Home ગુજરાત ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી સતત ત્રીજા દિવસે વીડિયો...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી સતત ત્રીજા દિવસે વીડિયો કોન્ફરન્સ યોજી

20
0

(જી.એન.એસ) તા. 28

ગાંધીનગર,

મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લો, દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લાઓમાં પાણીમાં ફસાયેલા લોકો માટે રાહત કામગીરીને અગ્રિમતા આપવા તાકીદ કરી હતી. વડોદરામાં  બચાવ-રાહત કામગીરીનું માર્ગદર્શન કરી રહેલા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ પૂરની તથા લોકોના ઘરોમાં પાણી ભરાવાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિથી મુખ્યમંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, પૂરમાં જે લોકો ફસાયેલા છે તેમને પાણી ઓસરતા સુધી ફૂડ પેકેટ, પીવાના પાણીના પાઉચ તેમજ આરોગ્યરક્ષક દવાઓ પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકારની પ્રાયોરિટી છે. એટલું જ નહિ, અસરગ્રસ્ત જિલ્લાઓમાં જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે તેને પણ ત્વરાએ પૂર્વવત કરવામાં આવી રહ્યો છે. પાણી ઓસરે એટલે તુરંત જ કાંપ, માટી, પાણી સાથે ઢસડાઈને આવેલા ઝાડી-ઝાંખરા, પાન વગેરે દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી રાજ્ય સરકાર ઉપાડશે. જંતુનાશક દવાઓના છંટકાવ દ્વારા રોગચાળો ફેલાતો અટકાવવાના ઉપાયો પણ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આવતીકાલ ગુરૂવાર સવારથી જ આ બધી કામગીરી ક્રમશઃ શરૂ કરી દેવાના અને જનજીવન ઝડપથી પૂર્વવત કરવાના ઉપાયો માટે સ્પષ્ટ સૂચનો કર્યા હતા. વડોદરા શહેર અને જિલ્લા માટે સુરત, આણંદ, ખેડા, ભરૂચ, છોટાઉદેપુર અને અમદાવાદથી મોટી સંખ્યામાં ફૂડ પેકેટ તથા પીવાના પાણીના પાઉચ પહોંચાડવા તેમણે આ જિલ્લાના વહીવટી તંત્રોને સૂચના આપી હતી.

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રાજકોટ તથા સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જ્યાં વરસાદનું જોર ઘટી ગયું છે કે અટકી ગયો છે ત્યાંથી આવી સામગ્રી અને સાધનો મોબિલાઇઝ કરાશે. વડોદરામાં પૂરના પાણી ભરાયા છે તે ઓસરવાની શરૂઆત થાય કે તુર્ત જ જરૂરી સાફ-સફાઈ માટે શહેરી વિકાસ વિભાગ અને નગરપાલિકા નિયામક દ્વારા સંકલન કરીને અમદાવાદ મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા, ભરૂચ તથા આણંદ નગરપાલિકાની ટીમ સફાઈ સાધનો અને જંતુનાશક દવાઓ સાથે કાર્યરત થઈ જશે તેની પણ બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં પાણીજન્ય કે વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની તબીબી ટીમ સુરત, ભાવનગર, ગાંધીનગર અને રાજકોટથી જરૂરી દવાઓ સાથે મોકલવા સૂચના આપી હતી. તેમણે વરસાદથી અસરગ્રસ્ત બધા જ જિલ્લાઓમાં કેશડોલ્સ અને ઘરવખરી સહાયની ચુકવણીની કામગીરી પણ તાકીદે હાથ ધરવાનું માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા શહેરમાં હજુ પણ પૂરના પાણીની સ્થિતિ યથાવત છે અને જનજીવનને અસર પહોંચી છે તે સંજોગોમાં આણંદ, નર્મદા, સુરેન્દ્રનગર અને વલસાડથી એન.ડી.આર.એફ.ની પાંચ વધારાની ટીમ તથા આણંદ ખેડા અને ગાંધીનગરથી આર્મીની ૪ કોલમ સ્થાનિક તંત્રને સહાયરૂપ થવા મોબિલાઇઝ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ અને સુરતથી રેસ્ક્યુબોટ પણ વડોદરા પહોંચશે. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની વરસાદી સ્થિતિની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ જે લોકો પાણીમાં હજુ ફસાયેલા છે તેમના સ્થળાંતર માટે એરફોર્સ તથા કોસ્ટ ગાર્ડની મદદ લઈ તેમને રેસ્ક્યુ કરવાની વ્યવસ્થાઓનું સંકલન કરવા જિલ્લા કલેક્ટરોને તાકીદ કરી હતી. તેમણે સેવાભાવી સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે ફૂડ પેકેટ તેમજ જરૂરી ખાદ્ય સામગ્રી અસરગ્રસ્તોને પહોંચાડવા માટે તૈયાર કરે તેના વિતરણ માટે પણ યોગ્ય પ્રબંધ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય હવામાન વિભાગે આગામી ૪૮ કલાક સુધી રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરી છે તે સંદર્ભમાં આ વિસ્તારોના કલેકટરોને પણ સતર્ક અને સજ્જ રહેવા મુખ્ય સચિવશ્રી રાજકુમારે આ બેઠક દરમિયાન જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રીઓ શ્રી પંકજ જોષી, એમ. કે. દાસ તેમજ મહેસૂલ, ઊર્જા, આરોગ્ય, સિંચાઈ, માર્ગ-મકાન સહિતના સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article29 ઓગસ્ટ: નેશનલ સ્પોર્ટ્સ ડે
Next articleઆજનું પંચાંગ (29/08/2024)