Home ગુજરાત ગાંધીનગર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ: ગુજરાતમાં 66.55 લાખ ખેડૂતોને...

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ: ગુજરાતમાં 66.55 લાખ ખેડૂતોને મળ્યા ₹18,800 કરોડ

3
0

(જી.એન.એસ) તા. 24

ગાંધીનગર,

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનું નિર્માણ ચાર પિલ્લર એટલે કે ગરીબ, યુવા અન્નદાતા અને નારીશક્તિના વિકાસથી કરવાની સંકલ્પના આપી છે. 2019માં વડાપ્રધાનશ્રીએ અન્નદાતા એટલે કે ખેડૂતોના સશક્તિકરણ માટે એક ક્રાંતિકારી નિર્ણય લીધો અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરી, જે હેઠળ દેશના તમામ નાના ખેડૂતોના બૅન્ક ખાતામાં વાર્ષિક ₹6000ની નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આ પહેલના અસરકારક અમલીકરણ દ્વારા ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શરૂ થઈ ત્યારથી અત્યારસુધીમાં એટલે કે 6 વર્ષમાં રાજ્યના 66.65 લાખ ખેડૂતોને ₹18,813.71 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.

યોજનાના લાભ પાત્ર ખેડૂતો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા માટે મલ્ટી-લેવલ વેરિફિકેશન સિસ્ટમ

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભ પાત્ર ખેડૂતો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારે મલ્ટી-લેવલ વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરી છે. આ પ્રણાલીનો ઉદ્દેશ યોજનાના અમલીકરણમાં પારદર્શિતા અને જવાબદારી જાળવવાનો છે. 12મા હપ્તાથી જમીન વાવણીને ફરજિયાત બનાવવામાં આવી છે, જેથી ફક્ત પાત્રતા ધરાવતા ખેડૂતો જ આ યોજનાનો લાભ મેળવી શકે. આ અંતર્ગત, ખેડૂતોએ પોતાની જમીનને પોર્ટલ સાથે જોડવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

ભ્રષ્ટાચારને અટકાવવા માટે આધાર લિંકિંગ, ઈ-કેવાયસી અને ભૌતિક ચકાસણી ફરજિયાત

આ યોજનાના પારદર્શક અમલીકરણ માટે 13મા હપ્તાથી આધાર લિંકિંગ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી હતી, જેના દ્વારા નાણાંકીય સહાય સીધી ખેડૂતોના આધાર સાથે જોડાયેલા બૅન્ક ખાતાઓમાં મોકલવામાં આવે છે. 15મા હપ્તાથી ઈ-કેવાયસીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેનાથી યોજનાના લાભાર્થીઓની ઓળખ અને સુરક્ષામાં વધારો થયો છે. આ ઉપરાંત, ખેડૂતો તેમના ઓળખ સંબંધિત દસ્તાવેજોને ઓનલાઈન વેરિફાઈ કરી શકે છે. ગ્રામ્ય સ્તરે નોડલ અધિકારી 5% અને 10% ફિઝિકલ વેરિફિકેશન પણ કરે છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ફક્ત પાત્ર ખેડૂતોને જ યોજનાનો લાભ મળે. આ પ્રક્રિયા અયોગ્ય લાભાર્થીઓને દૂર કરવામાં મદદ કરે છે.

અયોગ્ય લાભાર્થીઓ પાસેથી વસૂલાત અને જન સંવાદ દ્વારા પારદર્શિતામાં વધારો થયો

ગુજરાત સરકાર કોઈ ખેડૂતે ખોટી રીતે આ યોજનાનો લાભ મેળવ્યો હોય, તો આ લાભોની વસૂલાત પણ કરે છે. આ ઉપરાંત, ખેડૂતો તેમના જમીન માલિકીના દસ્તાવેજો અને આધાર વિગતોનો ઉપયોગ કરીને પીએમ-કિસાન પોર્ટલ પર સ્વ-નોંધણી પણ કરાવી શકે છે. મુખ્યમંત્રી ડેશબોર્ડ હેઠળ, જન સંવાદ કાર્યક્રમ દ્વારા લાભાર્થીઓ સીધો પ્રતિસાદ આપી શકે છે, જેથી યોજનાના રિયલ-ટાઇમ નિરીક્ષણ સાથે તેનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરી શકાય છે.

ખેડૂતોના બૅન્ક ખાતામાં DBT દ્વારા જમા થાય છે નાણાંકીય સહાય

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી નાણાંકીય સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. લાભાર્થી ખેડૂતો પીએમ-કિસાન પોર્ટલ પર તેમનું પેમેન્ટ સ્ટેટસ ચકાસી શકે છે. આ પોર્ટલ પર તેઓને બૅન્કનું નામ, એકાઉન્ટ નંબર, વ્યવહારની તારીખ અને યુટીઆર નંબર જેવી વિગતો જોવા મળશે. ખેડૂતોને નાણાંકીય સુરક્ષા પૂરી પાડીને, રાજ્ય કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવી રહ્યું છે અને અવિરત વિકાસને પ્રેરિત કરી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field