ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકોની પેટા ચુંટણીમાં ભાજપ માટે સારા પરિણામો આવ્યા નહિ. રાજ્યસભાની ચુંટણીને સામે રાખીને જે ગણિત માંડવામાં આવ્યા હતા, તેમાં નિષ્ફળતા મળી. એટલું જ નહિ અમદાવાદ શહેરની અમરાઈવાડીની સલામત બેઠક પર જીત મેળવવામાં ઉમેદવાર જગદીશ પટેલ હાંફી ગયા. અને તેની આડ અસર દિલ્હી સુધી થઇ. જેથી જવાબદાર તમામ સામે હાઈકમાન્ડની નારજગી ઠલવાય તે સ્વાભાવિક છે.
આવા સંજોગોમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની દહેશત વહેતી થઇ. સમાચાર માધ્યમોએ આ ખાનગી વાતને જગજાહેર કરી આથી ભાજપના ધારાસભ્યોએ કાનાફૂંસી દ્વારા સત્ય જાણવા પ્રયત્નો શરુ કર્યા, “ શું લાગે છે? ” નો સવાલ માત્ર ધારાસભ્યો પુરતો માર્યાદિત ન રહ્યો. સચિવાલય ખાતે નવા વર્ષના પાયલાગણ કરવા આવતા ધારાસભ્યો પત્રકારોને પણ હવે પૂછવા લાગ્યા છે, “ શું લાગે છે ? ”
સૌરાષ્ટ્રના એક પદવંચિત ધારાસભ્યે પૂછ્યું “ શું લાગે છે ? ફેરફારો થશે ખરા ? સંગઠનમાં તો થશે જ પણ C.M નું શું ? કોણ આવે એવું લાગે છે ? અત્યારે કોઈને ભલામણ કરાવી હોય તો કોને કરી શકાય ? ” આવા અનેક સવાલો મારી સમક્ષ આવ્યા હતા. પરંતુ પદવાંચ્છુ સભ્યને કહેવું પડ્યું કે જેનો નિર્ણય આપણા નરેન્દ્રભાઈ જાતે જ લેવાના હોય ને તેમાં આપણે આપણા દિમાગને જરા પણ તકલીફ આપવી નહિ. કારણ કે તેમની સોચ આપણા સહુ કરતા સાવ અલગ જ હોય છે. અને ભલામણ થયા પછી ફાયદો થાય કે નુકસાન તેનું પણ નક્કી નહિ. જેથી બીજા કોઈ વચેટિયાઓને પકડવા કરતા તાકાત અને પહોચ હોય તો સાહેબને જ મળી આવો.
ધારાસભ્યએ નિઃસાસો નાખ્યો “ ઈજ વાંધો છે ને ! સાહેબ હવે ક્યા કોઈ ધારાસભ્યને મુલાકાત આપે જ છે. ! મોટા નામ વાળા ધારાસભ્યો પણ મુલાકાત કર્યાવિના વિલા મોએ પાછા આવ્યા છે.
સભ્યશ્રી પોતાની વાત માટે રસ્તો શોધવા પ્રયાસ કરતા હતા એવામાં દક્ષીણ ગુજરાતના એક ધારાસભ્ય આવી પહોચ્યા. મલકાતા મલકાતા કહ્યું “ હવે અમારો દક્ષીણ ગુજરાતનો વારો આવવા દેજો. સી.એમ તો દક્ષિણ ગુજરાતના જ હવે જોઈએ. ”
સૌરાષ્ટ્રના ધારાસભ્યએ જવાબ આપ્યો “ તે એમાં તમે થોડા સી.એમ થવાના ? તમે તમારી લીટી મોટી કરવાની વાત કરોને. તમે તો ત્રણ ટર્મથી જ્યાં છો ત્યાં ને ત્યાં જ છો. તમારું કાઇ ગોઠવો. સી.એમ ગુજરાતના હોય કે મહારાષ્ટ્રના તમારે માત્ર ધારાસભ્ય જ રહેવાનું હોય તો ફરક શું પડે ? ”
દક્ષીણ ગુજરાતના સભ્યએ કહ્યું “લો તો તમે વળી ક્યાં મંત્રી થઇ ગયા તે મને કો છો. આપણ બેઉ સરખા જ તો છીએ. તમારી વાત સાથે સંમત, હવે મારું અને તમારું કાંઈ ભલું થાય તો ગુજરાતનું ભલું થતું હોય એવું લાગે હો કે.”
