રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૯૭૮.૭૫ સામે ૬૦૮૩૪.૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૦૮૧.૩૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૧૭.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૭૩.૬૯ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૨૦૫.૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૨૮.૨૫ સામે ૧૭૧૦૯.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૪૫.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૪.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૯.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૮૮૮.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલી સાથે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ અવિરત ખરીદી બાદ આજે નફારૂપી વેચવાલી કરતા ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. કોર્પોરેટ પરિણામોની ત્રીજા ત્રિમાસિકની સીઝનમાં ઓટોમોબાઈલ જાયન્ટ મારૂતી સુઝુકી સહિતના પ્રોત્સાહક પરિણામો છતાં આંતરરાષ્ટ્રીય મોરચે ફરી અમેરિકા અને ચાઈના વચ્ચે ઈરાનથી ઓઈલ ખરીદવા મુદ્દે અને રશીયા સાથે સહયોગ મામલે ઘર્ષણથી જીઓપોલિટીકલ ટેન્શનની શકયતાએ આજે ભારતીય શેરબજારમાં સાવચેતીમાં વેચવાલી જોવા મળી હતી. ચાઈનાના અર્થતંત્રની રી-ઓપનીંગ સાથે ઝડપી રિકવરીની અપેક્ષા છતાં વૈશ્વિક મોરચે મંદીનો ફફડાટ વ્યાપત રહેતાં વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટ ડહોળાયુ હતું.
વિશ્વમાં હજુ કોરોનાની નવી લહેર કેર વર્તાવી શકે છે એવા ફફડાટ સાથે મંદીનો ભય ઝળુંબી રહ્યો હોવાથી શેરોમાં ઈન્ડેક્સ બેઝડ સાવચેતી સાથે કેન્દ્રિય બજેટની તૈયારી ચાલી રહી હોઈ નાણા પ્રધાન નિર્મલા સીતારમન બજેટમાં કેવી જોગવાઈ લાવશે એની અટકળો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝમાં જાન્યુઆરી વલણનો અંત હોવાથી ઈન્ડેક્સ બેઝડ બે – તરફી વધઘટના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી જોવાઈ હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૯૦ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૬.૪૯ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૯૬ અને વધનારની સંખ્યા ૧૧૨૦ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતમાં મુખ્ય નીતિગત પડકારો પૈકી એક આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા અને સુધારાને ઝડપી બનાવવાનો છે. આ સંદર્ભમાં, જોકે, રોકાણની સ્થિતિમાં સુધારા પર ઘણું નિર્ભર છે, જે છેલ્લા કેટલાક સમયથી સુસ્ત છે. આ માટે સરકાર જાહેર રોકાણને પ્રોત્સાહન આપી રહી છે જેથી ખાનગી રોકાણ મળી રહે, પરંતુ આમાં ખાસ સફળતા મળી નથી. બેંક અને કોર્પોરેટ બેલેન્સ શીટ જેવા સંબંધિત પરિબળોમાં સુધારો જોવા મળી રહ્યો છે ત્યારે રોકાણમાં સુધારો જોવામાં થોડો સમય લાગી શકે છે. કોવિડ-૧૯ રોગચાળાએ સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓને અસર કરી છે અને રોકાણની માંગ પર તેની મોટી અસર પડી છે. એવો અંદાજ છે કે લગભગ ૭૦% ઊભરતાં બજારો અને વિકાસશીલ અર્થતંત્રો ૨૦૨૩માં રોકાણની ખામીનો ભોગ બનશે. વૈશ્વિક નાણાકીય કટોકટી પછીના શરૂઆતના વર્ષો કરતાં મહામારી પછીની પુનઃપ્રાપ્તિ ઘણી ધીમી રહી છે.
કેટલાક સ્થાનિક પરિબળો સાનુકૂળ હોવા છતાં, ભારતમાં રોકાણ વૃદ્ધિની સંભાવનાઓ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓથી પ્રભાવિત થશે. વૈશ્વિક સ્તરે પ્રવર્તતી અનિશ્ચિતતા અને ઉત્પાદન વૃદ્ધિ ધીમી થવાથી ભારતીય કંપનીઓને ક્ષમતાનો ઉપયોગ સુધરે તો પણ આક્રમક રીતે રોકાણ શરૂ કરવા પ્રોત્સાહિત નહીં થાય. રોકાણ પુનઃપ્રાપ્તિમાં વિલંબની આશંકા આગામી કેન્દ્રીય બજેટમાં નીતિ નિર્માતાઓની પસંદગીઓને વધુ જટિલ બનાવશે. આનો અર્થ એ થશે કે સરકારે રોકાણ ચાલુ રાખવું પડશે, ભલે રાજકોષીય ખાધને શક્ય તેટલી ઝડપથી નીચે લાવવાની જરૂર હોય. અત્રે એ પણ નોંધનીય છે કે ફુગાવાના દરમાં અપેક્ષિત ઘટાડાની અસર આગામી નાણાકીય વર્ષમાં રેવન્યુ કલેક્શન પર પણ પડી શકે છે. આવી સ્થિતિમાં, મૂડી ખર્ચ ચાલુ રાખવા અને રાજકોષીય ખાધ ઘટાડવામાં પાછળ ન આવવા માટે આવક બચત દ્વારા સંસાધનોની વ્યવસ્થા કરવાનો પડકાર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.