Home ગુજરાત “યુવા સાંસદ – ૨૦૨૪: મહાત્મા મંદિર, ગાંધીનગર”

“યુવા સાંસદ – ૨૦૨૪: મહાત્મા મંદિર, ગાંધીનગર”

20
0

રાજકારણથી દૂર રહીને, એક નાગરિક તરીકે આપણી જવાબદારીનું પાલન કરવું એ આપણા સૌની ફરજ, સૌને સાથે રાખીને વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આગળ વધવુ પડશે:- મંત્રી શ્રી હર્ષ સંઘવી

સમૃધ્ધ લોકશાહીના નિર્માણ માટે લોકોની જરૂરિયાતોને ધ્યાને રાખીને સંપૂર્ણ સંવેદના સાથે કાર્ય કરવા સંકલ્પબધ્ધ બનીએ:- સાંસદ શ્રી સી.આર.પાટીલ

રાજ્યની ૮૩ યુનિવર્સિટીમાંથી એક દિવસ માટે સાંસદ તરીકે પસંદગી પામેલા ૫૫૦ જેટલા વિદ્યાર્થીઓએ સંપૂર્ણ સંસદીય પ્રણાલી અનુસરીને સંસદની કાર્યવાહી ચલાવી

(જી.એન.એસ),તા.૦૯

ગાંધીનગર,

‘વિકસિત ભારત @૨૦૪૭’ સંકલ્પને સિધ્ધિ સુધી લઇ જવા દેશના યુવાઓનું ટેક્નોલોજી સહિતના ક્ષેત્રોમાં જ્ઞાન અને યુવાઓનું યોગદાન ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે ત્યારે આ વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ હેઠળ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘યુવા સાંસદ-૨૦૨૪’ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ થયો હતો.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષ સંઘવીએ એક દિવસના સાંસદ બનેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યુ કે, પક્ષના રાજકારણથી દૂર રહીને, એક નાગરિક તરીકે આપણી જવાબદારીનું પાલન કરવું એ આપણા સૌની ફરજ છે, અને સૌને સાથે રાખીને વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આગળ વધવુ પડશે. આ પરિવર્તનની શરૂઆત આપણા પરિવારથી થવી જોઈએ. તેમ કહી શ્રી સંઘવીએ શ્રી મોદીના ધ્યેયમંત્ર “સૌના સાથ સૌના વિકાસ, સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસ”ને તાદ્રશ્ય કરાવતી દક્ષિણ ફિલ્મની એક સંવેદનશીલ ક્લિપ બતાવી હતી, જેમાં શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થીઓનું ગ્રુપ એકબીજાનો હાથ પકડી સાથે મળીને સૌ પ્રથમ નંબરે આવે છે અને વિજયનો આનંદ માણે છે.

શ્રી સંઘવીએ કહ્યુ હતું કે, વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ આ યુવા સંસદમાં એક દિવસ માટે સંસદસભ્ય બનીને એવા વિષયો ઉપર ચર્ચા કરી છે જેની સમગ્ર દેશમાં ખૂણે ખૂણે ચર્ચા થઇ રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ, કલમ 370, ગ્રીન એનર્જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સિક્યુરિટી જેવા પાંચ મહત્વના વિષયો ઉપરાંત અયોધ્યા મંદિરના નિર્માણથી આવનાર આર્થિક બદલાવ જેવા ખુબ જ અગત્યના મુદ્દાઓ પર સૌ એક દિવસીય સાંસદ સભ્યોને ચર્ચા કરવાની તક મળી તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યની ૮૩ કરતાં વધુ યુનિવર્સિટીમાંથી સાંસદ તરીકે ૫૫૦ જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા તે પણ ખુબ કઠીન કામ હતુ. સંપૂર્ણ સંસદીય પ્રણાલી અનુસરીને સંસદની કાર્યવાહી કરવામાં આવી જેમાં ગૃહમાં અધ્યક્ષ સહિત આશરે ૩૫ જેટલા વિદ્યાર્થિઓએ મંત્રી બનીને ગૃહમાં ચર્ચામાં જોડાયા અને પ્રશ્નોના જવાબ આપ્યા. આ એક દિવસીય સાંસદોએ શૂન્ય કાળ, તારાંકીત અને અતારાંકીત પ્રશ્નો સહિત વિવિધ મહત્વના વિષય પર ચર્ચા કરી અને કામગીરી દરમ્યાન પાંચ મહત્વના બીલ પર ચર્ચા અને ચર્ચાને અંતે વોટીંગ પેડના માધ્યમથી મતદાનનું પણ આયોજન કરવામાં આવ્યુ. આ સમગ્ર આયોજન આબેહુબ સંસદ જેવુ જ કરવામાં આવતા આ યુવાઓ સંસદની કામગીરી વધુ અસરકારક રીતે સમજી શક્યા.  

નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલે ગુજરાત યુવા સાંસદના આયોજનને આવકારતાં કહ્યું કે, સમૃધ્ધ લોકશાહીના નિર્માણ માટે લોકોની જરૂરિયાત ને ધ્યાને રાખીને સંપૂર્ણ સંવેદના સાથે કાર્ય કરવા આપણે સૌએ સંકલ્પબધ્ધ બનવું જોઈએ. તેમણે આયોજકોને સંસદના જેવું જ વાતાવરણ ઉભું કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “સૌના સાથ સૌના વિકાસ, સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસ”ના મંત્ર થકી લોકોને જન સુખાકારીના લાભો વધુને વધુ ઝડપથી મળતા રહે એ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સંકલિત બજેટનો નવતર અભિગમ દાખવીને યોજનાકીય લાભો આપ્યા છે. એટલે જ મોદીની ગેરંટી ઉપર દેશવાસીઓનો ભરોસો વધુ મજબૂત બન્યો છે.

શ્રી પાટીલે યુવા સાંસદમાં ભાગ લઈ રહેલા સૌ યુવાઓને રાજકારણમાં જોડાવવા ઇચ્છુક યુવાઓને સલાહ આપતા કહ્યું કે, આ એક સેવાનું ક્ષેત્ર છે, આ ક્ષેત્ર થકી આર્થિક ઉપાર્જનનો ભાવ હોય તો રાજકરણમાં ન જોડાવવું જોઈએ. જો નાગરિકો માટે કામ કરવાનો અને તેમની સેવા કરવાનો તમારો ટાર્ગેટ હોય તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ૧૮૦ જેટલી લોકોપયોગી યોજનાઓ અમલમાં છે, આ યોજનાઓની માહિતી લો અને સરકારની યોજનાઓથી તમારા વિસ્તારમાં નાગરિકોને વાકેફ કરી તેમને મળવાપાત્ર લાભ અપાવો. એટલુ જ નહિ, આ ક્ષેત્રમાં સૌના કલ્યાણ માટે સંપૂર્ણ સંવેદનશીલતાથી કાર્યરત રહેવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે સૌને લોકસભાની કાર્યવાહીની સંપૂર્ણ રૂપરેખા આપી હતી.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી મોદી રાજકારણ કરતા નથી પણ રોજ નવો ઈતિહાસ રચે છે તેમના દ્રષ્ટીવંત આયોજનના પરિણામે પચીસ કરોડથી વધુ ગરીબો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. એટલું જ નહી, લાખો કિસાનોને વાર્ષિક રૂપિયા છ હજારની સહાય ડી.બી.ટીના માધ્યમથી સીધા તેમના બેક ખાતામાં જમા કરાવાય છે. આવા તો અનેક ઐતહાસિક નિર્ણયો મોદીજી એ કર્યા છે જેના પરિણામે તેઓને આજે વૈશ્વિક સ્તરે લોકો શ્રેષ્ઠ નેતા માની રહ્યા છે. તેમણે યુવાનોને આજના સંવાદથી નીકળનાર અમૃતનો તેમના જીવનમાં અમલ કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શ્રી કરસનભાઇ પટેલ, શ્રી બાબુભાઇ જમનાભાઇ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર શ્રી આલોક કુમાર પાંડે ઉપરાંત અધિકારીશ્રીઓ અને યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે સામાજિક ક્ષેત્રે વિશિષ્ઠ યોગદાન આપનાર મહાનુભાવોને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે એવોર્ડ અપાશે
Next articleરાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની દીકરીના શિક્ષણની ચિંતા ડબલ એન્જીન સરકાર કરશે:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