Home ગુજરાત પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતનાં ભરૂચનાં આઇટીઆઇ સર્ટિફાઇડ ખેડૂત શ્રી અલ્પેશભાઇ ચંદુભાઇ નિઝામા સાથે...

પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતનાં ભરૂચનાં આઇટીઆઇ સર્ટિફાઇડ ખેડૂત શ્રી અલ્પેશભાઇ ચંદુભાઇ નિઝામા સાથે વાત કરી

11
0

“શિક્ષિત યુવાનોનો ખેતીમાં પ્રવેશ ખેડૂતોને ખેતરોથી લઈને બજાર સુધી સારું વાતાવરણ પૂરું પાડવાના સંકલ્પને બળ આપે છે: પ્રધાનમંત્રી

(જી.એન.એસ),તા.૦૯

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા (વીબીએસવાય)ના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયબદ્ધ રીતે પહોંચે તે માટે સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવા માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે.

આઇટીઆઇ પ્રમાણિત ખેડૂત અને હાર્ડવેર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધારક શ્રી અલ્પેશભાઇ ચંદુભાઇ નિઝામા કે જેઓ, ગુજરાતનાં ભરૂચનાં વીબીએસઇ લાભાર્થી છે તેમને પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રમાં જોડાવાનાં તેમનાં નિર્ણય વિશે પૂછપરછ કરી હતી. અલ્પેશભાઈએ જવાબ આપ્યો કે તેમણે નોકરી છોડીને 40 એકરની પૈતૃક જમીન પર ખેતી કરવાનું નક્કી કર્યું. તેમણે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે, તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ બંને પાસેથી લાભ લીધો છે, જ્યાં તેમણે ખેતીનાં સાધનો સબસિડીનાં ભાવે ખરીદ્યાં હતાં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ટપક સિંચાઈ તકનીકોમાં તેમણે ૩ લાખ રૂપિયાની સબસિડીનો લાભ લીધો હતો. “તમારી ઉંમરે મને ખબર નહોતી કે લાખ રૂપિયા કેવા દેખાય અને તું લાખોની વાત કરે છે. આ પરિવર્તન છે.” પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ અલ્પેશભાઈને મળતી સબસીડી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને પોતાના સાથી ખેડૂતોને ખેતીની અદ્યતન ટેકનિકો અને આધુનિક સાધનો અંગે સલાહ આપવા પણ અનુરોધ કર્યો હતો. શ્રી અલ્પેશભાઈએ વર્ષ 2008થી ATMA (એગ્રિકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) પ્રોજેક્ટ્સ સાથેના તેમના જોડાણ વિશે વાત કરી હતી, જેમાં તેમણે અન્ય પ્રદેશો અને રાજ્યોની ખેતીની તકનીકો વિશે જાણકારી મેળવી હતી. ભરૂચમાં પ્રધાનમંત્રીની હાજરીમાં ATMA દ્વારા તેમને ‘બેસ્ટ ફાર્મર એવોર્ડ’ મળ્યો હોવાની માહિતી પણ આપી હતી.

પ્રધાનમંત્રીએ પૃષ્ઠભૂમિમાં તેમની પુત્રીના સ્મિતભર્યા ચહેરાની નોંધ લીધી હતી અને તેમની સાથે વાતચીત પણ કરી હતી અને તેમને ‘ભારત માતા કી જય’ના નારાનું નેતૃત્વ કરવા જણાવ્યું હતું. પરિણામે, સમગ્ર જનમેદની ઉમટી પડી હતી અને પ્રધાનમંત્રીને અપાર આનંદ થયો હતો.

પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, કૃષિ તરફ વળી રહેલા યુવાનો માટે શ્રી અલ્પેશભાઈ જેવા લોકો પ્રેરણારૂપ છે. તેમણે ખેડૂતોને આધુનિક ટેકનિકો, નવીનતા અને નવી વિચારસરણી સાથે ખેતરોથી બજાર (બીજ સે બજાર તક) સુધી શ્રેષ્ઠ વાતાવરણ પ્રદાન કરવાની ખાતરી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “શિક્ષિત યુવાનોનો ખેતીમાં પ્રવેશ આ સંકલ્પને બળ આપે છે.” પ્રધાનમંત્રીએ ખેડૂતોને કૃષિમાં ડ્રોનનો ઉપયોગ કરવા તરફ ધ્યાન આપવા પણ પ્રોત્સાહન આપ્યું હતું. શ્રી મોદીએ ખેડૂતોને આગામી 5 ગામડાઓમાં ‘મોદી કી ગેરંટી’ વાહનના ભવ્ય સ્વાગત માટે તૈયાર રહેવા પણ અપીલ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી
Next articleગાંધીનગરની સી.એમ. પટેલ કૉલેજ ઑફ નર્સિંગ ખાતે પાત્રતા ધરાવતા મતદારોને મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીનું પ્રેરક ઉદ્બોધન