Home ગુજરાત પત્રકારો પર લાઠીચાર્જ–મિડિયાએ આત્મમંથન કરવાની જરૂર

પત્રકારો પર લાઠીચાર્જ–મિડિયાએ આત્મમંથન કરવાની જરૂર

413
0

જૂનાગઢ ખાતે સ્વામીનારાયણ ટેમ્પલ કમિટીની ચુંટણીમાં કવરેજ કરી રહેલા પત્રકાર પર પોલીસે લાઠી વીંઝી . આ ઘટનાથી પત્રકાર આલમ સમસમી ઉઠી . રજૂઆત , ધરણા અને રોષ વ્યક્ત કરતી નારેબાજી પણ કરી , જૂનાગઢ સિવાય રાજકોટ , અમદાવાદ , વડોદરા માં પણ પત્રકારોએ પોતાની લાગણી પ્રજા અને સરકાર સુધી પહોચાડવાના પ્રયાસો કર્યા . આખરે લાઠીચાર્જ કરનારા બે પોલીસ કોન્સ્ટેબલ અને એક PSI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા . પત્રકાર મિત્રો એ કોલાર ઉચા કર્યા કે જુઓ આ અમારી સંગઠનની તાકાત !
શું આ વાસ્તવિક ચિત્ર છે ? પત્રકાર મિત્રોએ આત્મમંથન કરવાની જરૂર છે . સસ્પેન્શનનું પગલું ભરાવા પાછળ પણ સસ્પેન્સ છે . આને પત્રકાર મિત્રો પોતાનો વિજય ન સમજે.
પત્રકારોની આવી દશા ક્યારથી , કેમ અને કોણે કરી તે અંગે પણ આત્મમંથન કરવાની જરૂર છે. લોકતંત્રના આ મહત્વના સ્તંભને લુણો લાગતાં લાગતા હવે જીર્ણ – શીર્ણ થવા લાગ્યો છે . એક પણ રાજકારણી શાસક કે વિપક્ષ આ સ્તંભ મજબુત રહે તેની તરફેણમાં નથી . પત્રકારો પરના અત્યાચાર સમયે જે પણ પક્ષ વિરોધ પક્ષમાં હશે તે પત્રકારો પાસે દોડી આવશે . પરંતુ તેનો અર્થ એ નથી કે તેમને લોકતંત્રના આ ચોથા સ્તંભની ચિંતા છે . તેમને તો પોતાના હિસાબ કિતાબ સરભર કરવા જે મોકો મળ્યો છે તેનો લાભ જ લેવો છે . ઘણા વિપક્ષી નેતાએ કોઈ ખુંચતા પ્રશ્ને પત્રકારને ઉતારી પાડ્યો હોય એવી ઘટના બની છે અને તેવા સમયે બાકીના બધા જ પત્રકાર મિત્રો ચુપ રહ્યા છે , અથવા આનંદ અનુભવ્યો છે . આ આપણી વાસ્તવિક્તા છે .
પત્રકારોએ ક્યારેય પણ કોઈનાથી પ્રભાવિત થવું જોઈએ નહિ . આ પાયાની વાત હવે વિસરાઈ ગઈ છે . આપણે સત્તાધારીથી પ્રભાવિત થઇ જઈએ છીએ , આપણે દંભી ભગતડાઓ , જટાધિઓ અને અનેક નંગ – માળા ધારણ કરનારા લંપટોથી પણ પ્રભાવિત થઇ જઈએ છીએ . આપણે પ્રભાવિત થવા લાગ્યા તેમાં ક્યાંક આપણો સ્વાર્થ પણ કારણભૂત છે . આપણને આર્થિક ફાયદો કરાવે , આપણા પરિવારનું કોઈ નાણું મોટું કામ ઉકેલી આપે , આપણા પુત્ર – ભાઈ ને નોકરીએ લગાવી આપે કે કોઈ સાધુ આપણને કોઈ નંગ આપે અને આપણે રાજી રાજી થઇ તેના ગુણાનું વાદમા પડી જઈએ છીએ .
આપણે સત્તાધારી પક્ષના નેતાઓ કે મુખ્યમંત્રી – મંત્રીઓ સાથે નિકટતા એટલા માટે પણ કેળવવી પડે છે કે આપણા બોસ ગમે ત્યારે આપણને એવું કોઈ કામ સોપી દે છે જેમાં આપણી નોકરીનો સવાલ આવી જાય છે , અને આ બધું કરવામાં પત્રકારત્વના પાયામાં લુણો લાગવો શરુ થયો.
