(G.N.S) dt. 18
આરોગ્યપ્રદ જીવન પ્રદાન કરવાની સાથે ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનનો ઉકેલ પ્રાકૃતિક કૃષિ જ છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
**
યોગ પ્રશિક્ષકો પ્રાકૃતિક આહારની મહત્તાનો વ્યાપક રીતે પ્રચાર-પ્રસાર કરે
**
‘યોગનો આધાર, પ્રાકૃતિક આહાર’ પરિસંવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતનું પ્રેરક સંબોધન
યોગ પ્રશિક્ષકો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો બંનેના સુગમ સમન્વયથી સમગ્ર માનવજાતને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરી શકાય છે, તેમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં નાગરિકોને સ્વસ્થ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લાખો લોકોને યોગ શીખવાડીને ઈશ્વરીય કાર્ય કર્યું છે. હવે યોગ બોર્ડ ગુજરાતમાં તેના લાખો યોગ પ્રશિક્ષકો દ્વારા યોગના આધારથી પ્રાકૃતિક આહાર માટે વ્યાપક જનજાગૃતિ ઉભી કરીને લોકોને સ્વસ્થ બનાવવાના પુણ્ય કાર્યમાં જોડાઈ રહ્યા છે, જે અભિનંદનને પાત્ર છે.
આજે વડોદરા શહેરના સયાજીનગર ગૃહ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ ‘યોગનો આધાર, પ્રાકૃતિક આહાર’ વિષયક પરિસંવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે પ્રેરક સંબોધન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ શહેરમાં માંજલપુર ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વિતરણ કેન્દ્રને ખુલ્લું મૂક્યું હતું. અહીં પ્રાકૃતિક ખેત ઉત્પાદનો શહેરીજનોને સરળતાથી ઉપલબ્ધ થશે.
સૌ યોગ કોચ અને યોગ પ્રશિક્ષકોને આ મુહિમમાં જોડાવવા બદલ સાધુવાદ વ્યક્ત કરીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે યોગ સાધના અને પ્રાકૃતિક આહારને સંયુક્ત રીતે મિશન મોડમાં ઉપાડી લેવા હાંકલ કરી હતી. શ્રી દેવવ્રતે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ યોગ કોચ, યોગ પ્રશિક્ષકો અને યોગ સાધકોને યોગ ક્લાસમાં આવતા લોકોને પ્રાકૃતિક આહાર લેવા માટે પ્રેરિત કરવા તેમજ તમામ લોકો સુધી પ્રાકૃતિક આહારનો પ્રચાર-પ્રસાર કરવા આહ્વાન કર્યું હતું.
મોંઘી ગાડી અને શુદ્ધ પેટ્રોલના ઉદાહરણ થકી રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, જો તમે લોખંડની બનેલી ગાડીની ચિંતા કરીને શુદ્ધ પેટ્રોલ અને તેની જાળવણી કરતા હોવ, તો ભગવાને આપેલી અમૂલ્ય શરીરરૂપી ગાડીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી ઉત્પાદિત થયેલા આહારરૂપી ભેળસેળવાળું પેટ્રોલ ન નાખવું જોઈએ. તેમણે પ્રાકૃતિક આહારને તાત્કાલિક જીવનશૈલીનો ભાગ બનાવી કુદરતની મૂળ વ્યવસ્થામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
ભારતીય સંસ્કૃતિની મહત્તા સમજાવી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સંસ્કૃતના શ્લોક અને શ્રીમદ ભગવદ્ ગીતાના ઉદાહરણો થકી જણાવ્યું હતું કે, જો આહાર શુદ્ધ હોય તો વિચાર શુદ્ધ થાય છે. યોગ અને પ્રાકૃતિક આહાર બંનેને એકબીજાના પૂરક જણાવી તેમણે સમગ્ર વિશ્વને સ્વસ્થ બનાવવાના ભગીરથ કાર્યમાં સૌ કોઈને સહભાગી થવા હાંકલ કરી હતી.
