(જી.એન.એસ) તા. 21
બગદાણા,
ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે ભાવનગર જિલ્લાનાં બગદાણા ખાતે આવેલા ગુરુઆશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ઉપસ્થિત ભાવિકોના માનવમહેરામણે ‘બાપા સીતારામ’નાં મુખ્યમંત્રીશ્રીનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યુ હતુ. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સંતશ્રી બજરંગદાસબાપાનાં ગાદીસ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે પૂજા-અર્ચન કર્યા હતા અને બાદમાં બજરંગદાસબાપાનાં સમાધિસ્થળનાં દર્શન કર્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ ધ્યાનમંદિર અને મુખ્ય શિખરબદ્ધ મંદિરનાં દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શિખરબદ્ધ મંદિરનાં પગથિયા પરથી ભાવિકોનાં માનવમહેરામણને સંબોધન આપ્યુ હતુ.
તેમણે સમગ્ર રાજ્ય અને દેશને ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાનાં પવિત્ર અવસરે બજરંગદાસબાપાનાં ચરણોમાં શીશ નમાવવાની તક ખરેખર સૌભાગ્યપૂર્ણ છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે ગુરુઆશ્રમનાં દર્શન દરમિયાન તેમણે સૌનાં માંગલ્ય માટે પ્રાર્થના કરી છે, તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધીએ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુરુઆશ્રમનાં ટ્રસ્ટીમંડળ સાથે બેઠક કરી હતી આશ્રમની વેબસાઇટ bagdanatemple.org નું તેમનાં હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઇટ પર ઓનલાઇન દર્શન અને દાન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આ અવસરે ધારાસભ્ય સર્વેશ્રી શિવાભાઇ ગોહિલ, ગૌતમભાઇ ચૌહાણ, ભીખાભાઇ બારૈયા, જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી. એચ. સોલંકી, પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ, પ્રાંત અધિકારીશ્રી ઇશિતા મેર, આગેવાનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, આગેવાનશ્રી ભરતભાઇ મેર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુરુઆશ્રમ તરફથી ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ સાગર,શ્રી ધીરુભાઈ બાબરીયા, શ્રી રણજીતસિંહ ચમારડી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી નિલેશભાઈ ડોડીયા, શ્રી વિનોદભાઈ ગુજરાતી, શ્રી રસિકભાઈ સાગર, શ્રી જનકભાઈ કાછડીયા ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.