“જ્યારે તમે કોઈપણ કામ કરો તેમાં તમને આત્મસંતોષ મળે તે જ તમારો સાચો પુરસ્કાર છે”- કમિશનરશ્રી આઈ.સી.ડી.એસ
(જી.એન.એસ) તા. 7
ગાંધીનગર,
સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘પાપા પગલી’ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય કક્ષાનો ભૂલકામ મેળો 2024-25 “શિક્ષણમાં સર્જનાત્મકતા” અંતર્ગત તા. 07-માર્ચ, 2025 ના રોજ સેક્ટર-07, કોમ્યુનિટી હોલ ગાંધીનગર ખાતે કમિશનરશ્રી આઈ.સી.ડી.એસ રણજિતકુમાર સિંહની અધ્યક્ષતામાં યોજાયો હતો.
રાજ્ય કક્ષાના આ ભૂલકા મેળામાં જુદા જુદા જિલ્લાની આંગણવાડીની કાર્યકર બહેનો તથા બાળકોએ સુંદર મજાની કૃતિઓ રજૂ કરી હતી. જેમાંથી શ્રેષ્ઠ કૃતિઓને પ્રમાણપત્ર તથા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ મેળાનું મુખ્ય આકર્ષણ એવા ટી એલ એમ પ્રદર્શની સ્ટોલ માં પણ ખૂબ જ રસપ્રદ પ્રદર્શન જોવા મળતા કમિશનર શ્રી એ પણ પ્રદર્શન કરતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
બાળકના જન્મથી લઈને છ વર્ષ સુધીનો સમયગાળો ખૂબ જ મહત્વનો હોય છે. આ સમયે બાળક કોરી પાટી સમાન હોય છે, જેને આંગણવાડીમાંથી શૈક્ષણિક જગતની કેળવણીની પહેલી તાલીમ મળે છે. ત્યારે આ પાપા પગલી કાર્યક્રમને અત્યંત મહત્વનો જણાવતા કમિશનર શ્રી રણજીત કુમાર સિંહે, વિવિધ વિષયોને હળવી શૈલીમાં બાળકો સુધી નૃત્ય અને ગીતો દ્વારા પહોંચાડતી આંગણવાડીની મહિલાઓને ખૂબ જ બિરદાવી હતી.
આ સાથે જ મેળામાં પ્રસ્તુત પ્રદર્શન થકી અભિભૂત થઈ તેમણે આ અંગે જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકરોની આ સમજ ખરેખર અદભુત છે, જે અંક ગણિતથી માંડી બધું જ બાળકોને સરળતાથી શીખવાડી શકે છે. ઉપરાંત ઉપસ્થિત સર્વેને આ પ્રદર્શન ની મુલાકાત લઈ બહેનોની મહેનતને બિરદાવવા માટે પણ અપીલ કરી હતી.
કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી દરેક કૃતિનો ઉલ્લેખ અને તેની વિશેષતા જણાવતા તેમણે દરેકને અભિનંદન પાઠવ્યા હતા. અને ઉમેર્યું હતું કે, વિજેતા કોઈ પણ એક ભલે હોય પણ સર્વની મહેનત અને જુસ્સો અદભુત હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, એક હારથી નિરાશ થવાનું નથી, “જ્યારે તમે કોઈપણ કામ કરો તેમાં તમને આત્મસંતોષ મળે તે જ તમારો સાચો પુરસ્કાર છે”ઉપરાંત કમિશનર શ્રી એ કૃતિઓનો સંદર્ભ લઈ ઉપસ્થિત સર્વેને ગરમીમાં અબોલ પશુ-પંખીને કાળજી રાખવા તેમના માટે પાણીના કુંડા વગેરેની વ્યવસ્થા કરવા માટે પણ નમ્ર વિનંતી કરી હતી.
આ પ્રસંગે નાયબ નિયામક શ્રી (TAI & PSE) ક્રિષ્નાબેન વૈષ્નાણી દ્વારા શાબ્દિક સ્વાગત તથા આભાર વિધિ કરવામાં આવી હતી.
કાર્યક્રમ અંતર્ગત મિશન ડાયરેક્ટર શ્રી જિજ્ઞાસા પંડ્યા, જી.આર.સી ડાયરેક્ટર શ્રી અનિતાબેન પટેલ, મહિલા વિંગ નિયામક શ્રી મનિષાબેન પટેલ, એન એમ એમ નાયબ નિયામક શ્રી નેહાબેન કથીરિયા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, આઇસીડીએસની બહેનો, આશા વર્કર બહેનો તથા આંગણવાડીના નાના ભૂલકાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.