Home ગુજરાત “બે વિભિન્ન સંસ્કૃતિઓને એક કરતો સંગમ, સાર્થક કરશે અનેક બહુમૂલ્ય અભિગમ”

“બે વિભિન્ન સંસ્કૃતિઓને એક કરતો સંગમ, સાર્થક કરશે અનેક બહુમૂલ્ય અભિગમ”

64
0

(આલેખન: હર્ષ સંઘવી, ગૃહ રાજ્ય મંત્રી, ગુજરાત)

સંગમ બે પ્રદેશનો, સંગમ તેમાં વણાયેલી બે સંસ્કૃતિનો, સંગમ તેમાં ધબકતી બે સભ્યતાનો, સંગમ તેમની ભાષાનો, એમના વ્યંજનોનો. તેની અંદર વસતા લોકોના હૃદયનો સંગમ અને તેમાંથી છલકતી આત્મીયતાનો સંગમ એટલે સૌરાષ્ટ્ર તમિલ સંગમ.

આમ તો સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિ વચ્ચેનો સંબંધ હજારો વર્ષો પહેલાનો છે, જ્યારે સૌરાષ્ટ્રના અમુક વતનીઓ તામિલનાડુમાં જઈને વસ્યા અને તામિલનાડુની ભૂમિને પોતાની કર્મભૂમિ બનાવીને તેમને પોતાનું બીજું ઘર સમજીને ત્યાંની સંસ્કૃતિમાં એકાકાર થઈ ગયા. તમિલ લોકોએ આપણા સૌરાષ્ટ્રના લોકોનું પોતાના પ્રદેશમાં અને પોતાની સંસ્કૃતિમાં ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ સંગમ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે.

“સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્” હેઠળ સાંસ્કૃતિક વિવિધતાઓને એકતાના સૂત્રમાં બાંધવાનું જે સ્વર્ણિમ કાર્ય આદર્યું છે, તેના ફળસ્વરૂપ બે વિભિન્નતાથી ભરેલી સંસ્કૃતિઓ એક નેજા હેઠળ ભાઈચારાના પાઠને તથા વિવિધતામાં રહેલી એકતાને વિશ્વ સમક્ષ રજૂ કરશે, આ સુંદર કાર્યનો પૂર્ણ શ્રેય “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સૂત્રધાર એવા આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફાળે જાય છે, જેની દીર્ઘદ્રષ્ટિના કારણે આ શક્ય બન્યું છે.

‘સૌરાષ્ટ્ર – તમિલ સંગમ’ નો શુભારંભ તા. ૧૭ એપ્રિલે સૌરાષ્ટ્રમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને દેશના રક્ષામંત્રી રાજનાથસિંહની વિશેષ ઉપસ્થિતિમાં થશે. તા. ૧૭ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી ચાલનાર ‘સૌરાષ્ટ્ર – તમિલ સંગમ’ માં તામિલનાડુથી આશરે ૩૦૦૦ થી ૫૦૦૦ લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. જે સૌરાષ્ટ્રની મુલાકાત લેશે અને આ રંગારંગ ઉજવણીનો ભાગ બનશે.

એક એવો સવાલ છે કે કાર્યક્રમ માટે સોમનાથ મંદિરની પસંદગી જ શા માટે કરવામાં આવી? તો, પ્રખર શિવ ઉપાસકો તરીકે દર વર્ષે હજારો તમિલ લોકો ભારતના સૌથી જૂના જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના દર્શને આવે છે અને આ જ કારણ છે કે સૌરાષ્ટ્ર – તમિલ સંગમ માટે સ્થળ તરીકે સોમનાથને પસંદ કરવામાં આવ્યું.

ભારત હંમેશા પારસ્પરિક જોડાણને વધુ મજબૂત કરવામાં માને છે અને આપણી ભારતીય સંસ્કૃતિ તો વિવિધતાથી પરિપૂર્ણ છે. ભલે આપણે કોઈપણ ભાષા બોલીએ, કોઈપણ પોશાક પહેરીએ પરંતુ આપણું હૃદય ભારતીયતાના એકસૂત્રથી બંધાયેલું છે. વિવિધતામાં એકતા જ આપણી સાચી અને અનન્ય ઓળખ છે.

આ પ્રકારના કાર્યક્રમોનો હેતુ માત્ર સાંસ્કૃતિક બંધન જ નહીં પરંતુ કલા, વ્યંજન, કારીગરો, શિક્ષણ, સાહિત્ય અને રમતગમતની પ્રવૃત્તિઓના સંગમને પણ સુદ્રઢ કરશે. માનનીય પ્રધાનમંત્રીની દીર્ઘ દ્રષ્ટિ અને મક્કમ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર તામિલનાડુના ભાઈ-બહેનોને આવકારવા ઉત્સાહિત છે. આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર – તમિલ જોડાણને વધુ મજબૂત બનાવશે અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરશે.

Previous articleસૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના મહેમાનોને કરાવવામાં આવશે ગુજરાતના મંદિરોની તીર્થયાત્રા
Next articleઅમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી