ઉત્તરપ્રદેશના બરેલીમાં વાતવાતમાં એક યુવકે મિત્રો પાસે એક અજબ શરત લગાવી દીધી હતી. તેણે 500 રૂપિયાની શરત લગાવીને કહ્યું કે, તે રેલ્વે મંડળની ઓફિસમાં જઈને સહાયક વાણિજ્ય પ્રબંધક (ACM)ને થપ્પડ મારી શકે છે. ત્યારબાદ તે યુવક તરત જ ACM પાસે ગયો અને રેલ્વે અધિકારીને તરત જ થપ્પડ ઝીંકી દીધો. આરોપીની આ પ્રકારની હરકતથી ઓફિસમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટના બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ પોતાનું નામ ધિરેન્દ્ર ગંગવાર જણાવ્યું છે અને તે લિંકર એનક્લેવ ઈજ્જતનગરનો રહેવાસી છે. આરોપી સામે સરકારી કામકાજમાં અડચણ ઊભી કરવા, ધમકી આપવા તથા અન્ય ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઈજ્જતનગર રેલ્વે મંડળના સહાયક વાણિજ્ય પ્રબંધકનું નામ મુકેશ કુમાર છે. આરોપી સામે ઈજ્જતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ACM મુકેશ કુમાર સોમવારે 3:45 વાગ્યાની આસપાસ ઓફિસમાં બેઠા હતા. તે દરમિયાન અચાનક એક યુવક તેના રૂમમાં આવી ગયો અને ACM મુકેશ કુમાર પર હુમલો કરીને લાફો મારી દીધો હતો. ત્યારબાદ તેને ધમકી આપી અને તેમની સાથે મારપીટ કરવા લાગ્યો.
ઓફિસમાં શોરબકોર થતા ઓફિસના કર્મચારીઓએ હુમલાખોર ધિરેન્દ્ર ગંગવારની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ કરવામાં આવતા હુમલાખોરે પોતાનું નામ ધિરેન્દ્ર ગંગવાર જણાવ્યું છે.
ઓફિસના કર્મચારીઓએ હુમલાખોરને પોલીસને હવાલે કરી દીધો હતો. પૂછપરછમાં આરોપીએ પોતાનો આરોપ સ્વીકાર કરતા જણાવ્યું કે, તેણે કોલોનીમાં રહેતા મિત્ર રવિ અને મનોજ સાથે લાફો મારવાની શરત લગાવી હતી.
હુમલાખોર ધિરેન્દ્ર ગંગવારે જે સમયે થપ્પડ માર્યો તે સમયે દારૂના નશામાં ધુત્ત હતો. પોલીસે આરોપીને પૂછ્યું કે, તેણે કોની સાથે મારપીટ કરી? તો તેના જવાબમાં આરોપીએ કહ્યું હતું કે, તેને આ વાતની જાણકારી પણ નહોતી.
માનવામાં આવી રહ્યું છે કે, તેના મિત્રોએ પ્લાન બનાવીને આ હરકત કરાવડાવી હતી. ઈજ્જતનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંજય કુમારે જણાવ્યું કે, આરોપીના મિત્રો વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.