ભાજપે ભોળામંત્રી પ્રસાદ અને તેમના કરતાં પણ ભારે ભોળા રેલ રાજ્યમંત્રી અંગાડીને સ્વામી પાસે અર્થશાસ્ત્રના પાયાનું શિક્ષણ લેવી મોકલવા જોઇએ કે મંદી એટલે શું…
(જી.એન.એસ., પ્રવિણ ઘમંડે) તા.16
અર્થશાસ્ત્રના પાઠ્યક્રમમાં હવે મંદીની નવી વ્યાખ્યા ઉમેરાય તો નવાઇ નહીં. નોબેલ વિજેતા અભિજીત બેનર્જી સહિતના ભલભલા અર્થશાસ્ત્રીઓને ગોટે ચઢાવે તેવા મંદી અંગેના લોકરંજક નિવેદનો મોદી સરકારના મંત્રીઓ કરીને લોકોમાં હાંસીને પાત્ર બની રહ્યાં છે. દેશમાં મંદી નથી એમ કોઇ કહી શકે તેમ નથી. ખુદ નાણામંત્રી નિર્મલા સિતારામને કોર્પેોરેટ કંપનીઓ માટે સવા લાખ કરોડનું પેકેજ, બિલ્ડરો માટે 75 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું તે મંદીની અસર હોવાથી અર્થતંત્રને ઉગારવા માટે પગલાં ભર્યા છે. વર્તમાન સરકારની ખાસિયત છે. તે ઉંધા હાથે કાન પકડે છે. નાણામંત્રી આ પેકેજ જાહેર કર્યા પછી હજુપણ સ્વીકારવા તૈયાર નહીં થાય કે ભારતમાં મોદીરાજમાં મંદી છે. તેમને એવો સ્વીકાર કરવાના પાઠ જ ભણાવવામાં આવ્યાં નથી. પરંતુ કમ સે કમ બે મંત્રીઓને તો અર્થશાસ્ત્રના એ સાદા પાઠ ભણાવવા જોઇએ કે મંદી કોને કહેવાય….?1
છુક છુક રેલગાડીના મંત્રી પિયુષ ગોયલના ગાર્ડ તરીકેના રાજ્યમંત્રી સુરેશ અંગાડીએ રેલગાડીઓ ભરચક જઇ રહી છે તે જોઇને કહી દીધુ કે શું તમે પણ મંદી મંદી કરો છો, આ જુઓ રેલગાડીઓમાં જગ્યા જ મળતી નથી એટલી ગીચોગીચ ભરીને જાય છે, એરપોર્ટ પર પણ ભારે ભીડ છે અને આ બેન્ડવાજાના અવાજો સાંભળ્યા…? ધૂમધડાકા સાથે લગ્નની શરણાઇઓ વાગી રહી છે, ભરપૂર લગ્નો થઇ રહ્યાં છે ત્યારે આ તેજી નથી તો શું માંદી માંદી મંદી છે….!!
કાયદા મંત્રી અને સૌથી ભોળા એવા રવિશંકરપ્રસાદે તાજેતરમાં જ તેજીની વળી નવી વ્યાખ્યા આપી હતી. 2 ઓક્ટોબરના રોજ 3 નવી ફિલ્મો રજૂ થઇ. ફિલ્મો સારી હતી, લોકોને ગમી એટલે હાઉસ ફુલ. એક દિવસમાં 120 કરોડની કમાણી થઇ. પ્રસાદ બોલ્યા- જો દેશમાં મંદી હોય તો ફિલ્મો હાઉસફુલ જાય….? ક્યાં છે મંદી….? ખાલી ખાલી મોદી સરકારને બદનામ કરવામાં આવે છે. આ જ ભાષા અંગાડી ઉવાચ- મોદી સરકાર કો બદનામ કિયા જા રહા હૈ….
