Home ગુજરાત ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 9 માર્ચના રોજ અંદાજિત ₹1500 કરોડની નમો લક્ષ્મી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 9 માર્ચના રોજ અંદાજિત ₹1500 કરોડની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ કરાવશે

24
0

રાજ્યની કન્યાઓને ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરવાનું પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવશે

ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી કરવામાં આવશે

(જી.એન.એસ),તા.૦૮

ગાંધીનગર,

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે, જેને પૂર્ણ કરવાના ઉદ્દેશથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદ્રઢીકરણ કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 9 માર્ચના રોજ શિક્ષણ ક્ષેત્રે અંદાજિત ₹1500 કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરશે. આ યોજનાઓમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.  અમદાવાદની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે મુખ્યમંત્રીશ્રી દ્વારા આ બંને યોજનાઓનો પ્રારંભ કરાવવામાં આવશે. ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમંત્રી શ્રી કુબેર ડિંડોર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

નમો લક્ષ્મી યોજનાની વિગતો

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે ઉદ્દેશથી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને નમો લક્ષ્મી યોજના અંતર્ગત ₹50,000ની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યની સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 10 લાખ કન્યાઓને આપવામાં આવશે. આ યોજનાથી ધોરણ 9 થી 12 માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે અને સાથે તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યા સશક્તિકરણ થશે. નમો લક્ષ્મી યોજના માટે ગુજરાત બજેટ 2024-25માં અંદાજિત ₹1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના

વર્ષ 2024-25થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે. વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂ.25,000ની સહાય ચૂકવવામાં આવશે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ગુજરાત બજેટ 2024-25 માં ₹250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાના કારણે દર વર્ષે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 15 લાખ વિદ્યાર્થીઓને સીધા DBT (Direct Beneficiary Transfer)થી નાણાકીય સહાયનો લાભ મળશે. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાના શુભારંભની સાથે-સાથે જ્ઞાનસેતુ મેરિટ સ્કૉલરશિપ, જ્ઞાનસાધના મેરિટ સ્કૉલરશિપ, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એક્સલન્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સ હેઠળ 60,000થી વધુ વિદ્યાર્થીઓને અંદાજિત ₹61 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવશે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા માટે અને પ્રાથમિક શિક્ષણ રાજ્યના ખૂણે-ખૂણે પહોંચે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. શાળાકીય શિક્ષણ માટેની કુલ બજેટ જોગવાઇ છેલ્લા પાંચ વર્ષમાં બમણાથી વધુ કરવામાં આવી છે. આ બંને યોજનાઓ શરૂ થવાથી રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણમાં, તેમાં પણ ખાસ કરીને કન્યાઓના શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધાર થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહાત્મા મંદીર ખાતે આવતી કાલે તા.૦૯મી માર્ચે “યુવા સાંસદ – ૨૦૨૪” કાર્યક્રમનું આયોજન
Next articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરમાં અનુસૂચિત જાતિ સહકારી મહા અધિવેશનનું ૧૦ માર્ચે ઉદગાટન કરશે