કલા અને કૌશલ્યની ભૂમિ બંગાળે હંમેશા સાંસ્કૃતિક વિરાસતને નવી ચેતના પ્રદાન કરી છે : આચાર્ય દેવવ્રતજી
(જી.એન.એસ) તા. 20
ગાંધીનગર,
પશ્ચિમ બંગાળના સ્થાપના દિવસે આજે ગાંધીનગરમાં રાજભવનમાં વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાં વસતા બંગાળી પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પશ્ચિમ બંગાળના નાગરિકોને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, કલા અને કૌશલ્યની ભૂમિ બંગાળે હંમેશા સાંસ્કૃતિક વિરાસતને નવી ચેતના પ્રદાન કરી છે.
નેતાજી સુભાષચંદ્ર બોઝ વિના આઝાદીનો સંગ્રામ અશક્ય જણાય છે. રાજા રામમોહનરૉય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજ સુધારકો તથા રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા મહાન સાહિત્યકારોએ બંગાળને સજીવતાપૂર્ણ પ્રાંતની ઓળખ આપી છે એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, બંગાળની ધરતી એ સમય-સમય પર આ રાષ્ટ્રને નવીન ચિંતન આપ્યું છે.
એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા અને ભારતીય વિદ્યા ભવન સ્કૂલ, વડોદરામાં અભ્યાસ કરતી બંગાળી છાત્રાઓ અને બંગાળ કલ્ચરલ એસોસિએશન, અમદાવાદની બહેનોએ રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીની ઉપસ્થિતિમાં બંગાળી નૃત્યો અને ગીતોનો રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. રાજ્યપાલશ્રીએ બંગાળી ગીત-સંગીત અને કલાની પ્રશંસા કરતાં કહ્યું કે, સંબંધોમાં પરસ્પર તાલમેલ અને લય હોય તો જ સંગીત અને નૃત્યમાં લય અને તાલમેલ સંભવ છે. શાંતિ ભારતનો મૂળ મંત્ર છે ત્યારે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાથે યોજાઈ રહેલા આવા કાર્યક્રમોથી ભિન્ન-ભિન્ન પ્રદેશોના નાગરિકો વચ્ચે આદાન-પ્રદાન સુદ્રઢ થાય છે,જે એકતાને અખંડ બનાવે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહની પહેલથી સમગ્ર ભારતના રાજભવનોમાં તમામ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણીનો આરંભ કરાયો છે, તેનો ઉલ્લેખ કરીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પશ્ચિમ બંગાળના સૌ નાગરિકોને સ્થાપના દિવસના અભિનંદન આપ્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બંગાળ કલ્ચરલ એસોસિએશન, અમદાવાદના કોરિયોગ્રાફર સુમોના લાહિરી, ગ્રુપ લીડર સુશ્રી રીટા કર અને એમ.એસ. યુનિવર્સિટી, ભારતીય વિદ્યાભવન સ્કૂલ, વડોદરાના ગ્રુપ લીડર મધુમિતા રૉય ચૌધરીનું સન્માન કર્યું હતું. સમારોહના આરંભે બંગાળ કલ્ચરલ એસોસિએશનના અધ્યક્ષ શ્રી અજોય દાસ અને સેક્રેટરી શ્રી ગૌતમ લાહિરીએ રાજ્યપાલશ્રીનું અભિવાદન કર્યું હતું. આ અવસરે ગુજરાતમાં સેવારત બંગાળી ઉચ્ચ અધિકારીઓ; અધિક મુખ્ય સચિવ શ્રી સી.વી. સોમ, ભારતીય થલસેનાના બ્રિગેડિયર શ્રી સંજીવ સેનગુપ્તા, કર્નલ ચિત્રા બેનર્જી, ભારતીય તટરક્ષક દળના કમાન્ડન્ટ અનિમેશ મજુમદાર, ડેપ્યુટી કમાન્ડન્ટ ચાંદની બેનર્જી, દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાનના પ્રિન્સિપલ મેડિકલ ઑફિસર એર કોમોડોર રાજીવ ભટ્ટાચાર્ય અને બંગાળના નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.