Home રમત-ગમત Sports ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી વિશે રસપ્રદ વાતો

ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી વિશે રસપ્રદ વાતો

71
0

(જી.એન.એસ),તા.૦૯
નવીદિલ્હી
ભારતીય મહિલા ક્રિકેટની સર્વકાલિન શ્રેષ્ઠ ક્રિકેટર મિતાલી રાજે બુધવારે ૨૩ વર્ષની કારકિર્દી બાદ ક્રિકેટની તમામ ફોરમેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રાજસ્થાનના જાેધપુરમાં તામિલ પરિવારમાં મિતાલી રાજનો જન્મ થયો હતો. ૧૦ વર્ષની ઉંમરથી તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને ૧૬ વર્ષની વયે તેણે આંતરાષ્ટ્રીય સ્તરે ભારત તરફથી રમવાનો પ્રારંભ કર્યો હતો. એરફોર્સ અધિકારી પિતાની દીકરી મિતાલીની બેટિંગમાં ગજબની શિસ્ત જાેવા મળતી હતી. મિતાલીએ આયરલેન્ડ સામે ડેબ્યૂ વન-ડે મેચમાં સદી ફટકારી હતી. સચિન તેંડુલકરે પણ ૧૬ વર્ષની ઉંમરે જ ભારતીય ટીમમાંથી રમવાની શરૂઆત કરી હતી. મિતાલીએ ૨૩ વર્ષની ઉજ્જવળ કારકિર્દીમાં બે વખત ભારતીય ટીમને ફાઈનલમાં કેપ્ટન તરીકે પહોંચાડવાની ઉપલબ્ધિ મેળવી છે. જાે કે કમનસીબે મિતાલી ભારતીય મહિલા ટીમને એકપણ વર્લ્‌ડ કપ જીતાડવામાં સફળ નથી રહી શકી. ૧૯૭૬માં ભારતને સૌપ્રથમ ટેસ્ટ વિજય અપાવનાર કેપ્ટન શાંતા રંગાસ્વામી મિતાલીને ભારતને મળેલી શ્રેષ્ઠ મહિલા બેટર કહેતા સહેજ પણ ખચકાટ અનુભવતા નથી. મિતાલીની કવર ડ્રાઈવ અને બેક ફૂટ પંચ તેને મળેલી કુદરતી બક્ષીસ સમાન હતા. આ ઉપરાંત તેણે વિકસાવેલી વોટર ટાઈટ ટેકનિકનો ભાગ્યેજ કોઈ તોડ મેળવી શક્યું હતું. રંગાસ્વામી તેમની અંતિમ મેચ રમ્યા તે ગાળામાં મિતાલીએ પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. જાે કે બાદમાં તેમણે કોમેન્ટેટર, પસંદગીકાર અને ચાહક તરીકે મિતાલીની સફરને નજીકથી જાેઈ છે. તેમના મતે જ્યારે કોઈ બેટ્‌સમેનને તેની ટેકનિકને કારણે ઓળખવામાં આવે છે ત્યારે ફક્ત બે નામ મને યાદ આવે છે. એક નામ છે સુનીલ ગાવસ્કર અને બીજું મિતાલી રાજ. રંગાસ્વામીના મતે ૨૦૦ના વર્ષમાં ન્યૂઝીલેન્ડમાં રમાયેલા વર્લ્‌ડ કપમાં તેઓ કોમેન્ટરી કરી રહ્યા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં મિતાલીની ટેકનિકથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. સાથી કોમેન્ટેટરે આ પારીને ‘પોએટ્રી ઈન મોશન’ ગણાવી હતી. ભૂતપૂર્વ ભારતીય મહિલા કેપ્ટન ડાયેના એડુલજીની કારકિર્દી તેના અંતિમ પડાવમાં હતી ત્યારે મિતાલીએ રેલવેની ટીમમાંથી રમવાની શરૂઆત કરી હતી. સ્થાનિક સ્તરે આ મજબૂત ટીમ હતી એટલું જ નહીં પરંતુ યુવા વયે મિતાલીને એક સારી નોકરી પણ પ્રાપ્ત થઈ હતી. એરફોર્સ અધિકારીની દીકરી મિતાલી રાજ નાનપણમાં ભરતનાટ્યમ પણ કરતી હતી. મિતાલીને ડાન્સર બનવાની ઈચ્છા હતી. પિતા એરફોર્સમાં હોવાથી તેમણે મિતાલીને ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કરી હતી. કદાચ ભરતનાટ્યમની તાલીને લીધે જ મિતાલી ક્રિકેટમાં મજબૂત ફૂટવર્કનો સરળતાથી ઉપયોગ કરી શકતી હતી. મિતાલીને પુસ્તકો વાંચવાનો પણ શોખ હતો અને અનેક મેચોમાં ડગઆઉટમાં અથવા પેવેલિયનમાં તે પુસ્તક વાંચતી પણ નજરે પડતી હતી. મિતાલીએ ક્રિકેટની કારકિર્દીમાં ૨૨૦ વનડે મેચમાં ૫૧.૩૨ની એવરેજથી રમતા સાત સદી અને ૫૯ અડધી સદી ફટકારતા કુલ ૭,૩૯૧ રન કર્યા હતા. આ ઉપરાંત ૧૨ ટેસ્ટ મેચમાં તેણે ૪૩.૬૮ની એવરેજથી રમતા એક સદી અને ચાર અડધી સદીની મદદથી ૬૯૯ રન કર્યા હતા. ૮૯ ટી૨૦ મેચમાં તે ૩૭ની એવરેજ ધરાવે છે અને ૨,૩૬૪ રન કર્યા છે. મિતાલી રાજ અને મહિલા ટીમના કોચ રમેશ પવારને અણબનાવ થતા ૨૦૧૮માં વેસ્ટ ઈન્ડિઝમાં ટી૨૦ વર્લ્‌ડ કપની સેમિફાઈનલ મેચમાં મિતાલીને ટીમથી બહાર બેસાડવામાં આવી હતી. ત્યારબાદ તેણે ક્રિકેટની ટૂંકી ફોરમેટમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું. મિતાલીએ કોચ પવાર દ્વારા ભેદભાવ કરાતો હોવાનું એક પત્રમાં બીસીસીઆઈને લખ્યું હતું. જ્યારે પવારે પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મિતાલી ટીમના હિતથી ઉપર પોતાનું હિતને વધુ મહત્વ આપે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનની કસ્ટડી બાદ તબિયત લથડી
Next articleસાઉથ આફ્રિકા સામેની ટી ૨૦ સિરીઝમાં રિષભ પંતને સુકાની બનાવાયો