Home ગુજરાત ઉત્તર ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાંચ – રૂશ્વત વિરોધી દિવસ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાંચ – રૂશ્વત વિરોધી દિવસ યોજાયો: ગૃહમંત્રીશ્રીની ઉપસ્થિતિ

10
0

(જી.એન.એસ) તા.૯

શાળાઓમાં એ.સી.બી દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ, ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં સામે આવી ફરિયાદ કરનાર ફરિયાદીઓ, ફરિયાદીને ન્યાય અપાવનાર સરકારી વકીલ અને એ.સી.બીના અધિકારીઓનુ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પોતાના હક્કની બહારનું વધારાનું મેળવવાના શોર્ટકટ શોધનારા નૈતિકતા ગુમાવી ભ્રષ્ટ – આચારથી ભ્રષ્ટાચારને પોષે છે આવું વાતાવરણ તોડવા મજબૂતી અને મક્કમતા નિર્ધાર થી ભ્રષ્ટાચાર સામેની લડાઈ વધુ તે જ બનાવીએ ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કરપ્શન સામેની લડાઈ લડવામાં પાછા ના પડશો. રાજ્ય સરકાર તમારી પડખે રહેશે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ  ક્હ્યું હતું લાંચ રૂશ્વત એટલે માત્ર એક શબ્દ નહીં, પરંતુ તે આપણાં સમાજમાં વિકાસના માર્ગ ઉપર રહેલું એક મોટું અવરોધ છે સમાજના ગરીબ અને સામાન્ય વર્ગના નાગરિકોને ન્યાય અપાવવાનું અને માનવતાનો ધર્મ અદા કરવાનું કાર્ય એસીબી કરી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરપ્શન વિરુદ્ધની લડાઈમાં દ્રઢ મનોબળ અને મજબૂતી સાથે આગળ વધવાનું આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારમાં બે શબ્દો છે ભ્રષ્ટ અને આચાર જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હક્કની બહારનું અને જરૂરિયાત કરતા વધારાનું મેળવવાના શોર્ટકટ શોધે ત્યારે નૈતિકતા ગુમાવે છે અને ભ્રષ્ટાચારને પોષે છે. આપણે આ જે વાતાવરણ બન્યું છે તેને તોડવું પડશે અને મજબૂતીથી મક્કમ નિર્ધારથી ભ્રષ્ટાચાર સામેની લડાઈ તેજ બનાવવી પડશે. મુખ્યમંત્રીશ્રી આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસે ગાંધીનગરમાં રાજ્ય સરકારના લાંચરુશ્વત વિરોધી બ્યુરો દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. ભ્રષ્ટાચાર – લાંચરુશ્વતની બદી સામે અવાજ ઉઠાવીને ભ્રષ્ટાચાર આચરનારા રુશ્વત માંગનારા અધિકારીઓ – કર્મચારીઓને જબ્બે કરવામાં ACBને સહાયક બનેલા સામાન્ય નાગરિકો એવા ૧૦ જેટલા ફરિયાદીઓનું CARE અંતર્ગત સન્માન પણ મુખ્યમંત્રીશ્રીએ ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ શ્રી રાજકુમારની ઉપસ્થિતિમાં કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સામાન્ય માનવીની ભાગીદારી જોડવા આપેલી પ્રેરણા અનુસાર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ૨૦૨૪થી આ CARE પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ  ફરિયાદ આપનારા ફરિયાદીને કોઈ હેરાનગતિ ન થાય તે માટે યોગ્ય સુરક્ષા, સહાયતા પૂરી પાડવા સાથે ફરિયાદીનો રૂબરૂ સંપર્ક કરી વિગતો, સૂચનો મેળવીને તેની રજૂઆતોના અનુસંધાને નિવારણ પણ લાવવામાં આવે છે. આ CARE પ્રોગ્રામ અન્વયે ૧૮૬૪ ફરિયાદીનો રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આવા ફરિયાદીઓ પાસેથી મળેલા ૧૭૫ સૂચનો અને ૭૨ જેટલી રજૂઆતો મેળવીને ૨૩ જેટલા કેસમાં નિરાકરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે CARE અંતર્ગત ફરિયાદ કરનારા નાગરિકોને તેમની જાગરૂક્તા અંગે પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં એક મોટો બદલાવ આવ્યો છે. જો લોકોનું ભલું કરવાની ઈચ્છાશક્તિ હોય તો એક વ્યક્તિ કેવા સારા પરિણામો લાવી શકે તેનું દેશ સમક્ષ આ એક મોટું ઉદાહરણ છે તેમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાનશ્રીએ દેશને ૧૧મી આર્થિક મહાસત્તાથી પાંચમા ક્રમે લાવી દીધો છે અને હવે વિકસિત ભારત @ ૨૦૪૭ અન્વયે ભારતને ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવવાનો તેમનો સંકલ્પ છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દેશમાં જ્યારે આવો મોટો બદલાવ આવ્યો છે ત્યારે કરપ્શનનો અવરોધ દૂર કરવાના સહિયારા પ્રયાસો પણ એટલા જ જરૂરી છે. શ્રી ભૂપેન્દ્ર પટેલે એન્ટીકરપ્શન બ્યુરોના રાજ્યભરના અધિકારીઓ – કર્મચારીઓને પ્રેરણા આપતા ઉમેર્યું કે ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કરપ્શન સામેની લડાઈ લડવામાં પાછા ના પડશો. રાજ્ય સરકાર તમારી પડખે રહેશે. મુખ્યમંત્રીશ્રીએ ધર્મ અને કર્મનો મર્મ સચોટતાથી સમજાવતા કહ્યું કે, આપણાં ધર્મ, સંસ્કૃતિ, સંપ્રદાય બધામાં નકારાત્મકતાથી બહાર આવી પોઝિટિવિટીથી જીવન જીવવાની વાત કહી છે. નિજાનંદમાં અને સુખમાં રહેવું હોય તો નૈતિકતા પૂર્ણ આચરણ વ્યવહારને એવી રીતે અપનાવીએ કે રાત્રે નિરાંતની નિંદ્રા લઈ શકાય એમ પણ તેમણે ફરજનિષ્ઠા, કર્તવ્યપાલનમાં નૈતિકતાનો સંદર્ભ આપતા ઉમેર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટીમ ACBની ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના સામાન્ય નાગરિકોને પોતાનો હક્ક અને ન્યાય અપાવવા લાંચ રૂશ્વત વિરુદ્ધ  લડાઈ લડી રહેલી એન્ટી કરપ્શન બ્યુરોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે, લાંચ રૂશ્વત એટલે માત્ર એક શબ્દ નહીં, પરંતુ તે આપણાં સમાજમાં વિકાસના માર્ગ આડે રહેલો એક મોટો અવરોધ છે. જે ન્યાય, સમાનતા અને પારદર્શકતાના મૂલ્યોની સાથે-સાથે નાગરિક હિતોને પણ નુકસાન પહોંચાડે છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જ્યારથી મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમને ખુલ્લા હાથની છૂટ મળી છે. તેના પરિણામે ગુજરાતમાં સૌથી વધુ લાંચિયા અધિકારી-કર્મચારીઓને ગંગાજળ પીવડાવવાનો શ્રેય પ્રાપ્ત થયો છે. એસીબીની કામગીરીની પ્રશંસા કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, સમાજના ગરીબ અને સામાન્ય વર્ગના નાગરિકોને ન્યાય અપાવવાનું અને માનવતાનો ધર્મ અદા કરવાની કાર્ય એસીબી કરી રહી છે. એસીબી સુધી ફરિયાદ કરવા પહોંચેલો પ્રત્યેક નાગરિક અનેક પીડાઓ સહન કર્યા બાદ ચોક્કસ વિશ્વાસ સાથે એસીબી સુધી પહોંચતો હોય છે. ત્યારે તેના વિશ્વાસ અને મનોબળને વધુ મજબૂત બનાવવા કોઈ પણ ભેદભાવ વિના કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે. જેને ગુજરાત એસીબીની ટીમ નિષ્ઠાપૂર્વક કરી રહી છે. મંત્રી શ્રી સંઘવીએ આ પ્રસંગે નાગરિકોને વિશ્વાસ અપાવ્યો હતો કે, ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ હજુ વધુ મજબૂતાઈથી કામ કરશે અને સામાન્ય નાગરિકોને વધુને વધુ ન્યાય અપાવી ભ્રષ્ટાચારીઓને કડક સજા અપાવશે.એન્ટી કરપ્શન બ્યુરોના નિયામક શ્રી શમશેર સિંઘે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ  ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવીને ભ્રષ્ટાચારી અધિકારી-કર્મચારીઓને પકડીને ફરિયાદીને ન્યાય અપાવ્યો છે. રાજ્યમાંથી ભ્રષ્ટાચારને અટકાવવા એસીબી દ્વારા કેર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત એ. સી. બી દ્વારા ૧૮૬૪થી વધુ ફરિયાદીનો રૂબરૂ સંપર્ક કરી ફરિયાદી પાસેથી સૂચનો અને રજૂઆતો મેળવવામાં આવી છે. કેર પ્રોગ્રામથી પ્રેરિત થઈને એ.સી.બીના ફરિયાદીઓ ફરિયાદ કરવા પુનઃ પ્રોત્સાહિત થયા જેને પરિણામે નવી ફરિયાદો દાખલ કરવામાં સફળતા મળી છે. એસીબી દ્વારા ફાઇનાન્શિયલ ટાસ્ક ફોર્સની રચનાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની શાળાઓમાં એ.સી.બી દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારા વિદ્યાર્થી- વિધાર્થીનીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં સામે આવી ફરિયાદ કરનાર ફરિયાદીઓ તેમજ ભ્રષ્ટાચાર વિરુદ્ધના કેસો કોર્ટમાં લડીને ફરિયાદીને ન્યાય અપાવનારા સરકારી વકીલ તથા ભ્રષ્ટાચાર વિરુદ્ધ સારી કામગીરી કરનારા એ.સી.બીના અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરી તેમની કામગીરી બિરદાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગૃહ વિભાગના અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, વિઝલન્સ કમિશનર શ્રી સંગીતા સિંઘ, એન.એફ.એસ.યુના વાઇસ ચાન્સેલર ડૉ.જે.એમ.વ્યાસ તેમજ ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સાથે જોડાયેલા અધિકારી-કર્મચારીશ્રીઓ, વિધાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field