(G.N.S) dt. 9
ગાંધીનગર,
સલામત દિવાળી માટે ફટાકડા ફોડતી વખતે વિશેષ ધ્યાન રાખવું: આપત્તિ સમયે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અથવા પોલીસનો સંપર્ક કરવો
દિવાળી પર્વને અનુલક્ષીને જિલ્લાના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે જિલ્લા કલેક્ટર શ્રી હિતેશ કોયા અને નિવાસી અધિક કલેક્ટર શ્રી ભરત જોશીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જનજાગૃતિ અર્થે ડિઝાસ્ટર અવેરનેસ માટેનો સંદેશ પાઠવવામાં આવ્યો છે.
સંદેશમાં સાવચેતીના પગલાં સૂચવવામાં આવ્યા છે. જે અંતર્ગત દિવાળીના પર્વ પર બાળકોએ વડીલોની હાજરીમાં જ ફટાકડા ફોડવા. સૂકી રેતી અથવા પાણીની બે થી ત્રણ ડોલ ફટાકડા સળગાવવાના સ્થળની નજીક રાખવી. ફટાકડા ફોડતી વખતે સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવા. ફટાકડા ખુલ્લી જગ્યામાં જ ફોડવા. ફટાકડાને અગરબત્તીથી કે તારામંડળથી યોગ્ય અંતર રાખીને સળગાવવા. ફટાકડાને જમીન ઉપર રાખીને સળગાવવા અને તરત જ દૂર જતું રહેવું. જો ફટાકડા ન સળગે તો તેની નજીક જઈ કેમ નથી સળગ્યો તેની તપાસ કરવાને બદલે તેની ઉપર પાણી રેડવું. ફટાકડાના બોકસ કે જથ્થાને ફટાકડા સળગાવવાની જગ્યાથી દૂર રાખવું. જ્યારે પહેરેલા કપડાં આગમાં લપેટાય ત્યારે થોભીને ફટાકડાને દૂર કરવા અને જમીન પર આળોટવું. જો આગ ઓલવી શકાય તેમ ન હોય તો અસરકર્તાને બ્લેન્કેટમાં વીંટાળવો. જ્યાં સુધી બળતરા થાય ત્યાં સુધી દાઝેલી જગ્યા ઉપર ઠંડુ પાણી નાંખવું અને યોગ્ય સારવાર માટે વહેલી તકે ડોકટરનો સંપર્ક કરવો.
સંદેશમાં કેટલીક વિશેષ તકેદારી રાખવા પણ જણાવાયું છે. જેમાં જણાવ્યા અનુસાર નાના બાળકોને ફટાકડા સળગાવવા આપવા નહિ પરંતુ તેમની સાથે વડીલોએ અવશ્ય હાજર રહેવું. ગીચતાવાળી જગ્યા, સાંકડી જગ્યા કે ઘરમાં ફટાકડા ના ફોડવા. પાર્કિંગ સ્થળ કે વાહનો નજીક ફટાકડા ના ફોડવા. રસ્તા ઉપર કે અન્ય કોઇ જાહેર સ્થળ ઉપર ફટાકડા ન ફોડવા. ફટાકડાને કયારેય હાથમાં પકડીને ફોડવા નહિ. ફટાકડાને કોઈ પણ સમયે ખિસ્સામાં રાખવા નહિ. કોઠીને હાથમાં પકડીને સળગાવવી નહિ. ફટાકડા ફોડતી વખતે ઢીલા કે ખુલ્લા/લાંબા વસ્ત્રો પહેરવા નહિ. સળગતા ફટાકડા કોઈની ઉપર ફેંકવા નહિ. રોકેટને ઝાડ નીચે કે કોઈ અવરોધ પાસે ન સળગાવતા ખુલ્લી જગ્યામાં જ સળગાવવું. ફટાકડાને કારણે આંખમાં ઇજા થઇ હોય તો આંખો મસળવી નહિ. તાત્કાલિક આંખોના નિષ્ણાતનો સંપર્ક કરવો.
આપત્તિના સમયે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અથવા પોલીસનો સંપર્ક કરવો. ફાયર અને ઇમરજન્સી કંટ્રોલ રૂમ ફોન નં :૧૦૧, (૦૭૯)૨૩૨ ૨૨૭૪૨, જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ફોન નં. (૦૭૯) ૨૩૨૫૬૭૨૦, ટોલ ફ્રી નં. : ૧૦૭૭ પર, જિલ્લા પોલીસ સ્ટેશન ફોન નં- (૦૭૯) ૨૩૨ ૧૦૧૦૮, (૦૭૯)૨૩૨ ૧૦૯૧૪ અથવા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા પર ફોન કરીને મદદ લેવા ડિઝાસ્ટર મામલતદાર શ્રી રાજેશ્રી પરમાર અને ડીપીઓશ્રી મેધા રબારી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.