(GNS),07
પાકિસ્તાનની સીનિયર પુરૂષ ક્રિકેટ ટીમને રવિવારે પાકિસ્તાન સરકાર તરફથી ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે પાડોશી દેશમાં પ્રવાસ ખેડવા લીલીઝંડી આપવામાં આવી હતી. આ સાથે જ મહિનાઓથી વર્લ્ડ કપ માટે પાક. ટીમના ભાગ લેવાના મુદ્દે ચાલી રહેલી અનિશ્ચિતતા પર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં આઈસીસી વર્લ્ડ કપ યોજાશે. પાક. વિદેશ મંત્રાલયે જણાવ્યા મુજબ પાકિસતાન સતત એક વાતને આગ્રહપૂર્વક જણાવે છે કે રમતને લઈને રાજકારણ ના થવું જોઈએ. એટલા માટે જ આગામી વન-ડે વિશ્વ કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની પુરૂષ ક્રિકેટ ટીમને ભારત જવા માટે મંજૂરી આપવામાં આવી છે. પાકિસ્તાનનું માનવું છે કે, ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધોની સ્થિતિ આંતરરાષ્ટ્રીય રમત સંબંધિત જવાબદારીઓની વચ્ચે ઉભી થવી જોઈએ નહીં. પાકિસ્તાન સરકાર દ્વારા ટીમની સુરક્ષાના મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને સલામતીના પ્રશ્ને પાક. સરકાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) તથા ભારતીય સત્તાધીશોને રજૂઆત કરશે.
પાક. વિદેશ મંત્રાલયના મતે ભારતના પ્રવાસ દરમ્યાન પાકિસ્તાન ક્રિકેટ ટીમને સંપૂર્ણ સુરક્ષા અને સલામતી ઉપલબ્ધ કરાવાશે તેવી અપેક્ષા છે. ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમને ભારતનો પ્રવાસ ખેડવાની મંજૂરી આપવાનો નિર્ણય પાકિસ્તાનના રચનોત્મક અને જવાબદાર અભિગમને દર્શાવે છે તેમ મંત્રાલયે જણાવ્યું હતું. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરિફ દ્વારા અગાઉ પાક. ક્રિકેટ ટીમના ભારત પ્રવાસમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે કમિટીનું ગઠન કરાયું હતું. વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની અધ્યક્ષતા હેઠળની આ કમિટીની વડાપ્રધાન સાથેની બેઠકમાં મોટાભાગના સભ્યોએ પાક. ક્રિકેટ ટીમને ભારત મોકલવા સહમતિ વ્યક્ત કરી હતી. કેટલાક સભ્યોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે ભારતીય ટીમ પાકિસ્તાન રમવા નથી આવી રહી જેથી પાક.એ પણ ભારત રમવા ના જવું જોઈએ. આખરે સર્વાનુમતે પાક. ક્રિકેટ ટીમને ભારત મોકલવા માટે નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પાક.નું એક પ્રતિનિધિમંડળ ઓગસ્ટના અંત સુધીમાં સુરક્ષા મુદ્દે રજૂઆત કરવા ભારત આવે તેવી શક્યતા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.