(જી.એન.એસ),તા.19
નવી દિલ્હી
ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયાના ત્રીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. “Gujarat’s Palette of Nutrition: A Recipe for Viksit Bharat @ 2047”ની થીમ સાથે ગુજરાત આ સમિટમાં પોતાની કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ સ્ટ્રેન્થનું પ્રદર્શન કરવા માટે ભાગીદાર રાજ્ય તરીકે સહભાગી થયું છે. તા. ૧૯ થી ૨૨ સપ્ટેમ્બર સુધી યોજાનાર “વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-૨૦૨૪”નો આજે ભારત મંડપમ ખાતે કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પ્રલ્હાદ જોશી, કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી શ્રી ચિરાગ પાસવાન તેમજ કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી રવનીત સિંહની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો.
ભાગીદાર રાજ્યના પ્રતિનિધિ તરીકે ગુજરાત તરફથી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ “વર્લ્ડ ફૂડ ઇન્ડિયા”ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ સમિટ અંતર્ગત આયોજિત પ્રદર્શનમાં ગુજરાત સરકારના પવેલીયનનું ઉદઘાટન કર્યું હતું. કૃષિ ઉદ્યોગ ક્ષેત્રને સમર્પિત ગુજરાત સરકારના iNDEXT-a સેલ દ્વારા આ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ગુજરાતની માળખાકીય શક્તિઓ, અદ્યતન ટેકનોલોજી અને નિકાસ સંભવિતતા રજૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ સ્તરીય CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ૧૦૦થી વધુ મલ્ટીનેશનલ કંપનીના ચીફ એકઝીક્યુટીવ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. આ CEO કોન્ફરન્સમાં કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી શ્રી ચિરાગ પાસવાન અને રાજ્ય મંત્રી શ્રી રવનીત સિંહ ઉપરાંત ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ મંત્રીશ્રીએ ગુજરાત પવેલિયનની મુલાકાત લઇ જણાવ્યું હતું કે, વિશ્વને ભારત અને ખાસ કરીને ગુજરાતની સમૃદ્ધ ખાદ્ય સંસ્કૃતિનો પરિચય કરાવવા તેમજ વૈવિધ્યસભર ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં રોકાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી “વર્લ્ડ ફૂડ ઇન્ડિયા” સમિટના આયોજનમાં ગુજરાત ભાગીદાર તરીકે સહભાગી થયું છે. આજે ગુજરાત ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. એ સમય દૂર નથી, જ્યારે અન્ય ક્ષેત્રોની જેમ ગુજરાત ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર બનશે.
આ કાર્યક્રમમાં કૃષિ મંત્રીશ્રી ઉપરાંત ગુજરાતના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેક્ટર શ્રી ડી. એચ. શાહ સહિત કૃષિ વિભાગના વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, આવતીકાલ તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ ભારત મંડપમ ખાતે ગુજરાત સરકાર દ્વારા “Gujarat’s Palette of Nutrition: A Recipe for Viksit Bharat @ 2047”ની થીમ પર જ્ઞાન સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.