Home ગુજરાત ઉત્તર ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માછીમારોના વ્યાપક હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માછીમારોના વ્યાપક હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

24
0

માછીમારીની હોડીમાં વપરાતા હાઈસ્પીડ ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં ટ્રીપવાર મળવાપાત્ર ડિઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરાયો

રાજ્ય સરકારના આ હકારાત્મક નિર્ણયથી માછીમારોને ખર્ચમાં રાહત મળતા તેમનું આર્થિક ભારણ ઘટશે અને ઉત્પાદન વધશે: મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ

•             ૧ થી ૪૪ હોર્સપાવરની યાંત્રિક હોડીમાં ટ્રીપવાર મળવાપાત્ર મહત્તમ ડીઝલની મર્યાદા વધારીને ૩૦૦ લીટર કરાઈ

•             ૪૫ થી ૭૫ હોર્સપાવરની યાંત્રિક હોડીમાં ટ્રીપવાર મળવાપાત્ર મહત્તમ ડીઝલની મર્યાદા વધારીને ૬૦૦ લીટર કરાઈ

•             ૭૫ થી ૧૦૦ તેમજ ૧૦૧થી વધુ હોર્સપાવરની યાંત્રિક હોડીમાં ટ્રીપવાર મળવાપાત્ર મહત્તમ ડીઝલની મર્યાદા વધારીને ૪૨૦૦ લીટર કરાઈ

(જી.એન.એસ),તા.૦૯

અમદાવાદ

ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે, અને એટલે જ ગુજરાતમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે પણ વિકાસની પુષ્કળ સંભાવનાઓ રહેલી છે. રાજ્યના માછીમારો દરિયો ખેડીને માછીમારીમાં સારું ઉત્પાદન મેળવી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ માછીમારોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. યાંત્રિક હોડીમાં (બોટમાં) વપરાતા હાઈસ્પીડ ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં હોર્સપાવર દીઠ ટ્રીપવાર મળવાપાત્ર ડિઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા હેઠળ માછીમારીની ૨૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક હોડીમાં (બોટમાં) વપરાતા હાઈસ્પીડ ડીઝલ પર ૧૦૦ ટકા વેટ રાહત આપવાની યોજના અમલમાં છે.

આ યોજના અંતર્ગત માછીમારોને હોર્સપાવર દીઠ ટ્રીપવાર ડીઝલના જથ્થા પર વેટ રાહત આપવામાં આવે છે. હોર્સપાવર દીઠ ટ્રીપવાર મળવા પાત્ર ડીઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરવા મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યના માછીમારોને અગાઉ ૧ થી ૪૪ હોર્સપાવરની યાંત્રિક હોડીમાં ૨૫૦ લીટર ટ્રીપવાર મહત્તમ ડીઝલ અપાતું હતું, જેની મર્યાદા વધારીને ૩૦૦ લીટર કરાઈ છે. તેવી જ રીતે ૪૫ થી ૭૫ હોર્સપાવરની હોડીમાં ૫૦૦ લીટર ડિઝલના જથ્થમાં ૧૦૦ લીટરનો વધારો કરવામાં આવ્યો છે, જેથી ટ્રીપવાર ડીઝલના જથ્થાની મર્યાદા ૬૦૦ લીટર રહેશે. એ જ રીતે ૭૫ થી ૧૦૦ હોર્સપાવર તેમજ ૧૦૧થી વધુ હોર્સપાવરની હોડીના ડીઝલ જથ્થામાં ૨૦૦ લીટરનો વધારો કરી, ૪,૦૦૦ લીટરની જગ્યાએ નવો ટ્રીપવાર જથ્થો ૪૨૦૦ લીટર જથ્થો અપાશે.

મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું કે, મત્સ્યોદ્યોગ ખાતાના આ મહત્વપૂર્ણ નિર્ણયથી માછીમારો અને માછીમારી એસોસિએશનમાં આનંદની લાગણી છવાઈ જશે. અત્યારના સમયમાં માછીમારોએ માછીમારી માટે દરિયામાં ઘણા ઊંડે સુધી જવું પડતું હોય છે, અને એટલે જ તેમની ટ્રીપના દિવસોમાં પણ વધારો થયો છે. રાજ્યના વિવિધ માછીમારી એસોસિએશન દ્વારા જથ્થામાં વધારો કરવા અંગે મળેલી રજૂઆતોને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા આ હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી રાજ્યમાં માછીમારીના ઉત્પાદનમાં ચોક્કસપણે વધારો તો થશે જ અને સાથે સાથે માછીમારોને માછીમારીમાં થતા ખર્ચમાં પણ રાહત મળતા તેમનું આર્થિક ભારણ ઘટશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકર્ણાવતી ક્લબની ‘વિ વુમન એમ્પાવરમેન્ટ’ કમિટીને ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન મળ્યું
Next articleચીનમાં કપડાંને લઈને નવો કાયદો લાવવાની ચાલી રહી છે તૈયારીઓ?..