Home ગુજરાત ગાંધીનગર બિન રાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરી જમીનની પ્રાકૃતિક રીતે જાળવણી...

બિન રાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરી જમીનની પ્રાકૃતિક રીતે જાળવણી કરીએ

26
0

છાણીયા ખાતર, લીંબોળી, દિવેલાનો ખોળ, રાયડાનો ખોળ તેમજ યોગ્ય સેન્દ્રીય ખાતરનો વપરશ લાભદાયી બને છે

દર વખતે એકજ પાકના વાવેતરને બદલે યોગ્ય ફેરબદલી કરવી

(જી.એન.એસ) તા. 17

ગાંધીનગર,

પ્રાકૃતિક ખેતી દ્વારા દેશી પધ્ધતિ અને ખાતરનો ઉપયોગ કરી જમીન અને પાકની ગુણવત્તા સુધારવા ખેડૂતમિત્રોને માર્ગદર્શન આપી બિન રાસાયણિક ખેતી વધારી શકાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિયેશન ઓફ ગુજરાત અને જૂનાગઢ કૃષિ યુનીવર્સીટીના સહયોગથી ગાંધીનગર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લાના ખેડૂતો માટે બિન રાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન અંગેના પગલાં બાબતે ખેડૂતોને માહિતીગાર કરવા સુચન કરવામાં આવ્યું છે.

 જે મૂજબ ઉનાળામાં હળ કે ટ્રેક્ટરની દાંતી થી આડી ઉભી ખેડ કરવી. જેથી રોગકારક ફૂગ, જીવાણુ, કીટકના કોશેટા, ઈંડા કે કૃમિ, ઊંડી ખેડને કારણે જમીન ઉપરથી સપાટીથી બહાર આવતા મે મહિનાની અસહ્ય ગરમીથી નાશ પામે તેમજ જમીનની અંદર રહેલ ફૂગને પૂરતો ઓક્સિજન ન મળવાથી નાશ પામે.

દર વર્ષે એક જ જમીનમાં એકના એક પાકનું વાવેતર ન કરતા બીજા પાકોનું વાવેતર કરવું જેથી જમીનજન્ય રોગો જેવા કે સૂકારો, મૂળનો કોહવારો, થડનો સડો, ગંઠવા કૃમિ જેવા રોગોનું વ્યવસ્થાપન થઈ શકે તથા મગફળીના પાકમાં થડના કોહવારાનું પ્રમાણ ઘટાડવા કપાસ, ઘઉં, મકાઈ, જુવાર, ડુંગળી અને લસણ જેવા પાક સાથે ફેર બદલી કરવાની ભલામણ છે.

સંપૂર્ણ કોહવાયેલ ગળતીયા છાણીયા ખાતર, લીંબોળી તથા દિવેલીનો ખોળ, રાયડાનો ખોળ કે મરઘાં- બતકાના ખાતરનો વપરાશ વધારવો જેથી જમીનનું પોત સુધરે તેમજ રોગમાં ઘટાડો થાય. મગફળીમાં થડના કોહવારા માટે વાવણી પહેલા દિવેલીના ખોળને ૭૫૦ કી. ગ્રા. પ્રતિ હેક્ટર તથા કપાસમાં જમીનજન્ય ફૂગ થી થતા રોગો જેવા કે ધરુંનું મૃત્યુ, મૂળખાઈ અને સૂકારાના નિયંત્રણ માટે છાણીયું ખાતર હેક્ટરે ૧૦ ટન અથવા પ્રેસમડ અથવા મરઘા નું ખાતર ૨ ટન પ્રતિ હેક્ટર એવા વાવેતર પહેલાં જમીનમાં આપવાથી રોગોનું પ્રમાણ ઘટાડી શકાય છે.

ઉપરાંત રોગપ્રતિકારક જાતોના વાવેતરનો આગ્રહ રાખવો. મગફળીમાં ઉગસૂક, મૂળખાઈ અને થડના કોહવારા સામે પ્રતિકારકતા માટે જીજેજી-૩૩ જાતની ભલામણ છે.

