: માધ્યમોના બદલાતા પ્રવાહોમાં જનલક્ષી માહિતીને વ્યાપક કરવા ટીમ માહિતીની પ્રતિબદ્ધતાવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલ ચિંતન શિબિરની કાર્યશૈલીને આગળ ધપાવતા સોમનાથ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની ચિંતન શિબિર યોજાયા બાદ વિવિધ વિભાગોની ચિંતન શિબિરો યોજાઇ રહી છે. આ શ્રેણીમાં આજે આણંદ નજીક વેદ વિજ્ઞાન ભવન ખાતેથી માહિતી ખાતાની બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે.માહિતી ખાતાની કામગીરી સાથે સંકળાયેલા રાજ્યભરના ૮૦ થી વધુ વર્ગ ૧-૨ના અધિકારીઓ આ બે દિવસીય ચિંતન શિબિરમાં જન કલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક રીતે છેવાડાના માનવીઓ સુધી પહોંચાડવા સંદર્ભે પ્રત્યાયન માધ્યમોના બદલાતા જતા પ્રવાહો અને ટેકનોલોજીના ઉપયોગ અને પડકારો બાબતે મનોમંથન કરશે.શિબિરના શુભારંભ અવસરે ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે, સમયની સાથે માધ્યમોમાં અને લોકોના વાંચન અને રસ-રુચિમાં પણ મોટાપાયે પરિવર્તન અને બદલાવ આવ્યો છે. તેઓએ માહિતી અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે  લોકોના રસ અને તેમની જરૂરિયાતોને પારખીને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી જન- જન સુધી પહોંચે તે માટે ટીમ માહિતી સુસજજ છે. તેઓએ સર્જનાત્મક લખાણ, સતત સક્રિયતા, કોમ્યુનિકેશનના બદલાતા પ્રવાહો, સોશિયલ મીડિયા અને પ્રચાર માધ્યમોનો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી જન કલ્યાણકારી યોજનાઓના પ્રચારમાં કઈ રીતે તાલમેલ સાધી શકાય તે અંગે અભ્યાસુ દ્રષ્ટાંતો આપીને સૌને માર્ગદર્શન આપ્યું હતું. ટેકનોલોજીના વિકાસ સાથે આંગળીના ટેરવે દુનિયાભરની માહિતી ઉપલબ્ધ બની છે ત્યારે છેવાડાના માનવી સુધી  સચોટ માહિતી પહોંચાડવા માહિતી ખાતાની ભૂમિકા વધુ પડકારજનક , વધુ સંવેદનશીલ અને વધુ પ્રાસંગિક બની છે. આજના સમયમાં લોકોનો અટેન્શન સ્પાન સતત ઘટી રહ્યો છે અને સફળ પ્રત્યાયનના માર્ગમાં નવીન અવરોધો આવી રહ્યા છે, ત્યારે વિષયવસ્તુ પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષાય તે માટે લખાણને સર્જનાત્મક અને સરળ બનાવવા પર ભાર મૂક્યો હતો.સમય સાથે તાલ ન મિલાવવાના કારણે લુપ્ત થઈ ગયેલી કંપનીઓનું ઉદાહરણ આપતા સચિવશ્રીએ સમજાવ્યું હતું કે, આજના જમાનામાં લોકો પાસે અનેક સમાચાર માધ્યમો ઉપલબ્ધ છે ત્યારે સરકારની માહિતીના આધારભૂત સ્ત્રોત તરીકે માહિતી ખાતાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે.પ્રત્યાયનનું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું કે, માત્ર પ્રત્યાયન કરવું તે જ માહિતી ખાતાનું ધ્યેય નથી. રાજ્ય સરકારનો સંદેશો લોકો સુધી પહોંચે, લોકો તેને વાંચે,જૂએ અને જીવનમાં ઉતારે તે આજે પડકારરૂપ કાર્ય બન્યું છે, ત્યારે લોકોની વાત સાંભળીને તેમાં નવા-નવા માધ્યમો અને સામાન્ય લોકોની વાત મૂકીને તેને કઈ રીતે વધુ લોકભોગ્ય બનાવી શકાય તેનું ચિંતન-મનન આ શિબિરમાં કરવામાં આવશે.તેમણે ‘મારી યોજના’ પોર્ટલનું ઉદાહરણ આપીને આ પોર્ટલની કેટલા લોકોએ મુલાકાત લીધી તેનું વિશ્લેષણ કરી સંદેશો અસરકારક રીતે પહોંચાડવામાં રહેલી મર્યાદાઓ શોધી તેને દૂર કરવા અંગે તેમજ લોકોની માહિતીની જરૂરિયાતોને સમજવા વિશ્લેણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. આજે દરેક કલાકે યુટ્યુબ સહિત ઇન્ટરનેટ પર અઢળક  નવું કન્ટેન્ટ મૂકાય છે, ત્યારે પોતાના કન્ટેન્ટ પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષાય અને ટકી રહે તે પ્રમાણે વિષયવસ્તુનું સર્જન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.નવી કોઈપણ વિષયવસ્તુ બાબતે જરૂરી સંશોધન, આયોજન કરીને તેમાં કઈ રીતે બદલાવ કરીએ કે જેથી સામાન્ય લોકો પણ તેને સ્વીકારી શકે તે અંગે દ્રષ્ટાંતો સાથે માહિતી આપી હતી.માહિતી ખાતું રાજ્ય સરકારના કોઈપણ વિભાગ માટે પોતાની વાત રજૂ કરવા માટેનું મહત્વપૂર્ણ અને સબળ માધ્યમ છે તેમ જણાવતા સચિવશ્રીએ હિતધારકો સાથે વિશ્વાસપૂર્ણ સંબંધો જાળવી રાખવા અને તેને આગળ વધારવા માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને માહિતી ખાતા દ્વારા પ્રસારિત જનકલ્યાણલક્ષી વિષયવસ્તુઓમાં કોઈપણ જગ્યાએ સંશય ન રહે અને સરકારની વાત લોકોને તેમની ભાષામાં સમજાય તે માટેના પ્રકલ્પો અને આયોજનો હાથ ધરવા માટેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.બે દિવસ માટે યોજાયેલી આ ચિંતન શિબિરમાં માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા લેખ, ખાસ લેખ, પ્રેસનોટ વગેરે લોકો સુધી કઈ રીતે વધુ સારી રીતે પહોંચાડી શકાય અને તેમાં સમયાનૂકુલ કેવી રીતે બદલાવ કરી શકાય તે અંગે આ ચિંતન શિબિરમાં કરવામાં આવનારા મનોમંથન અંગે પૂર્વભૂમિકા પણ તેમણે આપી હતી.માહિતી ખાતાની ચિંતન શિબિરના આયોજન અંગે હર્ષની લાગણી વ્યક્ત કરતા માહિતી નિયામક શ્રી કે.એલ.બચાણીએ કહ્યું કે ગુજરાતના પ્રશાસનમાં વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલ ચિંતન શિબિરના આયોજનોથી સરકારની નાગરિક સેવાઓની ગુણવત્તામાં વધારો કરવાના લોકાભિમુખ અભિગમને નવું બળ મળ્યું છે. તેના મૂળમાં શિબિરનું ચિંતન- નિષ્કર્ષ, ગ્રુપ ચર્ચા અને તેની જાહેર નીતિઓમાં અમલવારી છે. માહિતી ખાતાની કામગીરીના પરિપેક્ષમાં માહિતી નિયામકશ્રીએ ઉમેર્યું કે સરકારની યોજનાઓ અને કામગીરી લોકો સુધી પહોંચાડવાના સંદર્ભમાં માહિતી ખાતુ સરકાર અને લોકો વચ્ચેની કડીરૂપે