(G.N.S) dt. 8
અમદાવાદ,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ગોતા ખાતે શ્રી રાજપૂત વિદ્યાસભા-ગુજરાત દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યાં હતાં. ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, દરેક સમાજને સાથે લઈને આગળ વધીએ તો સામાજિક એકતા થકી રાજ્ય અને દેશને વિકાસના માર્ગે આગળ વધારી શકાય છે. રાજપૂત વિદ્યાસભા સંસ્થા શિક્ષણ, યુવા જાગૃતિ, સામાજિક ઉત્થાન, સ્ત્રી સશક્તીકરણ સહિતના વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહી છે. જ્યારે પણ સમાજો અને સામાજિક સંસ્થાઓ સમાજ સુધારણા અને સામાજિક જાગૃતિ માટે કાર્ય કરી રહી હોય, ત્યારે રાજ્ય સરકાર પણ સહયોગ માટે પ્રતિબદ્ધ રહે છે.
મુખ્યમંત્રીશ્રીએ સામૂહિક લગ્નોત્સવ જેવા કાર્યક્રમોમાં વધુને વધુ લોકો અને વધુને વધુ સમાજો જોડાઇને સામાજિક ઉત્થાનમાં પોતાનું યોગદાન આપે, એમ જણાવીને સૌને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સંકલ્પમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે જણાવ્યું હતું કે ૧૯૬૪માં સ્થપાયેલી રાજપૂત વિદ્યાસભા સંસ્થા અનેક સામાજિક અને લોકજાગૃતિનાં કામો કરીને સામાજિક એકતા જાળવી રાખવા માટે મહત્ત્વનું કાર્ય કરે છે. આજે પ્રભુતામાં પગલાં પાડી રહેલાં ૩૦ દંપતીઓને આશીર્વાદ આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે આજે નવયુગલોને આશીર્વાદ પાઠવવા આખો સમાજ પધાર્યો છે, સમૂહ લગ્નો અને સામૂહિક કાર્યક્રમોની આ વિશેષતા છે.
આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે આજના સામૂહિક લગ્નોત્સવમાં પટેલ સમાજે પણ પોતાનું યોગદાન આપીને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યાં છે. આજે રાજ્યમાં સામાજિક સમરસતા થકી દરેક સમાજને સાથે લઈને આગળ વધવાનું વાતાવરણ જોવા મળે છે, જે ગર્વની વાત છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ તથા ધવલસિંહ ઝાલા, પૂર્વમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ સહકારિતા સેલના અધ્યક્ષ શ્રી બીપીનભાઈ પટેલ, રાજપૂત વિદ્યાસભા સંસ્થાના આગેવાનો – સભ્યો, રાજવી પરિવારના સભ્યો, વિવિધ સમાજના આગેવાનો, સંતો-મહંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.