ગયા વર્ષે વિદેશથી રૂ. ૨.૫૦ લાખ કરોડની કિંમતનું રાસાયણિક ખાતર આપણા દેશમાં આયાત કરવું પડ્યું, તેવી ચિંતાજનક વાસ્તવિકતાને જણાવીને શ્રી દેવવ્રતે ધરતીમાતાનું ઋણ ચૂકવવા અને રાસાયણિક ખાતર થકી ઝેર ન પીરસવા અપીલ કરી હતી. પ્રાકૃતિક કૃષિનું મહિમામંડન કરતા રાજ્યપાલશ્રીએ અસાધ્ય અને ગંભીર બિમારી ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેન્ટ ચેન્જનો ઉકેલ પણ પ્રાકૃતિક કૃષિ હોવાનું મક્કમતાથી જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે, પ્રાકૃતિક કૃષિ થકી લોકો સ્વસ્થ બને અને ખેડૂતો સમૃદ્ધ બને તેમ જણાવી તેમણે ગુજરાતમાં ૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા હોવાનું ગૌરવભેર જણાવ્યું હતું. આગામી બે વર્ષમાં ગુજરાતને ઝેરમુક્ત બનાવીશું, તેવા સંકલ્પ સાથે તેમણે યોગ સાધકોને સિપાહી તરીકે સંબોધી લોકોને આ વિષચક્રમાંથી બહાર કાઢવા માટે મુહિમ ઉપાડવાની પ્રેરણા આપી હતી. શ્રી દેવવ્રતે આ પરિસંવાદમાં પોતાના અંગત અને સામાજિક જીવનના અનેક રસપ્રદ ઉદાહરણો આપીને લોકોને યોગ અને પ્રાકૃતિક આહાર થકી જીવનને સુખમય, આરોગ્યપ્રદ અને સમૃદ્ધ બનાવવા પ્રેરણા આપી હતી.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શ્રી શીશપાલે જણાવ્યું હતું કે,ભારત પ્રાચીન ઋષિ અને કૃષિ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની વિશ્વને દેન છે. યોગ અને પ્રાકૃતિક કૃષિનો સમન્વય કરીને લોકો શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક આહાર લેતા થયા એવા આશયથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આજે યોગ અને પ્રાકૃતિક આહારનો સંયોગ થયો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ખેતીમાં વધુ પડતાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગના કારણે ધરતી માતા ઝેરયુક્ત બની છે. ધરતી માતાને ઝેર મુક્ત કરવા માટે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઉપાડયું છે. આ અભિયાનમાં યોગ બોર્ડ પણ જોડાઈ રાજ્યના દરેક ગામમાં યોગ પ્રશિક્ષકો અને યોગ સાધકો પ્રાકૃતિક આહારના સેવન અંગે લોકોમાં વ્યાપક જનજાગૃતિ ઊભી કરશે. કેન્સર જેવી અસાધ્ય બીમારીઓથી બચવા માટે પ્રાકૃતિક આહારનું સેવન એકમાત્ર ઉપાય હોવાનું તેમણે ઉમેર્યું હતું.
મેયર શ્રીમતી પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા એવી યોગ વિદ્યાને સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે. યોગ દ્વારા તન અને મનને તંદુરસ્ત રાખી શકાય છે. તેમ પ્રાકૃતિક આહારના સેવનથી માનવ સ્વાસ્થ્યને બચાવી શકાય છે.
આ પરિસંવાદમાં ધારાસભ્ય સર્વશ્રી કેયુર રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ, પ્રકાશભાઈ વરમોરા, યોગ બોર્ડના સભ્યો, યોગ કોચ, યોગ પ્રશિક્ષકો, યોગ સાધકો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, નગરસેવકો સહિત શહેરીજનોએ ભાગ લીધો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.