છે ત્યારે માહિતી ખાતાની આ બે દિવસીય શિબિરનો નીચોડ- નિષ્કર્ષ અને થનાર સમીક્ષા ખાતાની કાર્ય પદ્ધતિને  ગતિશીલ બનાવવાની સાથે કામગીરીના સંદર્ભમાં મજબૂત  કરશે. માહિતી નિયામકે વધુમાં કહ્યું કે આજના સમયમાં માહિતીનો ધોધ વહી રહ્યો છે અને પ્રત્યાયનના ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સોશિયલ મીડિયા અતિ પ્રભાવી બન્યા છે ત્યારે આજના સમયમાં માહિતીનું અસરકારક આદાન-પ્રદાન અને હકીકતલક્ષી જાણકારી લોકો સુધી પહોંચાડવાની કામગીરીના પડકારોને આપણે સમજવા પડશે અને એ મુજબ કાર્ય શૈલીમાં બદલાવ લાવવા પડશે. લોકોની અપેક્ષા અને આકાંક્ષાઓને સંતોષવા વન વે કોમ્યુનિકેશનના બદલે ટુ વે કોમ્યુનિકેશનથી લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા જણાવ્યું હતું. ચિંતન શિબિરમાં પ્રો-એક્ટિવ એપ્રોચ, ઝડપી પ્રતિક્રિયા, મીડિયા સંલગ્ન કામગીરી, ફીડબેક અને પરિવર્તન પામી રહેલા કોમ્યુનિકેશનના નવા આયામો અને બેસ્ટ પ્રેક્ટિસિસના રજૂ થનારા અનુભવો અને આઈડિયાઝ આવનારા સમયમાં કોમ્યુનિકેશન સ્કીલના સામર્થ્યને નવી દિશા આપીને ટીમ માહિતીને નવું પ્રેરક બળ પૂરું પાડશે તેવી આશા તેમણે આ તકે વ્યક્ત કરી હતી. સતત ચાલતી માહિતી ખાતાની કામગીરી વચ્ચે મહી કાંઠે યોજાઇ રહેલી આ ચિંતન શિબિર માહિતી અધિકારીઓને કામગીરી સંબંધિત નવા વિચારો અને નવી ઊર્જા પૂરી પાડી રિચાર્જ થવાનો એક સુઅવસર બની રહેશે તેવું નિયામકશ્રીએ ઉમેર્યું હતું. ચિંતન શિબિર વિચારોના આદાન પ્રદાન થકી પ્રતિભાગીઓને પોતાની મર્યાદાઓ દૂર કરવા, જટિલ સમસ્યાઓનો સર્વ સામાન્ય ઉકેલ શોધવા, નવા દ્રષ્ટિકોણ વિકસાવવા માટે એક સરસ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેમ જણાવતા અધિકારીઓની જૂની પેઢીને નવા અધિકારીઓને માહિતીની સમૃદ્ધ કાર્યસંસ્કૃતિનો વારસો આપવા આ શિબિર એક સુંદર તક પૂરી પાડશે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે એકબીજાના પૂરક બનવા, નિરંતર કામ કરતા રહી નવું શીખતા રહીએના અભિગમ સાથેની કાર્ય પદ્ધતિ અપનાવવા અને તેનો લાભ લોકો અને ખાતાના તમામ સ્ટેક હોલ્ડરને મળે તે માટે શિબિરમાં વિચારોનું આદાન-પ્રદાન નવી ઉર્જા આપશે એમ પણ કહ્યું હતું. જીવનમાં નવું શીખવા માટે અધ્યયન કરવા અને વ્યક્તિગત કૌશલ્ય વિકસાવવા માટે વિવિધ દ્રષ્ટાંતો આપી સૌ અધિકારીઓને તેમણે  વિતરિત કરાયેલ ‘માઈનોર હિન્ટ્સ’ પુસ્તક વાંચવા સૂચન કર્યું હતું. શિબિરના ઉદ્ઘાટન સેશનમાં જાણીતા પત્રકારશ્રી મુકુંદ પંડ્યાએ પત્રકારત્વ, લખાણ શૈલી અને પ્રત્યાયન સંદર્ભે વિવિધ દ્રષ્ટાંતો આપી જણાવ્યું હતું કે, માહિતી અને પ્રસારણ વિભાગ થકી આજે સમાજમાં થતી અનેક સકારાત્મક ગતિવિધિઓ સારી રીતે નાગરિકો સમક્ષ ઉજાગર થઈ રહી છે. પરીવર્તન એ જ નિત્ય છે ત્યારે સમયના પ્રવાહ સાથે તાલ મિલાવીને કામગીરી કરવી જોઈએ તેમ કહી તેઓશ્રીએ કામની સાથે પારિવારિક જવાબદારી સુચારુ રીતે નિભાવવાની અને  વ્યક્તિગત વિકાસ માટે શોખ કેળવવાની પ્રેરણા આપી હતી.