ભાજપ પાસે અભિજીત બેનર્જીને પણ ટક્કર મારે તેવા અનુભવી અને વિદ્વાન અર્થશાસ્ત્રી છે. તેમનુ નામ સુબ્રમણ્યમ સ્વામી છે. મંત્રી બનવાની તેમની ઇચ્છા ભાજપ પૂરી કરતુ નથી તે એક અલગ બાબત છે પણ તેઓ સત્યમેવ જયતેમાં માને છે. તેથી ભાજપમાં અળખામણાં હોઇ શકે. ભાજપે ભોળામંત્રી પ્રસાદ અને તેમના કરતાં પણ ભારે ભોળા રેલ રાજ્યમંત્રી અંગાડીને સ્વામી પાસે અર્થશાસ્ત્રના પાયાનું શિક્ષણ લેવી મોકલવા જોઇએ કે મંદી એટલે શું, તેજી કોને કહેવાય વગેરે..વગેરે. જેથી તેઓ કમ સે કમ એવુ ન બોલે કે ફિલ્મો હાઉસ ફુલ છે….ટ્રેનો હાઉસફુલ છે, એરપોર્ટ હાઉસ ફુલ છે અને લગ્નો તો ઓહોહો…ભાઇ…ભાઇ…એટલા થઇ રહ્યાં છે કે તે જોઇને રાહુલ ગાંધીને પણ એમ થાય કે લાવ, હું પણ પરણી જાઉ….!
દિવસને દિવસ જ કહેવાય. રાતને રાત જ કહેવાય. સુરજ પૂર્વમાં જ ઉગે. પણ ના આ મંત્રીઓ તો સરકારના બચાવમાં કાલે એમ પણ કહી દે કે “બજારો ખુલ્યા છે, દુકાનો ખુલી છે, બસો ચાલી રહી છે, શાળા-કોલેજ ખુલા છે, લોકોની ચહલપહલ છે…હોટલોમાં જગ્યા મળતી નથી, ચહેરા પર મુસ્કાન છે…. બધુ જ મંગળ …મંગળ છે તો મંદી ક્યાં છે ભાઇસાબ….”? ઔર ફિર વો હી ડાયલોગ- યે સરકાર કો બદનામ કરને કી વિપક્ષ કી ચાલ હૈ….! પત્યુ. વાત પૂરી. પછી “પૂરી” મિડિયા એમ જ લખે- કહાં હૈ મંદી….? કલતક થી…આજતક નહીં….!
વિપક્ષમાં હોય તો સામેવાળાની સરકારમાં બધુ જ ખરાબ. ફુલગુલાબી તેજી હોય તો ય બધુ મંદી મંદી જ કહે.પેટ્રોલ-ડિઝલ-ગેસના ભાવ વધે તો કછોટા વાળીને સડકો પર બેસી જાય રાંધણગેસના બાટલા લઇને. અને પોતે સરકારમાં આવે ત્યારે બંડી ઠઠારીને કેમેરા સામે વટભેર એમ કહે- જુઓ ભાઇ..એમાં એવું છે ને કે દેશનો વિકાસ કરવો હોય તો પેટ્રોલના ભાવ વધે તે જરૂરી છે….! સુવિધા જોઇતી હોય તો ટેક્સ તો ભરવો જ પડે ન….!
સવાલ એ છે કે તો પછી સરકાર કોના માટે…? લોકો બિચ્ચારા ટેક્સ ભરતાં ભરતાં કેડ વાંકી થઇ જાય તો ય ટોલ પ્લાઝાએ ટોલ ટેક્સ તો આપવાનો. અને હવે તો વળી ફાસ્ટટેગનું ડિંડક આવી રહ્યું છે 1 ડિસેમ્બરથી. ટોલ ટેક્સ રોકડા ભરવા હોય તો ડબલ ભરવો પડશે, નહીંતર ઓનલાઇન થઇ જાવ….!
ભોળા ભોળા મંત્રીઓના આવા ખોટા ખોટા નિવેદનો બીજુ કાંઇ નથી પણ મોંઘવારીથી ઘાયલ લોકોના ઘા પર ટાટાનું નમક મસ્ત રીતે છાંટવાનું કૃત્ય જ કહી શકાય. જો કે ટાટા કંપનીએ ભાજપને ચૂંટણીઓ વખતે 356 કરોડનું દાન કેમ આપ્યું તે એક અલગ વાત છે. પણ મંદીની વ્યાખ્યા નક્કી કરે સરકાર.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.