જમીનનું સૌરીકરણ (સોઇલ સોલરાઈઝેશન) એ જમીનનું તાપમાન વધારવા માટે સૂર્યની શક્તિનો ઉપયોગ કરીને જમીન મારફતે પાકને નુકસાનકર્તા જીવાણું, કૃમિ કે કીટક ના કોશેટા, ફૂગ , ફૂગના બીજાણું અને નીંદણ નિયંત્રિત કરવા માટેની પર્યાવરણ અનુકૂળ બિન રાસાયણિક પદ્ધતિ છે. કોઈપણ ધરું વાડીયામાં અથવા ખેતરમાં એપ્રિલ-મે માસ દરમિયાન જ્યારે ખૂબ ગરમી પડતી હોય ત્યારે સૌ પ્રથમ જમીનમાંથી અગાઉના પાકના અવશેષો તથા નિંદામણ દૂર કરી પાણી આપી વરાપ થયે છાણીયું ખાતર કે કોઈપણ ખોળ ભેળવી જમીનની ખેડી ભરભરી બનાવવી, ત્યારબાદ તુરંત જ ધરુંવાડીયાના કે ખેતરના ક્યારાના માપ પ્રમાણે ૧૦૦ ગેજનું એલ.એલ.ડી.પારદર્શક પ્લાસ્ટિક જમીન પર પાથરી ચારે બાજુ ચુસ્ત રહે તે રીતે માટીથી  પ્લાસ્ટિકની ધારને જમીનમાં દબાવી ઢાંકવું. આમ ૧૫ દિવસ સુધી તેને પશુ કે માણસોથી નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે પ્લાસ્ટિકને હવાચુસ્ત રાખવાથી અંદરના ભેજની વરાળ થઈ પાણીની પરપોટીઓ પ્લાસ્ટિકની અંદરની બાજુએ જામી જશે જે તાપમાન વધારવામાં મદદરૂપ થશે. ૧૫ દિવસ પછી પ્લાસ્ટિક સાવચેતી પૂર્વક કાઢી લેવું અને બીજી જગ્યાએ અથવા બીજા વર્ષે વાપરવા માટે સાફ કરીને વ્યવસ્થિત જગ્યાએ મૂકી રાખવું. ત્યારબાદ જે પાકનું ધરૂવાડીયું નાખવાનું હોય કે વાવણી કરવાની હોય તેની ભલામણ અનુસાર જમીન તૈયાર કરી વાવણી કરવી.

જે તે પાકમાં રોગને ધ્યાનમાં રાખી પિયતના પાણીનું નિયમન કરવું. દિવેલા, તમાકુ, કપાસ અને તુવેરના પાકમાં જમીનજન્ય ફૂગથી થતો મૂળખાઈ રોગની તિવ્રતા જમીનનું તાપમાન વધારે હોય તેવા કિસ્સામાં વધુ હોય છે. આવા કિસ્સામાં પાકને સમયસર પિયત આપવું હિતાવહ છે.

જમીનજન્ય ફૂગથી થતા રોગ (ઉગસૂક, સૂકારો, ધરુનો કોહવારો, થડનો કોહવારો, મૂળનો કોહવારો) અને કેટલાક બીજને રોગોના અટકાયત માટે જૈવિક નિયંત્રકો જેવા કે ટ્રાયકોડર્મા હરજીયાનમ, શ્યુ ડોમોનાસ ફ્લુરેસેન્સનો ઉપયોગ ( ૮ થી ૧૦ ગ્રામ /કી .ગ્રા બીજ) કરવો. ઘણા રોગકારકો જમીનમાં રહેતા હોય તેના નિયંત્રણ માટે એક કી.ગ્રા. ટ્રાઈકોડર્માને ૧૦ કિ. ગ્રા છાણિયા ખાતરમાં ભેળવી અને વિકસવા દેવું. આવું તૈયાર કરેલ ૧૦ કી.ગ્રા. છાણીયું ખાતર ૧૦૦ કિ.ગ્રા  બીજા છાણીયા ખાતરમાં ભેળવીને જમીનમાં આપવાથી જમીનજન્ય રોગોનું નિયંત્રણ કરી શકાય છે.

મગફળીમાં થડ નો કોહવારો રોગ જૈવિક નિયંત્રણ માટે પાંચ કી ગ્રામ ટ્રાઈકોડર્મા હરજીયાનમ અથવા ટ્રાયકોડર્મા વીરડી ૨૫૦ કી.ગ્રા. દિવેલી/ રાયડાના ખોળ સાથે ભેળવીને વાવતા પહેલા ચાસમાં આપવું અથવા ટ્રાયકોડર્મા પાંચ કી.ગ્રા. પ્રતિ હેક્ટરે માટી સાથે ભેળવી ચાસમાં આપવું

દિવેલા માં સુકારો તેમજ મૂળનો કોહવારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હરજીયાનમ ૫ કી.ગ્રા.ને ૫૦૦ કિ.ગ્રા. રાયડાના ખોળ સાથે ભેળવીને ચાસમાં આપવું.

તુવેર માં સૂકારો રોગ જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હરજીયાનમ ૮ થી ૧૦ ગ્રામ પ્રતી કિ.ગ્રા. બિયારણ પ્રમાણે પટ આપવો તેમજ છાણીયા ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાયકોડર્મા ૨૦૦ ગ્રામ પ્રતિ મીટર પ્રમાણે ચાસમાં આપવાથી રોગનું નિયંત્રણ થાય છે.

આ અંગે વધુ જાણકારી મેળવવા સ્થાનિક ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) તથા નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગિરસોમનાથમાં જિલ્લા પૂરવઠા અધિકારીની ટીમે 380 કટ્ટા  શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપ્યો
Next articleખેડા માં કોકાકોલા કંપની ને આરએસી દ્વારા રૂ. ૧૫ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો