ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટની સુવિધા વધુ સુદ્રઢ થશે
(જી.એન.એસ) તા. 3
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાને સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP) તથા તેને સંલગ્ન ગંદા પાણીના વ્યવસ્થાપનના કામો, વરસાદી પાણીના નિકાલના નેટવર્કના કામો તથા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સહિતની કામગીરી માટે રૂ.૬૦૬.૩૪ કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ રકમમાંથી જાસપુર STP અને તેને સંલગ્ન કામો માટે રૂ.૨૪૫ કરોડ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાની હદ વિસ્તરણથી નવા સમાવિષ્ટ થયેલા ગામતળ તથા નવા ટી.પી. વિસ્તારોમાં આવા કામો માટે ૩૬૧.૩૪ કરોડ રૂપિયા ઉપયોગમાં લેવાશે.
ગાંધીનગરમાં સેક્ટર ૧ થી ૩૦ તેમજ બોરીજ, પાલજ, બાસણ, ધોળાકુવા, ઈન્દ્રોડા, આદિવાડા અને ગોકુળપુરા ગામોના ડ્રેનેજના પાણીના અંદાજે ૬૦ MLDની જથ્થાને સરગાસણ પંપિંગ સ્ટેશન ખાતે એકત્રિત કરીને જાસપુરમાં આવેલા ૭૬ MLDની કેપેસિટીના STPમાં મુખ્ય લાઈન મારફતે યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.
ગાંધીનગર મહાનગરપાલિકાનો વિસ્તાર વધવાથી વસ્તીની ગીચતા અને પાણીના વપરાશમાં વધારો થવાના પરિણામે વધારાનું ૨૨ MLD પાણી પણ સરગાસણથી જાસપુર જતી ડ્રેનેજ લાઈનમાં મોકલવામાં આવે છે.
આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાના કેટલાક ટી. પી. વિસ્તારો અને ખોરજ ગામ તેમજ ગુડા વિસ્તારનું વધારાનું ૨૭ MLD ડ્રેનેજનું પાણી અડાલજ પંપિંગ સ્ટેશનથી પંપિંગ દ્વારા જાસપુર STP જતી લાઈનમાં પંપ કરવામાં આવે છે.
આમ, જાસપુર STPની ૭૫ MLD ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટની કેપેસિટી સામે ૧૦૯ MLD ડ્રેનેજ વોટર જાસપુર STPમાં એકત્રિત થાય છે.
આ વધારાનું પાણી એકત્રિત થવાના પરિણામે જાસપુર STP, અદાણી કેમ્પસ, ખોરજ ગામ અને અડાલજ ત્રિમંદિર ક્લોવર લીફ ખાતે ઈનલેટ અને આઉટલેટની મેઈન લાઈન ઓવરફ્લો થતાં આ વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી ગ્રામ્ય વિસ્તારો, ખેતરો અને રોડ-રસ્તા પર ફરી વળવાની ઘટનાઓ બને છે.
એટલું જ નહિં, આવા પાણીથી આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફેલાવવાની પણ સંભાવનાઓ ઊભી થાય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આ સમગ્ર બાબત આવતા તેમણે પાટનગર ગાંધીનગરના વધતા વિકાસ વ્યાપને કારણે લોકોની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે તે હેતુસર આ અગત્યનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે હવે સરગાસણથી જાસપુર સુધીની ૧૧ કિલોમીટરની અને ૨૦ વર્ષથી વધુ સમયની ગ્રેવીટી મેઇન લાઈન પણ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજ્યના નગરો-મહાનગરો અને તેમાં સમાવિષ્ટ નવા વિસ્તારોના નાગરિકોને ઈઝ ઓફ લિવિંગ પૂરું પાડવાના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અભિગમને સાકાર કરતા આ નિર્ણયથી ગાંધીનગર અને આસપાસના વિસ્તારોની લાંબા સમયની સમસ્યાનો અંત હવે નજીકના ભવિષ્યમાં આવી જશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.