આપણા બોસ એન્ટી એસ્ટાબ્લીશમેન્ટ ન્યુઝ પસંદ કરે છે , એ જાણ્યા પછી આપણે બોસ પાસે સારા થવા માટે સરકાર વિરુદ્ધના સમાચારોનું જાતે સર્જન કરતા થઇ ગયા છીએ , અને આવા કારણોસર સરકાર મિડિયા પર વધુને વધુ નિયંત્રણો લાદવા લાગી . વિધાનસભાનું કવરેજ કરતા મિત્રોને જાણ હશે જ કે છેલ્લા ૧૫ વર્ષમાં મિડિયા ઉપર કેટલા નિયંત્રણો લદાયા છે . આ નિયંત્રણો પાછળ આપણે કેટલા જવાબદાર છીએ તે પણ વિચારવું જોઈએ . જયારે સરકારી તંત્રને લાગે છે કે મુખ્યમંત્રી – ગૃહમંત્રી કે મંત્રીઓ મીડિયાને બહુ ભાવ આપતા નથી , ત્યારે બ્યુરોકેટસ તેનો ફાયદો ઉઠાવી મીડીયાને પોતાના હાડ પીંજારો ભરેલા કબાટોથી દુર રાખવામાં સફળ થાય છે . આજના સંજોગોમાં કૌભાંડોની ફાઈલો આવા અનેક અધિકારીઓની કચેરીમાં મૌજુદ હોવા છતાં મિડીયાને દુર રાખવામાં સફળ રહેલું સરકારી તંત્ર બચી જઈ શકે છે .
જૂનાગઢની ઘટનામાં પોલીસ કર્મીઓના સસ્પેન્શનથી હરખાઈ જવાની જરૂર નથી . નુકસાન મીડિયાને જ થવાનું છે . અને પત્રકાર મિત્રો ધરણા અને આવેદન પત્રથી વધુ કશું જ કરી શકે તેમ નથી . શું આપણે કોઈ મહત્વના સમાચાર ને રોકી શકીએ તેમ છીએ ? કોઈ અધિકારી – મંત્રીનો બહિષ્કાર કરી શકીએ છીએ ? બોસના રોષ અને સહકારનો પડઘો જ સમાચાર માધ્યમમાં પડતો હોય છે . આ આપણી વાસ્તવિક્તા છે . તેનો સ્વીકાર કરીને આપણે આપણી લડત અને આપણા ઉશ્કેરાટને દિશા આપવી જોઈએ . પોલીસ તંત્ર સાથે વેર બાંધ્યા પછી નુકસાન મહેનત કરીને રિપોર્ટીંગ કરતા આપણા પત્રકાર મિત્રોને જ થવાનું છે . સમાચાર મેળવવા માટે સંઘર્ષ કરવો પડતો હોય છે , તેમાં વધારો થશે . જેમને ફોન અથવા પ્રેસનોટનાં આધારે રિપોર્ટીંગ કરવું છે તેમને કોઈ જ તકલીફ નથી . જેમને પોલીસ સ્તેશાની દયા ઉપર જીવવું છે તેમને પણ કોઈ તકલીફ નથી . પરંતુ જેમને બોસ – શેઠ – માલિકની દયા ઉપર નોકરી કરીને જીવવું છે તેમને કોઈ પણ તંત્ર સામે દુશ્મની મોંઘી પડી જતી હોય છે . અધિકારીઓના સહકાર વિના સમાચારોનું સર્જન ફિક્કું ફિક્કું જ હોય છે. આ વાસ્તવિક્તા સીનીયર પત્રકારો બરાબર સમજતા જ હશે. આપણે આપણા વ્યવસાયને લાયક બનીને સંઘર્ષ કરીશું તો સફળતા મળશે.(જી.એન.એસ.,જનક પુરોહિત)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપની તરફેણ કરે એ જ રાષ્ટ્રવાદી બાકી બધા કોંગ્રેસના દલાલ,ભ્રષ્ટ અને રાષ્ટ્રવિરોધી…!!
Next articleપત્રકારોની સુરક્ષા અને ભવિષ્યમાં જુનાગઢ જેવી કોઈ ઘટના ન બને તે માટે પ્રદિપસિંહ જાડેજાએ આપી ખાતરી