જાણીતાં લેખક તથા કવિશ્રી વિનોદ જોશીએ ઉપસ્થિત અધિકારીઓ સાથે મોર્નિંગ સેશનમાં ભાષા અને લેખન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ભાષાના ઉપયોગ વખતે શબ્દના અર્થ બાબતે જ્ઞાન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક શબ્દના એકાધિક અર્થ થતા હોય છે ત્યારે એ જાણવું જરૂરી છે કે, આપણે ઓડિયન્સ સુધી ક્યાં ભાવ અને કેવા અર્થ સાથે માહિતી પહોંચાડવા ઇચ્છીએ છીએ. શ્રી જોશીએ ભાષાના મહત્વને ઉજાગર કરતાં ઉમેર્યું હતું કે, શબ્દરૂપી દીપ સંસારને અજવાળતો ન હોત તો સર્વત્ર અંધકાર છવાઈ જાત.આપણે જન્મજાત ભાષા સાથે નહિ પરંતુ સ્વર સાથે જન્મ્યા છીએ તેમ જણાવી. તેઓએ એક જ વાક્યના અલગ અલગ અર્થના દ્રષ્ટાંતો આપી અસરકારક કોમ્યુનિકેશનની વિભાવના પણ સ્પષ્ટ કરી હતી.આ અવસરે વિચરતા સમુદાય સમર્થન મંચના સ્થાપક અને સમાજ સેવિકા શ્રી મિત્તલ પટેલે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સમાજના છેવાડાના વર્ગ સુધી પહોંચાડવામાં સોશિયલ મીડિયાના અસરકારક ઉપયોગ અને સંભાવનાઓ અંગે વિવિધ દ્રષ્ટાંતો આપતા વિગતવાર વાત કરી હતી.ત્રીજા સત્રમાં પેનલ ડિસ્કશન દરમિયાન ચિત્રલેખાના વેબ પોર્ટલ એડિટર શ્રી કેતન ત્રિવેદીએ માહિતીના પ્રસારણ પહેલા ચકાસવાની મહત્વપૂર્ણ બાબતો તરફ નિર્દેશ કર્યો હતો. મિસ ઈન્ફોર્મેશનના પડકારથી બચવાના ઉપાયો તેમને સૂચવ્યા હતા. પેનલ ડિસ્કશન ના બીજા વક્તા શ્રી બૈજુ ગોવિંદને કોઈપણ મીડિયા સમૂહનું લક્ષ્ય પરસ્યુટ ઓફ ટ્રુથ છે તે વિશે ભારપૂર્વક સમજાવ્યું હતું. કન્ટેન્ટ વધુ રસપ્રદ હોય તો વધારે લોકો સુધી પહોંચે છે તે વિશે વિસ્તૃત છણાવટ તેમણે કરી હતી. પેનલ ડિસ્કશનના ત્રીજા વક્તા શ્રી દર્શન ત્રિવેદીએ ઇન્ફોર્મેશન ડિસેમિનેશનમાં છ D , ડીમટિરિયલાઈઝેશન, ડીમિસ્ટિફિકેશન,  ડીજીટાઇઝેશન, ડિસેપ્શન,  ડેમોક્રેટાઈઝેશન  અને ડિસરપ્શન ની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આ તકે અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ, આર્ટ ઓફ લિવિંગના ગુજરાત આશ્રમના એડમિનિસ્ટ્રેટર શ્રી હરિહરાજી, એપેક્સ મેમ્બર શ્રી નીતિનભાઈ સિધ્ધપુરાજી, સંયુક્ત માહિતી નિયામકશ્રીઓ, નાયબ માહિતી નિયામકશ્રીઓ, સહાયક માહિતી નિયામકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરના વિવિધ કાર્યક્રમોનું સંચાલન શ્રી ઉમંગ બારોટ, વિવેક ગોહિલ અને સુશ્રી રુચા રાવલે નાટ્યાત્મક પ્રસ્તુતિ દ્વારા કર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field