તા. 14 થી 20 જૂન દરમિયાન જિલ્લાભરમાં વિશેષ યોગ સપ્તાહની ઉજવણી કરાશે
(જી.એન.એસ) તા. 12
ગાંધીનગર,
આગામી 21મી જૂને 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ -2024ની ગાંધીનગર જિલ્લામાં ભવ્ય ઉજવણી માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે યોગ દરેક નાગરિકના જીવનનું અભિન્ન અંગ બને તેવો વિશ્વ યોગ દિવસની ઉજવણીનો સાર્વત્રિક ઉદ્દેશ છે. તેમણે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં જન સુખાકારી માટે યોગમય જીવનશૈલીનું મહત્વ છે, એટલે જ કહેવાયું છે કે, સમત્વં યોગ ઉચ્યતે અર્થાત્ સમત્વ એ જ યોગ છે. જીવનમાં સમત્વ – સંયમથી જ સુખ મળે છે. અને સમત્વ યોગ દ્વારા મેળવી શકાય છે.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ યોગને અમૂલ્ય સાંસ્કૃતિક વારસો ગણાવી ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના કારણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા યોગને વૈશ્વિક ઓળખ આપવામાં આવી અને 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું હતું કે સાંસ્કૃતિક વારસાના વૈભવના જતન-સંવર્ધન માટે પ્રત્યેક નાગરિકે પ્રવૃત્તિ થવું પડશે. વિશ્વ યોગ દિવસ આ દિશામાં યત્કિંચિત પ્રયાસ કરવાનો અનેરો અવસર છે.
ગાંધીનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સ્વામીનારાયણ ગુરુકુળ સઈઝ, કલોલ ખાતે યોજાવાનો છે, તે સંદર્ભે બેઠકમાં સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત જિલ્લાના આઠ આઇકોનિક સ્થળો ત્રિમંદિર, મહાત્મા મંદિર, ડભોડિયા હનુમાનજી મંદિર, અડાલજની વાવ, સાંપની વાવ, કંથારપુર વડ, મહુડી જૈન મંદિર, અને ઇફ્કો- કલોલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે ખાસ આયોજન સંદર્ભે બેઠકમાં વિચાર વિમર્શ કરાયો હતો. વિશ્વ યોગ દિવસ પહેલા તા. 14 મી જુનથી ૨૦મી જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરાશે જેના આયોજન સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીએ જિલ્લાભરમાં વિશ્વ યોગ દિનની ઉજવણીના આયોજન સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. આ જ રીતે મહાનગરપાલિકા કક્ષાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ભોરણીયાએ માહિતી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસવડા શ્રી વાસમ શેટ્ટી રવિ તેજા, અધિક કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, પ્રાંત અધિકારીશ્રીઓ અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.