(જી.એન.એસ) તા. 30
અમદાવાદ,
‘સ્વપ્ન-શ્રેષ્ઠતાના સંવર્ધન માટેના કાર્યક્રમ’ અંતર્ગત સ્વચ્છતા અભિયાનમાં સ્વૈચ્છાએ જોડાયેલા છાત્રોએ ગૂજરાત વિદ્યાપીઠ સંકુલને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવ્યું
ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સ્વાભિમાન શિષ્યવૃત્તિ હેઠળ ‘સ્વપ્ન-શ્રેષ્ઠતાના સંવર્ધન માટેના કાર્યક્રમ’ અંતર્ગત વેકેશન દરમિયાન દરરોજ આઠ કલાક શ્રમયજ્ઞ કરીને ગૂજરાત વિદ્યાપીઠ સંકુલને ચોખ્ખું-ચણાક કરી નાખ્યું છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે આ વિદ્યાર્થીઓને રાજભવનમાં આમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
વિદ્યાર્થીઓના શ્રમયજ્ઞથી અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરતાં કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પોતાનું કામ જાતે કરવું એ જ સાચી સ્વતંત્રતા છે, બાકી પરાધીનતા છે. પૂજ્ય ગાંધીજી હંમેશા પોતાનું કામ જાતે કરવાના આગ્રહી હતા. ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ પૂજ્ય ગાંધીજીના આદર્શો અનુસાર પોતાની માતૃસંસ્થામાં સફાઈ કરીને સ્વાધીનતાનું પ્રેરણાદાયી કામ કર્યું છે. સ્વાધીનતાથી મોટું કોઈ સુખ નથી અને પરાધીનતાથી મોટું કોઈ દુઃખ નથી.
ગૂજરાત વિદ્યાપીઠના સ્વાભિમાન શિષ્યવૃત્તિ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ વેકેશનમાં સ્વૈચ્છાએ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. સફાઈ અભિયાનમાં સામેલ થયેલા વિદ્યાર્થીઓને વિધાપીઠ તરફથી સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયાના પ્રવાસે પણ લઈ જવામાં આવ્યા હતા.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના છાત્રોને સંબોધતાં કહ્યું કે, વિદ્યાપીઠ એ શિક્ષાભૂમિ છે. શિક્ષાભૂમિનું મહત્વ માતૃભૂમિ જેટલું જ છે. પોતાની શિક્ષણ સંસ્થાને પોતાનું ઘર સમજીને તેની સ્વચ્છતામાં સક્રિયતાથી યોગદાન આપીને આપે આદર્શ કામ કર્યું છે. આવા કામ આજીવન કામ આવતા હોય છે. તેમણે છાત્રોને સ્વચ્છતા માટે વર્ષભર કાર્યરત રહેવા અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીના આદર્શોને અનુરૂપ તમારા ગામને આદર્શ ગામ બનાવવા પણ પ્રયત્ન કરજો, તમારા ગામના સર્વાંગી વિકાસ માટે હંમેશા સક્રિય રહેજો.
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલે ‘સ્વપ્ન-શ્રેષ્ઠતાના સંવર્ધન માટેના કાર્યક્રમ’ની જાણકારી આપતાં કહ્યું કે, સ્વચ્છતા અભિયાનમાં સ્વૈચ્છાએ જોડાયેલા 63 છાત્રો; જેમાં મોટાભાગના બી. એડ., એમ. એડ.ના વિદ્યાર્થીઓ છે, તેમણે સ્વાશ્રયી બનીને, શ્રમયજ્ઞ કરીને ગૂજરાત વિદ્યાપીઠ સંકુલને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવી દીધું છે. કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાપીઠ સંકુલને સ્વચ્છ અને નમૂનારૂપ બનાવવા જાતે શ્રમયજ્ઞ કરીને મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ અવસરે ગૂજરાત વિદ્યાપીઠના શ્રી અરૂણભાઇ ગાંધી, અમિષાબેન શાહ ઉપરાંત છાત્રાલયના વ્યવસ્થાપકો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.