(પ્રશાંત દયાળ,જી.એન.એસ)
હમણાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર નર્મદા જિલ્લામાં ઉભી કરવામાં આવેલી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવાના કાર્યક્રમની તૈયારીમાં લાગી ગઈ છે. તા ૩૧મી ઓકટોબર ૨૦૧૮ના રોજ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમ માટે ગુજરાત આવી રહ્યા છે. પરંતુ જ્યારે સ્વ. ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલ એરપોર્ટ નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સરદાર પટેલના નામનો વિરોધ કરવા નરેન્દ્ર મોદી અને અશોક ભટ્ટ દિલ્હી પહોંચ્યા હતા.
૧૯૯૦માં સ્વ. ચીમનભાઈ પટેલની જનતાદળ ગુજરાત અને ભાજપે જોડાણ કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી અને કોંગ્રેસને પરાસ્ત કરી સત્તા હાંસલ કરી હતી. પરંતુ રામ જન્મભુમી આંદોલન શરૂ થતાં ભાજપે જનતાદળ સાથે છેડો ફાડી નાખતા ચીમનભાઈ પટેલની સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ હતી. આ વખતે કોંગ્રેસે ટેકો આપતા ચીમનભાઈ પટેલની સરકાર બચી ગઈ હતી. આ દરમિયાનન ગુજરાતમાં નર્મદા વિરોધી આંદોલન પણ શરૂ થયુ હતું. મેધા પાટકર અને બાબા આમટેના નર્મદા વિરોધી આંદોલન સામે ચીમનભાઈ પટેલે પણ પોતાની તમામ તાકાત લગાડી હતી.
નર્મદા યોજના માટે ચીમનભાઈ પટેલની મહેનતને કારણે તેમના ટેકેદારો તેમને છોટે સરદારના હુલામણા નામે બોલાવવામાં લાગ્યા હતા. આમ ચીમનભાઈ પટેલની તુલના સરદાર પટેલ સાથે કરી તેમને છોટે સરદાર તરીકે ઓળખવા લાગ્યા હતા. ચીમનભાઈના પટેલના પોસ્ટરમાં પણ છોટે સરદાર લખાવા લાગ્યુ હતું. સ્વભાવીક રીતે આ વાત ભાજપને પસંદ ન્હોતી. આ વખતે જ નવા નિર્માણ પામેલા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામકરણ કરવાનું હતું. કેન્દ્રમાં આઈ. કે. ગુજરાલ વડાપ્રધાન હતા અને નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલ હતા. ગુજરાત સરકારે અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલ એરપોર્ટ નામ આપવામાં આવે તેવી દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી હતી.
જયારે અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલનું નામ આપવામાં આવે તેવી દરખાસ્ત મોકલવામાં આવી ત્યારે ભાજપે તેનો વિરોધ કરી અમદાવાદ એરપોર્ટને શ્યામપ્રસાદ મુર્ખજી નામ આપવાની દરખાસ્ત કરી હતી, પણ ગુજરાતની જનતાદળ અને કોંગ્રેસની સરકારે સરદાર પટેલનું જ નામ અપાશે તેવુ સ્પષ્ટ કર્યુ હતું. ગુજરાત સરકારના આ નિર્ણયનો વિરોધ કરી શ્યામપ્રસાદ મુર્ખજી નામ આપવામાં આવે તેવી માગણી અને વિરોધ કરવા નરેન્દ્ર મોદી અને અશોક ભટ્ટ દિલ્હી ગયા હતા અને તેમણે કેન્દ્રની આઇ.કે. ગુજરાલ સરકાર સામે સરદાર પટેલના નામનો વિરોધ કરી શ્યામપ્રસાદનું નામ આપવાની માગણી કરી હતી.
સમય જતા ભાજપની વિચારધારા બદલાઈ અને તેમના માટે સરદાર પટેલ હવે તેમના પ્રિય થઈ ગયા છે. દેશની આઝાદીમાં ગાંધી, નહેરૂ અને સરદારે સાથે કામ કર્યુ. પરંતુ સીધી રીતે ગાંધી અને નહેરૂના નામનો વિરોધ નહીં કરી શકતા ભાજપે નેહરૂ અને ગાંધીનું કદ નાનુ કરવા સરદારના નામનો સહારો લીધો. ખરેખર સરદાર, નહેરૂ અને ગાંધી ક્યારેય એકબીજા કરતા અલગ ન્હોતા પણ ગાંધી અને નહેરૂએ સરદારને ખુબ અન્યાય કર્યો તેવી વાહિયાત દલીલો જેમણે ક્યારેય ગાંધી અને સરદારને વાંચ્યા નથી તેવા લોકોએ શરૂ કરી. સરદાર ક્યારેય કોઈ રાજ્યના ન્હોતા, તેઓ તો દેશના હતા. એક જમાનામાં સરદારના નામનો વિરોધ કરનાર નરેન્દ્ર મોદી અને ભાજપે સરદારની પ્રતિમા પાછળ કરેલો કરોડોનો ખર્ચ ગામડાના માણસો માટે કર્યો હોત તો ખરા અર્થમાં સરદાર જીવી ગયા હોત અને તે જ તેમની ખરી શ્રધ્ધાંજલિ હોત.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.