Home હર્ષદ કામદાર માત્ર મીડિયા પ્રસિદ્ધિ માટે શ્રીદેવીનાં નિધને દાઉદ સાથે જોડવું યોગ્ય નથી સ્વામીજી…

માત્ર મીડિયા પ્રસિદ્ધિ માટે શ્રીદેવીનાં નિધને દાઉદ સાથે જોડવું યોગ્ય નથી સ્વામીજી…

680
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.28
સમગ્ર દેશમાં જ્યારે પણ કોઈ મોટી ઘટના કે દુર્ઘટના બને છે ત્યારે એક વ્યક્તિ તેના વિશે અવશ્ય પ્રતિક્રિયા આપે છે. તાજેતરમાં ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયું ત્યારે આ વ્યક્તિ એટલે ભાજપના સિનિયર સંસદસભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ તેમનાં નિધનને હત્યા ગણાવી અને બોલિવૂડની અભિનેત્રીઓનો દાઉદ ઇબ્રાહિમ સાથે શું સંબંધો છે તે જાહેર કરવા માંગણી કરી હતી. તેમની આ પ્રકારની પ્રતિક્રિયા અને એક દુઃખદ પ્રસંગને દાઉદ સાથે જોડવાની ચેષ્ટા કે કુચેષ્ટાથી વિવાદ જાગ્યો છે. સવાલ એ છે કે શું ભાજપના આ આખાબોલા સાંસદ મૌન ન રહી શક્યા હોત? જો તેમની પાસે એવી કોઈ માહિતી હોય કે અભિનેત્રીઓ દાઉદ અને એની ગેન્ગ સાથે સંકળાયેલી છે તો તે ગોપનીય માહિતી ભારત સરકારને આપવી જોઇએ જેથી ભવિષ્યમાં બીજી કોઈ શ્રીદેવીનાં નિધન પ્રત્યે આવો કોઈ વિવાદ ન સર્જાય. દરેક ક્ષેત્રમાં દરેક વખતે આવા વિવાદી નિવેદનો આપવાથી મીડિયામાં રહેવાય છે પરંતુ તેનાથી ભાજપ સંગઠન અને ખુદ આ વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે.
ભાજપના આ સાંસદ વરિષ્ઠ ધારાશાસ્ત્રી પણ છે. ખૂબ જાણકાર અને વિદ્વાન ગણાય છે. વિદેશની શૈક્ષણિક સસ્થાઓમાં ભણાવવા જાય છે. પરંતુ દરેક વખતે આ પ્રકારના નિવેદન આપવાથી તેની નોંધ ભલે લેવાતી હોય પરંતુ વર્તમાન કિસ્સામાં જોઇએ તો તેમણે એક અભિનેત્રીના નિધનને વિશ્વના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદની સાથે સંબંધો દર્શાવીને એક રીતે દાઉદ ને પ્રસિદ્ધિ આપવાનું પણ કામ કર્યું છે. ભારતમાં સંખ્યાબંધ બોમ્બ ધડાકાઓ કરીને પાકિસ્તાનમાં આશ્રય લઇ રહેલા દાઉદને પકડવા માટે ભારત સરકારે વિદેશમાં પોતાની જાળ પાથરેલી છે. આજે નહીં તો તે ચોક્કસપણે ભારતની એજન્સીઓના હાથમાં લાગશે પરંતુ તે પહેલા આ પ્રકારના વિવાદી નિવેદનો કરીને એક એવી કુખ્યાત વ્યક્તિને શા માટે બિનજરૂરી પ્રસિદ્ધિ આપે છે. શું તેમણે દાઉદને આ રીતે ફોકસમાં રાખવાની કોઈ સોપારી તો નથી લીધી ને, એવો જો કોઈ પ્રશ્ન કરે તો તેમાં જરાય અતિશયોક્તિ નહીં હોય. મોદી સરકાર દ્વારા જીડીપીના આંકડા જાહેર કરાયા ત્યારે આ આંકડા ખોટા છે અને ઉપજાવી કાઢેલા છે એવો દાવો સુબ્રમણ્યમ સ્વામીએ કરીને વિવાદ જગાવ્યો હતો. જોકે કેન્દ્ર સરકાર કે ભાજપ દ્વારા તેમને ઠપકો આપવામાં આવ્યો નહીં હોય કેમ કે ભાજપે કોંગ્રેસની સામે મોરચો માંડવા માટે તેમને આગળ કર્યા હોય તેમ નેશનલ હેરાલ્ડ કેસ સ્વામીએ જ કર્યો છે. જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આરોપી છે અને કોંગ્રેસના આ નેતાઓ જામીન પર ચાલી રહ્યાં છે. જેનો ઉલ્લેખ વડાપ્રધાન મોદી પોતાના ભાષણમાં કરતા હોય છે.
રાજકીય સૂત્રોએ જણાવ્યું કે દરેક પ્રસંગમાં કંઇકને કંઇક આડું અવળું નિવેદન આપીને ચોક્કસપણે મીડિયામાં રહી શકાય. સામી બાજુએ મીડિયા પણ આવા નિવેદનોને શા માટે પ્રસિદ્ધિ આપે છે કે તેને પ્રોત્સાહન આપે છે તે અંગે પણ આત્મચિંતન કરવાની જરૂર છે. પ્રસંગ અનુસાર જે બોલે તેને ડાહ્યો ડમરો કે પરિપક્વ વ્યક્તિ કહી શકાય. જો સ્વામી પાસે બોલિવૂડની અભિનેત્રીઓ કે નિર્માતા વગેરેના સંબંધો દાઉદ ગેન્ગ સાથે હોય તો ભારત સરકારને તેની માહિતી આપવી જોઇએ જેથી દાઉદ ગેન્ગ બોલિવૂડમાં ખંડણી ઉઘરાવતો હોય તેને રોકી શકાય. મોતનો મલાજો જાળવનારા જ સારી વ્યક્તિ કહેવાય છે. ભાજપના આ સાંસદને એવું કર્યું નથી એ પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ રહ્યું છે ત્યારે દાઉદને બીનજરૂરી પ્રસિદ્ધિ આપવાથી મૂળ વિષય એક તરફ થઇ જાય છે. ભાજપના નેતાઓએ તેમના પર નિયંત્રણ મુકવા જરૂર છે કેમ કે ચાલુ વર્ષે કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ચૂંટણીઓ યોજાવાની છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલશ્કરનું રાજનીતિકરણ લોકશાહી માટે મૃત્યુઘંટ સમાન સાબિત થઇ શકે..
Next articleગૃહની કાર્યવાહી જોવા આવતા બાળકો ઉપર શિસ્તના નામે ત્રાસ ગુજારાય છે…?