તેમને જવાબ મળ્યો “ બસ હવે આ વાતને વળગી રહેજો. આપણે સી.એમ થવાનું નથી. મંત્રી પદ ભળે રાજ્યકક્ષાનું મળે, ચાલશે, પણ પ્રમોશન મળવું જોઈએ.”
બંને સભ્યોને પ્રશ્ન કર્યો કે કોઈ બોર્ડ નિગમમાં મુકે તો ચાલશે ?
બંને સભ્યોના મો બગડ્યા “ શું યાર, તમે મિત્ર છો કે દુશ્મન ? કંઇક સારું બોલો અને સારું ઈચ્છો.”
ફરી સવાલ એજ આવ્યો કે શું લાગે છે ? ક્યારે આ ફેરફારો થાય એવું લાગે છે ? ૨૦૨૦ મા જ થશે કે ૨૦૧૯ મા જ દાવ લેવાઈ જશે ? આ અઘરા સવાલનો જવાબ કોઈ પાસે નથી.
ખેડૂતોના પાક વિમાના પ્રશ્ને કોંગ્રેસને આંદોલનથી દુર રાખવા કિસાન સંઘને આગળ આવવું પડ્યું
અત્યારે સૌરાષ્ટ્ર – કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં મોટા પાયે પાક વીમાના મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં સિંગ અને કપાસ તો ઉત્તર ગુજરાતમાં કપાસ, મધ્ય ગુજરાતમાં ડાંગર સહિતના વિવિધ પાકોમાં અતિ અને સતત વરસાદથી ભારે નુકસાન થયું છે. વીમા કંપનીઓ ખેડૂતોને કશું જ આપવા માંગતી નથી. આથી અવનવા પેતરાઓ યોજીને જવાબદારી માંથી છટકવાનાં પ્રયાસો કરે છે.
કોંગ્રેસ પક્ષ તરીકે અત્યારે લડાયક મુડમાં નથી. પરંતુ દરેક જીલ્લા અને તાલુકા કક્ષાએ ખેડૂતોના રોશને વાચા આપવાનું કામ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ કરે છે. સતત સમાચારોમાં આવતા આ નેતાઓથી હવે ભાજપ સંગઠન અને સરકાર ચિંતાગ્રસ્ત છે. ખેડૂતોની ઉગ્ર લાગણીને ધ્યાનમાં રાખી સરકારે નક્કર પગલા લેવા જ પડશે. પરંતુ તેનો યશ કોંગ્રેસ ખાટી ન જાય, તે માટે કિસાન સંઘનાં નેતાઓ ને સક્રિય કરી દેવામાં આવ્યા છે. મિડીયામાં માત્ર કોંગ્રેસ જ નહિ, પણ કિસાન સંઘ પણ હવે ખેડૂતોના મુદ્દે સરકાર અને વિમા કંપનીઓને ચીમકી આપે છે.
અત્યારે નુકસાનીનો સર્વે કરવાના આદેશ બહાર પાડ્યા છે. પરંતુ, આજથી ત્રણ – ચાર દિવસ ‘ મહા ’ વાવાઝોડાની શક્યતા છે. જેથી જે કાંઈ પાક બચ્યો હશે તેને પણ કુદરત ખેદન મેદાન કરી નાખશે. સિંગ નો પ્રશ્ન પૂરો થઇ ગયો છે. કોઈએ સિંગ ઉપાડી લીધી છે તો કોઈની સિંગ બગડી ગઈ છે. પરંતુ જે કપાસ બચ્યો છે તેણે મોટું નુકસાન થવાની શક્યતા છે. ઉપરાંત ડાંગરનો પાક જે ખેડૂત બચાવી શક્યા છે, તેમને આ મહા વાવાઝોડું નડી જશે. જેથી સર્વેની કામગીરી પૂરી થઇ હશે ત્યાં ફરી સર્વે કરાવવો પડે એવી સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા ઉભી થઇ છે. વાવાઝોડું ફંટાઈ જાય કે નબળું પડે તેમ છતાં વરસાદ તો થવાનો જ છે જે થોડું ઘણું નુકસાન કરી શકે છે .
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.