Home રમત-ગમત Sports બાંગ્લાદેશ પાસેથી શ્રીલંકાએ છીનવી લીધી જીતની બાજી

બાંગ્લાદેશ પાસેથી શ્રીલંકાએ છીનવી લીધી જીતની બાજી

43
0

શ્રીલંકાના પૂંછડિયા બેટ્સમેન અસિથા ફર્નાન્ડોની ગજબની ફટકાબાજીની મદદથી એશિયા કપમાં અહીં રમાયેલી મહત્વની મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશ પાસેથી જીતની બાજી છીનવી લેતાં સુપર ફોરમાં પ્રવેશ મેળવ્યો હતો. ગ્રુપ બીની નિર્ણાયક મેચમાં બાંગ્લાદેશ માટે જીતવું જરૂરી હતી. શ્રીલંકાનું સ્ટીમ રોલર ફરી વળતાં બાંગ્લાદેશના મોઢે આવેલો જીતનો કોળિયો છીનવાઈ ગયો હતો.

બાંગ્લાદેશએ પ્રથમ બેટિંગનું નિમંત્રણ મળતા નિર્ધારિત ઓવરમાં સાત વિકેટે 183 રન ખડક્યા હતા. જવાબમાં શ્રીલંકા 19.2 ઓવરમાં આઠ વિકેટે 184 રન કરીને બાંગ્લાદેશને ચોંકાવ્યું હતું. શ્રીલંકાના ઓપનર કુસલ મેન્ડિસના 60 રન તેમજ કેપ્ટન શનાકાના 45 રનની મદદથી શ્રીલંકાએ લડત આપી હતી પરંતુ સમયાંતરે વિકેટો પડતાં અંતિમ ત્રણ ઓવરમાં જીત માટે 34 રનની જરૂર હતી. 18મી ઓવરના પાંચમા બોલ પર કેપ્ટન શનાકા આઉટ થતાં શ્રીલંકાની સાતમી વિકેટ પડી હતી.

ત્યારપછીની ઓવરમાં થીકસાના શાકિબે કરુણારત્નેને રન આઉટ કરતાં શ્રીલંકાની જીતની રાહ મુશ્કેલ જણાતી હતી. જો કે 19મી ઓવરના અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારીને અસિથા ફર્નાન્ડોએ મેચમાં વાપસીની આશા જીવંત રાખી હતી. બાંગ્લાદેશનો સ્પિનર મહેદી હસને છેલ્લી ઓવર ફેંકી હતી. અંતિમ ઓવરમાં શ્રીલંકાને જીત માટે આઠ રનની જરૂર હતી. પ્રથમ બોલ પર થીકસાનાએ એક રન લીધો હતો જ્યારે બીજા જ બોલ પર ફર્નાન્ડોએ વિજયી ચોગ્ગો ફટકારીને જીત નિશ્ચિત કરી હતી. ત્રીજો બોલ નો બોલ રહ્યો હતો જેમાં બન્ને બેટ્સમેને બે રન દોડ્યા હોવાથી શ્રીલંકાનો નાટ્યાત્મક વિજય થયો હતો.

ફર્નાન્ડો ત્રણ બોલમાં 10 રન કરી અણનમ રહ્યો હતો. કુસલ મેન્ડિસને 37 બોલમાં 60 રનની ધમાકેદાર ઈનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ઈબાદત હુસૈને ત્રણ વિકેટ તેમજ તાસ્કિને બે વિકેટ મેળવી હતી. મુશ્તફિઝુર અને મહેદીએ એક-એક સફળતા મેળવી હતી. બાંગ્લાદેશની ટીમે પ્રથમ બેટિંગ કરતા મેહિદીના 38, શાકિબ અલ હસનના 24, અફિફ હુસૈનના 39 રનની મદદથી નોંધપાત્ર સ્કોર ઉભો કર્યો હતો.

છઠ્ઠા અને સાતમા ક્રમે રમવા આવેલા મહમદુલ્લહાએ 27 રન જ્યારે મોસાદ્દેકે 24 રનની અણનમ ઈનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી હસરંગા અને કરુણારત્નેએ બે-બે જ્યારે મદુશંકા, થીકસાના અને ફર્નાન્ડોએ એક-એક વિકેટ લીધી હતી. બાંગ્લાદેશનો અગાઉ પ્રથમ મુકાબલામાં અફઘાનિસ્તાન સામે પણ પરાજય થયો હતો. સતત બે મેચ હારતા બાંગ્લાદેશની સુપર ફોરમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું હતું.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટીમ ડેવિડને ઓસ્ટ્રેલિયાની ટી20 વર્લ્ડકપ ટીમમાં મળ્યું સ્થાન
Next articleસપ્તાહના અંતે ફોરેન ફંડો દ્વારા દરેક ઉછાળે વેચવાલી યથાવત્ રહેતાં ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ…!!!