(જી.એન.એસ) તા. 18
અમદાવાદ,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બાંધકામ શ્રમિકો સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ અને આર્થિક આધાર ઉપલબ્ધ કરાવીને તેમના જીવન ધોરણમાં ગુણાત્મક બદલાવ લાવવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશના વિકાસ અને પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડનારા પાયાના શ્રમિકોનું સર્વગ્રાહી કલ્યાણ એ સરકારોનું દાયિત્વ છે. મુખ્યમંત્રીશ્રી રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉપક્રમે રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું અમદાવાદમાં ભૂમિભૂજન કરતા સંબોધી રહ્યા હતા. આ શ્રમિક બસેરા તૈયાર થતાં અંદાજે ૧૫ હજારથી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે. આગામી ત્રણ વર્ષમાં ૧૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૩ લાખ જેટલા બાંધકામ શ્રમિકો માટે સુવિધાયુક્ત હંગામી આવાસ-શ્રમિક બસેરા ઉભા કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જગતપુર ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું ભૂમિપૂજન શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યું હતું. તેમણે આ અવસરે જણાવ્યું કે, મોટા બિલ્ડીંગ, ઈમારત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો માટે જરૂરી ફેક્ટરીઝ એમ દરેક નિર્માણને પોતાના પરસેવાથી સિંચતા બાંધકામ શ્રમિકોને પોતાનું આશ્રય સ્થાન મળે તેની ચિંતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે.
પંડિત દીન દયાળ ઉપાધ્યાયના ‘હર હાથ કો કામ, હર હાથ કા સન્માન’ના મંત્રને સાકાર કરતાં ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના આવા બાંધકામ શ્રમિકોને મૂળભૂત સુવિધાઓ સાથે કામચાલાઉ આવાસ શ્રમિક બસેરાથી મળશે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, બાંધકામ શ્રમિકોને આવાસ સાથે આહાર મળે તે માટે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના રાજ્ય સરકારે શરૂ કરી છે. આવા શ્રમિકોને માત્ર પાંચ રૂપિયાના રાહત દરે રાજ્યભરમાં ૨૯૦ થી વધુ શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્ર પરથી ગરમ અને પૌષ્ટિક ભોજન અપાય છે. અત્યાર સુધીમાં ૨ કરોડ ૫૪ લાખ ભોજન વિતરણ થયું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શ્રમિક ૬૦ વર્ષની વયે પહોંચે અને વયના કારણે કામકાજ કરવા શક્તિમાન ન રહે તો પણ તેના નિર્વાહ માટે દર મહિને 3000 રૂપિયા જેટલી પેન્શન રકમ પી.એમ. શ્રમયોગી માન ધન યોજના અન્વયે મળે છે. રાજ્યમાં ત્રણ લાખથી વધુ શ્રમિકોને આ યોજનાઓનું કવચ મળેલું છે. તેમણે આ અવસરે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓના મળીને ૨૮ લાભાર્થીઓને ૬.૮૦ લાખ રૂપિયાની સહાયનું વિતરણ પણ કર્યું હતું. શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના દરેક શ્રમિકની ચિંતા કરી છે. જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર શ્રમિકોની સુવિધાઓમાં સતત વધારો કરી રહી છે. સરકારની આ કાર્યપ્રણાલીને આગળ વધારતા આજે ૧૭ સાઈટ પર હંગામી આવાસના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, શ્રમિકોના અન્ન, આરોગ્ય અને આહારની ચિંતા કરતી રાજ્ય સરકારનું આગામી સમયમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ વધુ ૧૦૦ કેન્દ્રો ખોલવાનું આયોજન છે. ઉદ્યોગોની સ્થાપના સાથે ઉદ્યોગોને અનુરૂપ કૌશલ્ય નિર્માણ માટે ‘કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી’ પણ કાર્યરત છે. આમ, ઉદ્યોગ માટે સર્વ પ્રકારે અનુરૂપ વાતાવરણથી વિદેશી રોકાણ અને રોજગાર ક્ષેત્રમાં ગુજરાત દેશમાં મોખરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
સ્વાગત પ્રવચન કરતાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અંજુ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ શ્રમિક ભાઈ-બહેનોને ખૂબ જ ઓછા દરે રહેવા માટે ભાડાના આવાસ મળી રહે તે માટે ‘શ્રમિક બસેરા યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો તથા તેઓના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે, લાભાર્થી શ્રમિકના ૦૬ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે કોઇ ભાડું લેવામાં આવશે નહીં. વધુમાં વાત કરતા અધિક મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે, આગામી ૩ વર્ષમાં ૩ લાખ જેટલા શ્રમિકો માટે આવાસ સુવિધા ઊભી કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. યોજના અંતર્ગત શ્રમિકોને કડિયાનાકાના ૧ કિમી જેટલા વિસ્તારમાં રહેઠાણ પૂરા પાડવામાં આવશે. આવસોમાં પાણી,રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઈટ, સિક્યોરિટી, મેડિકલ ફેસિલિટી, ઘોડિયાઘર સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે, એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક બસેરા યોજનાના માધ્યમથી અંદાજે કુલ ૧૫૦૦૦ બાંધકામ શ્રમિકોને યોજનાનો લાભ મળવાનો અંદાજ છે.
શ્રમિક બસેરા યોજનાના લોન્ચ કરવામાં આવેલા પોર્ટલ દ્વારા સમગ્ર યોજનાનો પારદર્શી વહીવટ કરવામાં આવશે. આ પોર્ટલના માધ્યમથી કેન્દ્રિયકૃત રીતે શ્રમિકોને આવાસની જગ્યાની ફાળવણી કરવામાં આવશે.
શ્રમિક બસેરા યોજનાના ખાતમુર્હૂત અને પોર્ટલ લોન્ચિંગ પ્રસંગે અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, શ્રમ આયુક્તશ્રી અનુપમ આનંદ, જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે., રોજગાર અને તાલીમ વિભાગના નિયામક સુશ્રી ગાર્ગી જૈન, AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી સહિત કોર્પોરેશનના સત્તાધીશો, શહેરના કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.